ઋતુગીતો/સભારંજન/મેઘ–સેના

← (૯) ઋતુશોભા ઋતુગીતો
મેઘ–સેના
ઝવેરચંદ મેઘાણી
(૧૧) માડીજાયાને આશિષ →




મેઘ—સેના


[આ વર્ષાઋતુનું યશ—ગીત પણ ઉપર કહ્યા તે ગીગા બારોટે રચ્યું છે. છપ્પનના દુષ્કાળ પછી જે સારું ચોમાસું વરસ્યું, તે સમય પર કરેલ છે, અંતિમ હેતુ તો પોતાને એ દુષ્કાળ પાર ઉતરાવનાર કોઈ પીઠા ખુમાણ નામના કાઠી જમીનદારની પ્રસંશા કરવાનો છે. પરંતુ આપણે સુભાગ્યે કવિએ ઋતુવર્ણનની અંદર ક્યાંયે પોતાના દાતાનાં ગુણગાન ન આવવા દેતાં ફક્ત એટલી ત્રણ ટૂંકો એ તારીફ માટે અલાયદી રાખી છે. પરિણામે રસાસ્વાદ અખંડ રહે છે, તારીફની ત્રણમાંથી એક જ ટૂક અત્રે આપી છે.]

[ગીત-સપાખરું]

મળ્યાં વાદળાં ઘધુંબી કાળાં મેઘવાળાં ધરા માથે
ચોમાસારા સજ્યા ગર્યે સઘણ સામાઢ;
વરા ફેરી ધરા સરે ચડી ફોજ ઇંદ્ર વાળી,
ગાઢા મેઘ ગાજા, ત્રુટા છપનારા ગાઢ. ૧

૧. કાળાં મેઘનાં વાદળાં ધરતી પર મળ્યાં. ગીરના જંગલે ચોમાસાના ઉત્સવ-શણગાર સજ્યા. ઇંદ્રની સેના ધરા પર ચડી. ગાઢો મેઘ ગાજ્યો કે તુરત છપનિયા કાળના ગાઢ વછૂટી ગયા.

વીજળી મશાલુંવાળી ઝોળેળી આકાશવેગે,
ધરી રંગ લીલાં પીળાં ખેંચિયાં ધનુષ;
ચોપદારા લલકારા મોરલા જિંગોર્યો સારા,
મેઘ ઓતરાદા ચડ્યા, હરખ્યા મનુષ. ૨

ઇંદ્રજારા છૂટી ધારા, ભોમકારા મચી એલી,
નદીયાંરા ભર્યા આરા સ્ત્રોવરારાં નીર;
દાદરારા કવેસરા કીરતિ ગેંકિયા દાડી,
બાપૈયા બોલિયા ઠારોઠારથા બજીર. ૩

ગંગાજળાં ધધકિયાં, ખળક્યા ડુંગરા–ગાળા,
પ્રથીવાળાં નદીનાળાં સિંધુ ઢાળાં પૂર;
ખંખાળ્યા જમીકા ખાળા, દુઃખ દવા ટાળ્યા ખેહ,
નવે ખંડાંવાળાં ઢાળા પ્રગટાણા નૂર. ૪

૨. વીજળી રૂપી મશાલો આકાશમાં ઝળહળી ઊઠી. મેઘધનુષ લીલાપીળા રંગો ધારણ કરીને ખેંચાયાં. મોરલા રૂપી બધા છડીદારોએ લલકાર કરીને નેકી પોકારી. ઉત્તર દિશાથી મેઘરાજાને ચડ્યા દેખી માનવી હર્ષ પામ્યાં.

૩. ઇંદ્રના જારામાંથી ધારા છુટી. એલી (સતત આઠ દિવસની વૃષ્ટિ ) મંડાઈ. નદીઓના ને સરોવરોના આરા ભરાઈ ગયા. મેઘરાજાના કવીશ્વરોરૂપી દેડકાં નિરંતર એની કીર્તિ ગાવા લાગ્યાં, અને ઠેરઠેર બપૈયા બોલવા લાગ્યા.

૪. ગંગાજળ ધોધમાર વહેવા લાગ્યાં. ડુંગરની ખીણો ખળખળી.  ઊઠી. પૃથ્વી પરથી નદીનાળાંનાં પૂર દરિયા તરફ ચાલ્યાં. જમીનનાં પડને પાણી વતી ખંખાળી નાખ્યાં. દુઃખો અને ખરાબ વાયરા નાબૂદ કર્યા. નવે ખંડમાં નૂર પ્રગટ્યાં.

પીલંબરી લાલકુલી લીલંબરી બણી પ્રથી,
ઘનશ્યામ માથે છૂટી મેઘરી ઘેઘુંબ;
પા’ડ ઘેર્યા રીછાંવાળે, ટૂક સાથે ઝર્યા પાણી,
જમીં બણી ફળફૂલે ઘણું લૂંબઝૂંબ. ૫

રાંકવાળી મટી ખધ્યા, મો’લ ભાળી થિયા રાજી
કેતા માનસ્ત્રોવરારા છલક્યા કિનાર;
તૃણચારા કરેવાને મેખીયુનાં હાલ્યાં ટોળાં
ધરાસરે ચોમાસાની ઘૂમે મહીધાર, ૬

પ્રથી ફળી હેમફૂલે, હીંડળી મોલાત પાકી,
દુઃખ દવા ગિયા, સુખ થિયા દસે દેશ;
નોરતારી રમે મારી ગરબારી મળી નત્યો,
વળી પૂંજા અંબકારી કરવા વશેષ. ૭

૫. પૃથ્વી પીળે, લાલફુલેલ અને લીલે સાળુડે (અંબરે) સજ્જ બની. અને એના માથા પર ઘનશ્યામ મેઘની ગાઢ વૃષ્ટિ છૂટી પડી. રીંછડીઓ(શ્વેત વાદળીઓ)એ પહાડો ઘેરી લીધા. શિખર પરથી પાણી ટપકવા લાગ્યાં. જમીન ફળેફૂલે લૂંબઝૂંબ બની..

૬. રંકજનોની ક્ષુધા ટળી. ધાન્યના છોડ દેખીને રાજી થયા. કેટલાય માનસરોવરના કિનારા છલક્યા. ઘાસના ચારા કરવાને મહિષીઓ (ભેંસો)નાં ટોળાં ચાલ્યાં. જાણે પૃથ્વી પર ચોમાસા રૂપી વલોણું ઘુમાવાઈ રહ્યું છે.

૭. હેમવરણાં ફૂલે પૃથ્વી ખીલી ઊઠી છે. પાકેલા મોલ ઝૂલી રહ્યા છે. દુઃખ ગયાં છે, દસે દેશોમાં સુખ થયું છે. નોરતામાં રોજ રોજ નારીઓ ગરબે રમે છે. વળી અંબિકાની પૂજા કરે છે.

ભૂપે દસારારી સારી સવારી બણાવી ભારી,
શણગાર્યો હાથિયારાં અંબાડિયાં સાય;
ગામેગામ ધામધૂમ શણગાર્યાં શોક ગળી
પૂર્યા અન્નકોટ પાય હરિને પ્રિસાય. ૮

વળ્યા વર્ષ ભલસરા, ભલાવાળાં રિયાં વેણ,
નોંધાણા કાગળેં જુગોજુગરાં નિશાણ;
ઘણા કવિ ઉગારિયા, ઉતારિયા કાળ ઘાટી,
ખાટ્યા જશ પરજ્જાંમાં પીઠવા ખુમાણ. ૯

૮. રાજાઓએ દશેરાની સવારીઓ કાઢી. હાથીની અંબાડીઓ શણગારી, ગામોગામ શોક ગળી ગયા, ઘામધૂમ ને શણગાર મચ્યા. પ્રભુને ચરણે અન્નકોટ પૂરાઈને પિરસાય છે.

૯. સારાં વરસ ફરીને આવ્યાં. ભલાં કામો કરનારનાં સ્તુતિ–વચનો અમર રહ્યાં. એવા જનોની નિશાનીઓ જુગાજુગ સુધી કાગળ પર રહી ગઈ. ઘણા કવિઓને ઉગારીને, આ છપનીઓ દુષ્કાળ પાર કરાવીને પીઠો ખુમાણ ત્રણે પરજોમાં (કાઠીની ત્રણ શાખાઓમાં) યશ ખાટી ગયો,