← અનુક્રમણિકા ગીતાધ્વનિ
અધ્યાય પહેલો: અર્જુનનો ખેદ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય બીજો →



અધ્યાય ૧
અર્જુનનો ખેદ


ધૃતરાષ્ટ્ર બોલ્યા--
ધર્મભૂમિ કુરુક્ષેત્રે યુદ્ધાર્થે એકઠા થઈ,
મારા ને પાંડુના પુત્રો વર્ત્યા શી રીત, સંજય? ॥૧॥

સંજય બોલ્યા--
દેખી પાંડવની સેના ઊભેલી વ્યૂહને રચી,
દ્રોણાચાર્ય કને પોં’ચી રાજા દુર્યોધને કહ્યું ॥૨॥

દુર્યોધન બોલ્યા--
જુઓ, આચાર્ય ! આ મોટી સેનાઓ પાંડવો તણી,
જે તમ બુદ્ધિમાન્ શિષ્ય દ્રૌપદે વ્યૂહમાં રચી. ॥૩॥

અહીં શૂરા ધનુર્ધારી ભીમ-અર્જુન શા રણે;
યુયુધાન, વિરાટેય, દ્રુપદેય મહારથી; ॥૪॥

કાશી ને શિબિના શૂરા નરેન્દ્રો, ધૃષ્ટકેતુયે,
ચેકિતાન તથા રાજા પુરુજિત કુંતિભોજનો[]॥૫॥


પરાક્રમી યુધામન્યુ, ઉત્તમૌજા પ્રતાપવાન્,
સૌભદ્ર, દ્રૌપદીપુત્રો, બધાયે જે મહારથી. ॥૬॥

આપણા પક્ષના મુખ્ય, તેય, આચાર્ય ઓળખો;
જાણવા યોગ્ય જે મારા સેનાના નાયકો કહું: ॥૭॥

આપ, ભીષ્મ તથા કર્ણ, સંગ્રામવિજયી કૃપ,
અશ્વત્થામા, વિકર્ણેય, સોમદત્ત તણો સુત. ॥૮॥

બીજાયે બહુ છે શૂરા, હું-કાજે જીવ જે ત્યજે;
સર્વે યુદ્ધકળાપૂર્ણ, અસ્ત્રશસ્ત્રો વડે સજ્યા. ॥૯॥

અગણ્ય આપણી સેના, જેના રક્ષક ભીષ્મ છે;
ગ્ણ્ય છે એમની સેના, જેના રક્ષક ભીમ છે. ॥૧૦॥
[]

જેને જે ભાગમાં રાખ્યા, તે તે સૌ મોરચે રહી,
ભીષ્મની સર્વ બાજુથી રક્ષા સૌ કરજો ભલી. ॥૧૧॥

સંજય બોલ્યા—
તેનો વધારવા હર્ષ, કરીને સિંહનાદ ત્યાં
પ્રતાપી વૃદ્ધ દાદાએ બજાવ્યો શંખ જોરથી. ॥૧૨॥

પછી તો શંખ, ભેરી ને નગારાં, રણશિંગડાં
વાગ્યાં સૌ સામટાં એનો પ્રચંડ ધ્વનિ ઊપજ્યો. ॥૧૩॥

તે પછી શ્વેત અશ્વોથી જોડાયેલા મહારથે
બેઠેલા માધવે-પાર્થે વગાડ્યા દિવ્ય શંખ બે. ॥૧૪॥


પાંચજન્ય હૃષીકેશે, દેવદત્ત ધનંજયે,
વાયો પૌંડ્ર મહાશંખ ભીમકર્મા વૃકોદરે; ॥૧૫॥

અનંતજયને રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે,
નકુલે—સહદેવેયે, સુઘોષ-મણિપુષ્પક; ॥૧૬॥

કાશીરાજા મહાધંવા ને શિખંડી મહારથી,
ધૃષ્ટદ્યુમ્ન, વિરાટેય, અપરાજિત સાત્યકિ; ॥૧૭॥

દ્રુપદ, દ્રૌપદીપુત્રો, અભિમન્યુ મહાભુજા,
સહુએ સર્વ બાજુથી શંખો ફૂંક્યા જુદા જુદા. ॥૧૮॥

તે ઘોષે કૌરવો કેરી છાતીના કટકા કર્યા,
અને આકાશ ને પૃથ્વી ભર્યાં ગર્જી ભયંકર. ॥૧૯॥

ત્યાં શસ્ત્ર ચાલવા ટાણે કૌરવોને કપિધ્વજે
વ્યવસ્થાથી ખડા ભાળી ઉઠાવ્યું સ્વધનુષ્યને, ॥૨૦॥

ને હૃશીકેશને આવું કહ્યું વેણ, મહીપતે !
અર્જુન બોલ્યા-
બન્ને આ સૈન્યની મધ્યે લો મારો રથ, અચ્યુત ! ॥૨૧॥

જ્યાં સુધી નીરખું કોણ ઊભા આ યુદ્ધ ઇચ્છતા,
ને કોણ મુજ સાથે આ રણસંગ્રામ ખેલશે. ॥૨૨॥

અહીં ટોળે વળેલા આ યોદ્ધાઓ જોઉં તો જરા,
પ્રિય જે ઇચ્છતા યુદ્ધે દુર્યોધન કુબુદ્ધિનું. ॥૨૩॥


સંજય બોલ્યા—
ગુડાકેશ તણા આવા વેણને માધવે સુણી
બે સૈન્ય વચમાં ઊભો કીધો તે ઉત્તમ રથ; ॥૨૪॥

ભીષ્મ ને દ્રોણની સામે, ને સૌ રાજા ભણી ફરી,
બોલ્યા માધવ, “જો, પાર્થ ! કૌરવોના સમૂહ આ.” ॥૨૫॥

ત્યાં દીઠા અર્જુન ઊભા બન્નેયે સૈન્યને વિષે--
ગુરુઓ, બાપ, ને દાદા, મામાઓ, ભાઈઓ, સખા, ॥૨૬॥

સસરા, દીકરા, પોતા, સુહ્રદો, સ્વજનો ઘણા:
આવા સર્વે સગાવ્હાલા ઊભેલા જોઈ, અર્જુન ॥૨૭॥

અત્યંત રાંક ભાવે શું, બોલ્યો ગળગળો થઈ:
અર્જુન બોલ્યા--
દેખો આ સ્વજનો સામે ઊભેલા યુદ્ધ ઇચ્છતા, ॥૨૮॥

ગાત્રો ઢીલાં પડે મારાં , મોઢામાં શોષ ઊપજે;
કંપારી દેહમાં ઊઠે(છૂટે?), રુવાડાં થાય છે ખડાં; ॥૨૯॥

ગાંડીવ હાથથી છૂટે, વ્યાપે દાહ ત્વચા વિશે;
રહેવાય નહીં ઊભા, જાણે મારું ભમે મન. ॥૩૦॥

ચિહ્ નોયે અવળાં સર્વે, મ’ને દેખાય, કેશવ;
જોઉં નહીં કંઈ શ્રેય હણીને સ્વજનો રણે. ॥૩૧॥


નથી હું ઇચ્છતો જીત, નહીં રાજ્ય, નહીં સુખો;
રાજ કે ભોગ કે જીવ્યું, અમારે કામનું કશું? ॥૩૨॥

ઇચ્છીએ જેમને કાજે રાજ્ય કે ભોગ કે સુખો,
તે આ ઊભા રણે આવી ત્યજીને પ્રાણ-વૈભવો. ॥૩૩॥

ગુરુઓ, બાપ ને બેટા, દાદા—પોતા વળી ઘણા,
મામાઓ, સસરા, સાળા, સંબંધી, સ્વજનો બધા. ॥૩૪॥

ન ઇચ્છું હણવા આ સૌ, ભલે જાતે હણાઉં હું;
ત્રિલોક-રાજ્ય કાજેયે, પૃથ્વી કારણ કેમ તો? ॥૩૫॥

હણીને કૌરવો સર્વે અમારું પ્રિય શું થશે?
એમને આતતાયીને હણ્યાનું પાપ કેવળ ![] ॥૩૬॥

માટે ન હણવા યોગ્ય કૌરવો, અમ બંધુઓ;
સ્વજનોને હણી કેમ પામીએ સુખને અમે? ॥૩૭॥

લોભથી વણસી બુદ્ધિ તેથી તે પેખતા નથી,
કુળક્ષયે થતો દોષ મિત્રદ્રોહેય પાપ જે. ॥૩૮॥

વળવા પાપથી આવા અમે કાં ન વિચારવું,--
કુળક્ષયે થતો દોષ દેખતા સ્પષ્ટ જો અમે? ॥૩૯॥

કુળક્ષયે થતા નાશ કુળધર્મો સનાતન;
ધર્મનાશે કુળે આખે વર્તે આણ અધર્મની. ॥૪૦॥

અધર્મ વ્યાપતાં લાજ લૂંટાય કુળનારની;
કુળસ્ત્રીઓ થયે ભ્રષ્ટ વર્ણસંકર નીપજે. ॥૪૧॥


નરકે જ પડે તેથી કુળ ન કુળઘાતકો;
પિતરોયે પડે હેઠા નમળ્યે પિંડતર્પણ. ॥૪૨॥

કુળઘાતકના આવા દોષે સંકરકારક
ઊખડે જાતિધર્મોને કુળધર્મો સનાતન. ॥૪૩॥

ઊખડે જે મનુષ્યોના કુળના ધર્મ, તેમનો
સદાયે નરકે વાસ—આવું છે સાંભળ્યું અમે ! ॥૪૪॥

અહો ! કેવું મહાપાપ માંડ્યું આદરવા અમે !
કે રાજ્યસુખના લોભે નીકળ્યા હણવા સગા ! ॥૪૫॥

ન કરતાં પ્રતીકાર મ’ને નિ:શસ્ત્રને હણે
રણમાં કૌરવો શસ્ત્રે, તેમાં ક્ષેમ મ’ને વધુ. ॥૪૬॥

સંજય બોલ્યા--
આમ બોલી રણે પાર્થ ગયો બેસી રથાસને,
ધનુષ્યબાણને છોડી, શોકૌદ્વેગથી ભર્યો. ॥૪૭॥

  1. (કુંતિભોજ એ કુળનું નામ છે, અને ભૂરિશ્રવા એ રાજાનું નામ છે.);
  2. [અગણ્ય અને ગણ્ય. મૂળના અપર્યાપ્ત અને પર્યાપ્ત શબ્દોને બદલે વાપર્યા છે, અને તેની માફક દ્વિઅર્થી છે. એટલે કે અગણ્ય –(1) ગણાય નહીં એટલી અપાર, અથવા (2) ન ગણવા જેવી, નજીવી. ગણ્ય—તેથી ઊલટું. બંનેનો પહેલો અર્થ વધારે ઠીક લાગે છે, પણ ઘણા બીજો અર્થ કરે છે.]
  3. (આતતાયી—શસ્ત્ર ઉગામનાર. આ કોણ? સાધારણ રીતે કૌરવો માટે સમજવામાં આવે છે, પણ મારો અભિપ્રાય તેને ‘અમને’ના વિશેષણ તરીકે લેવાનો છે. આ માટે કર્ણપર્વ 91-49, શલ્ય પર્વ 11-11 વગેરેમાં આધાર છે. ગમે તે અર્થ કરી શકાય એવી રચના રાખી છે. )