← એક પ્રેમ કલાપીનો કેકારવ
દિલને રજા
કલાપી
કેલિસ્મરણ  →
છંદ = વસંતતિલકા



દિલને રજા

ફાટે કે ન ફાટે તું, ચીરા કે ન ચીરા તું,
અરે દિલ! તેં કર્યો બેહાલ: મારે કે ન મારે તું!

ભલે ધડકી રહે છાનું, ભલે બળી કોયલો થા તું,
ખરી જા તું મને તો શું? ઠરી જા તું મને તો શું?

રખે કાંટો તને લાગે, કમલ જાણી તને રાખ્યું,
પરન્તુ તું જ કાંટો છે, ઊડી જા તું: ગળી જા તું!

દુનિયા છે તને ખારી, હવે છે તું મને ખારૂં,
તું કોઈનું નથી તો હું ન ત્હારો છું ન મ્હારૂં તું!

જૂની પ્રીતિ ગઈ તૂટી! નથી તૂટી તણી બૂટી!
ખૂટી ગઈ વાટ દીવાની, પછી બળવું રહ્યું ક્યાંથી?

હવે બ્રહ્માંડમાં હું છું: હવે બ્રહ્માંડમાં તું છે:
પ્રીતિ તો આપણી એ છે! મિલાવો આપણો એ છે!
૨૨-૧૨-’૯૨