← ક્ષારાબ્ધિને સ્રોતસ્વિની
ગિરિનિર્ઝર
દામોદર બોટાદકર
વનવલ્લરી →


<poem>

ગિરિનિર્ઝર

( હરિણી )

સુત-વિરહથી આંસુભીનું રડે ઉર રાંકડું ધબક ધબકી ધ્રુજી, ઉઠે, બળે બહુ બાપડું; પ્રિય–વિરહના સંતાપો ના સ્વભાવ સહી શકે. વિષમ પળને ઝીલી વેઠી ન ધર્ય ધરી શકે,

પણ કઠિન ને કાંટાવાળો વડો પથ વિશ્વનો કમ હૃદયને ક્યારે પૂછ નહિ વ્યવહારનો; છદ ઉઘડતાં ઉડી ચાલે વિહંગમશાવકો, નભ વિલસવું વર્ષાકાજે ત્યજે જલવાહકો.

વિમલ ઝરણું એ ઉત્સાહી સ્થલાંતર ખેલવા, નવલ નવલા મિત્રો શોધી નવો રસ પામવા; જનક નગની અાંસુ વ્હેતો શુભાશિષ સંગ્રહી, મધુર હસતું ધીરે ધીરે પડયું ઉરથી સરી.

નિકટ રમીને સંધ્યાકાળે હતું સદને જવું, પણ વિપિનની શોભા જોતાં નિર્દેશ ભૂલી ગયું; પદ પદ થકી દૂર દૂર વિમેહિત સંચર્યું.

જનક–ઉર તો રસ્તે જોતું સદા રડતું રહ્યું !
<poem>

પથપતિત કૈં પાષાણોથી ડરી તરતું જતું, તૃણુ કુસુમને સંગે લેતું વળી ત્યજતું જતું, ઘડી વિચરતું ધીમે ધીમે, ઘડી મહિં દોડતું ઘડીક ગૃહને સંભારીને અરે ! અટકી જતું !

હરિણશિશુકો દોડી દોડી ઉમંગથી આવતાં, વિમલ જલના પાને રાચી કને રહી કૂદતાં, ગગન–પથનાં કયારે પંથી અચાનક આવતાં, ઉર–સલિલને ભેટી લેતાં અને અવગાહતાં.

લલિત કરથી એને અંગે અડી ઉર રાચતું હૃદય ઉપર ઝીલી રાખી ઘડીક રમાડતું. વિહગ સહસા ઉડી જાતાં અધીર બની જતું, કઈ ઉછળતું ને ખીજાતું વળી વિરમી જતું

કંઈક તરૂઓ તીરે ઉભાં અનામય પૂછતાં. ફલ કુસુમથી સત્કારીને સહર્ષ વધાવતાં, અમળ ઉરને મૈત્રી માટે નહિ મથવું પડે, જગત સઘળું એ વૃત્તિને અધીન બની રહે.

તપન તપતો ઉના અંશુ કદી કદી ફેંકતો, કંઈ રમતથી ને હાંસીથી લગીર તપાવતો, તુરત તરૂઓ શીળી છાયા શિરે કરી રાખતાં,

રવિ-કર તણા સંતાપોથી સદૈવ બચાવતાં
<poem>

ગહન વનની વાટે ભૂલા પડી પથ શોષતા, તૃષિત પથિકો આશાયેલા અનુદિન આવતા; સુભગ સલિલે સત્કારીને પરિશ્રમ ટાળતું, લધુ વય છતાં સત્કર્મોને સદા ઉર સેવતું.

કંઇક ઝરણાં ન્હાનાં મોટાં વને રમતાં મળે, પ્રણય પ્રકટી ને સદભાવે અભેદ ધરી રહે. સહુ સુહૃદને સંગે રાખી મહા વન મ્હાલતું, વય, વિભવ ને કર્ત્તવ્યોમાં વળી વધતું જતું.

સઘન વનને સામે કાંઠે વડી સરિતા વહે, અમિત ઝરણાં એને અંકે પડી વિલસી રહે; કુતૂહલભર્યું એમાં ઈચ્છે અહો ! ઉર ખેલવા ! નવલ જગનાં કર્તવ્યોનો નવો ક્રમ દેખવા.

ઉર ઉધડતાં ને અભ્યાસે વધુ બળ આવતાં, કમ કમ થકી વિઘ્નો ભેદી નિરંતર ચાલતાં; સુભગ હૃદયો દૂરે દૂરે ગતિ કરતાં રહે, અમર–પથમાં ઉડી ઉડી યથાબલ સંચરે.

તટિની-હૃદયે હા ! એ દોડી ગયું ! સહસા ગયું ! હૃદય ઉડતાં રોકેલું એ નહિ ઘડીએ રહ્યું કઠિન સઘળાં કર્ત્તવ્યોને વરી સહજે ગયું,

વિમલ ઉરને શું સંકષ્ટે પડે કદી શીખવું ?
<poem>

સમુદય વિષે ભેળાયું ને ગભીર પથ પડયું, શિશુવય તણી મીઠી ક્રીડા તજી-વીસરી ગયું; પણ વિપિનને, એ વૃક્ષોને, વિહંગમવૃન્દને, નિજ હૃદયથી તૃપ્તિ દેતું કદી અટકયું ન એ.