← અધ્યાય સત્તરમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૮મો : ગુણ પરિણામો અને ઉપસંહાર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા



અધ્યાય:૧૮મો
ગુણ પરિણામો અને ઉપસંહાર


અર્જુન બોલ્યા—
શું છે સંન્યાસનું તત્ત્વ? ત્યાગનું તત્ત્વ શું, વળી?
બેઉને જાણવા ઇચ્છું, જુદાં પાડી કહો મને. ૧

શ્રીભગવાન બોલ્યા—
છોડે સકામ કર્મોને જ્ઞાની સંન્યાસ તે લહે;
છોડે સર્વેય કર્મોના ફળને, ત્યાગ તે કહ્યો. ૨

‘દોષરૂપ બધાં કર્મો—ત્યજો તે’મુનિ કો કહે;
‘યજ્ઞ—દાન—તપો ક્યારે ન ત્યજો’ અન્ય તો કહે. ૩

ત્યાગ સંબંધમાં તેથી મારા નિશ્ચયને સુણ:
ત્રણ પ્રકારના ભેદો ત્યાગના વર્ણવાય છે. ૪

યજ્ઞ—દાન –તપો કેરાં કર્મો ન ત્યજવાં ઘટે;
અવશ્ય કરવાં, તે તો કરે પાવન સુજ્ઞને. ૫

કરવાં તેય કર્મોને આસક્તિ—ફળને ત્યજી;
આ ઉત્તમ અભિપ્રાય મારો નિશ્ચિત આ વિષે. ૬


નીમેલાં કર્મનો ક્યારે નહીં સંન્યાસ તો ઘટે;
મોહથી જો કરે ત્યાગ, તે ત્યાગ તામસી કહ્યો. []

કર્મે છે દુ:ખ માટે જ કાયક્લેશ ભયે ત્યજે,
તે કરે રાજસ ત્યાગ, ન પામે ફળ ત્યાગનું. []

રહીને નિયમે કર્મ કર્તવ્ય સમજી કરે,
અનાસક્ત ફળત્યાગી, જાણ તે ત્યાગ સાત્ત્વિક. ૯

ક્ષેમ કર્મે નહીં રાગ, અક્ષેમે દ્વેષ તો નહીં;
તે ત્યાગી સત્ત્વમાં યુક્ત, જ્ઞાનવાન, અસંશયી. ૧૦

શક્ય ના દેહધારીને સમૂળો ત્યાગ કર્મનો;
કર્મના ફળનો ત્યાગી, તે જ ત્યાગી ગણાય છે. ૧૧

સારું,માઠું તથા મિશ્ર, ત્રિવિધ કર્મનું ફળ;
અત્યાગી પામતા તેને, સંન્યાસીઓ કદી નહીં. ૧૨

સર્વે કર્મો તણી સિદ્ધિ થાય જે પાંચ કારણે;
કહ્યાં તે સાંખ્ય સિદ્ધાંતે, તેને તું મુજથી સુણ. ૧૩

અધિષ્ઠાન તથા કર્તા, ત્રીજું વિવિધ સાધનો,
ક્રિયા નાના પ્રકારોની, ને ભળે દૈવ પાંચમું, [] ૧૪

કાયા—વાચા—મન જે જે કર્મને આદરે નર,--
અન્યાયી અથવા ન્યાયી, -- તેના આ પાંચ હેતુઓ. ૧૫

આવું છ્તાંય આપે જ કર્તા છે એમ જે જુએ,
સંસ્કારહીન, દુર્બુદ્ધિ, સત્ય તે દેખતો નથી. ૧૬


“હું કરું છું”એમ ના જેને , જેને લેપાય બુદ્ધિ ના,
સૌ લોકને હણે તોયે, હણે—બંધાય તે નહીં. ૧૭

જ્ઞાન, જ્ઞેય તથા જ્ઞાતા, --કર્મના ત્રણ પ્રેરકો;
સાધનો કર્મ ને કર્તા, --કર્મનાં ત્રણ પોષકો. ૧૮

જ્ઞાન, કર્મ અને કર્તા—ગુણોથી ત્રણ જાતનાં
વર્ણવ્યાં સાંખ્ય સિદ્ધાંતે, સુણ તેને યથાર્થ તું. ૧૯

જેથી દેખે બધાં ભૂતો એક અવ્યય ભાવને--
સળંગ ભિન્ન રૂપોમાં –જાણ તે જ્ઞાન સાત્ત્વિક. ૨૦

જે જ્ઞાને સર્વ ભૂતોમાં નાના ભાવો જુદા જુદા
જાણતો ભેદને પાડી, -- જાણ તે જ્ઞાન રાજસ. ૨૧

આસક્તિ યુક્ત જે કાર્ય, પૂર્ણ—શું એકમાં જુએ;
જેમાં ન તત્ત્વ કે હેતુ,--અલ્પ તે જ્ઞાન તામસી. [] ૨૨

નીમેલું, વણ આસક્તિ, રાગદ્વેષ વિના કર્યું;
ફળની લાલસા છોડી, સાત્ત્વિક કર્મ તે કહ્યું. ૨૩

મનમાં કામના સેવી, વા અહંકારથી કર્યું,
ઘણી જંજાળથી જેને, રાજસ કર્મ તે કહ્યું. ૨૪

પરિણામ તથા હાનિ, હિંસા, સામર્થ્ય ના ગણી,
આદરે મોહથી જેને, તામસ કર્મ તે કહ્યું. ૨૫


નિ:સંગી, નિરહંકારી, ધૃતિ—ઉત્સાહથી ભર્યો,
યશાયશે નિર્વિકાર, કર્તા સાત્ત્વિક તે કહ્યો. ૨૬

રાગી, ને ફળનો વાંછુ, લોભી, અસ્વચ્છ, હિંસક,
હર્ષશોકે છવાયેલો, કર્તા રાજસ તે કહ્યો. ૨૭

અયોગી, ક્ષુદ્ર, ગર્વિષ્ઠ, અકર્મી, શઠ, આળસુ,
શોગિયો, દીર્ઘસૂત્રી જે કર્તા તામસ તે કહ્યો. ૨૮

બુદ્ધિ ને ધૃતિના ભેદો, ગુણોથી ત્રણ જાતના,
સંપૂર્ણ વર્ણવું તેને, સુણજે વિગતે જુદા. ૨૯

પ્રવૃત્તિ શું, નિવૃતિ શું, કાર્યાકાર્ય, ભયાભય,
બંધ શું મોક્ષ શું જાણે, ગણી તે બુદ્ધિ સાત્ત્વિક. ૩૦

ધર્માધર્મ તણો ભેદ, તેમ કાર્ય—અકાર્યનો,
અયથાર્થપણે જાણે, ગણી તે બુદ્ધિ રાજસી. ૩૧

અજ્ઞાને આવરેલી જે ધર્મ માને અધર્મને,
બધું જ અવળું પેખે, ગણી તે બુદ્ધિ તામસી. ૩૨

મન—ઇન્દ્રિય—પ્રાણોની ક્રિયાને જે ધરી રહે
ધૃતિ અનન્યયોગે જે, તેને સાત્ત્વિકી જાણવી. ૩૩

ધર્મે, અર્થે તથા કામે જે વડે ધારણા રહે,
આસક્તિ ને ફલેચ્છાથી, ધૃતિ તે તામસી ગણી. ૩૪


જે વડે ભય ને શોક, નિદ્રા, ખેદ તથા મદ,
જે ન છોડેય દુર્બુદ્ધિ, ધૃતિ તે તામસી ગણી. ૩૫

સુખનાયે ત્રણે ભેદો હવે વર્ણવું, સાંભળ:
અભ્યાસે રાચતો જેમાં દુ:ખનો નાશ તે કરે. ૩૬

ઝેર સમાન આરંભે, અંતે અમૃત—તુલ્ય જે,
પ્રસન્ન ચિત્તને લીધે મળે તે સુખ સાત્ત્વિક. ૩૭

અમૃત—તુલ્ય આરંભે, અંતે ઝેર સમાન જે,
વિષયેન્દ્રિય સંયોગે મળે તે સુખ રાજસ. ૩૮

આરંભે, અંતમાંયે જે નિદ્રા—પ્રમાદ—આળસે
આત્માને મોહમાં નાંખે, તામસી સુખ તે ગણ્યું. ૩૯

નથી કો સત્ત્વ ઓર્‍થ્વીમાં, સ્વર્ગે દેવો વિષેય કો,
જે હોય ગુણથી મુક્ત, જે આ પ્રકૃતિના ગુણ. ૪૦

બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રોના જે સ્વભાવથી
થયા ભિન્ન ગુણો, તેણે પાડ્યા છે કર્મ ભેદના. ૪૧

શાંતિ,તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ, આર્જવ,
જ્ઞાન, વિજ્ઞાન—અ કર્મ બ્રાહ્મણોનું સ્વભાવથી. ૪૨

શૌર્ય, તેજ, પ્રજારક્ષા, ભાગવું નહીં યુદ્ધથી,
દક્ષતા, દાન ને ધૈર્ય—ક્ષાત્રકર્મ સ્વભાવથી. ૪૩


ખેતી, વેપાર, ગોરક્ષા—વૈશ્યકર્મ સ્વભાવથી;
સેવાભાવ ભર્યું કર્મ, --શૂદ્રોનું એ સ્વભાવથી. [] ૪૪

માનવી પોતપોતાનાં કર્મે મગ્ન રહી તરે;
સ્વકર્મ આચરી જેમ મેળવે સિદ્ધિ, તે સુણ. ૪૫

જેથી પ્રવર્તતાં ભૂતો, જેણે વિસ્તાર્યું આ બધું;
તેને સ્વકર્મથી પૂજી સિદ્ધિને મેળવે નર. ૪૬

રૂડો સ્વધર્મ ઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વભાવે જે ઠરે કર્મ, તે કર્યે દોષ ના થતો. ૪૭

સહજ કર્મમાં દોષ હોય તોયે ન છોડવું;
સર્વ કર્મે રહે દોષ, ધુમાડો જેમ અગ્નિમાં. ૪૮

આસક્ત નહીં જે ક્યાંય, જિતાત્મા, નિ:સ્પૃહી સદા,
પરં નિષ્કર્મની સિદ્ધિ તેને સંન્યાસથી મળે. [] ૪૯

પામીને સિદ્ધિને યોગી, જે રીતે બ્રહ્મ મેળવે,
સુણ સંક્ષેપમાં તેને, --નિષ્ઠા જે જ્ઞાનની પરં. ૫૦

પવિત્ર બુદ્ધિને રાખે, નીમે ધૃતિથી મન,
શબ્દાદિ વિષ્યો ત્યાગે, રાગદ્વેષ બધા હણે; ૫૧

એકાંતે રહે જમે થોડું, ધ્યાનયોગ સદા કરે,
જીતે કાયા—મનો—વાણી, દૃઢ વૈરાગ્યને ધરે; ૫૨


બળ—દર્પ—અહંકાર—કામ—ક્રોધ ટળી ગયા
સંગ્રહ—મમતા છોડ્યાં, શાંત તે બ્રહ્મમાં મળે. ૫૩

બ્રહ્મનિષ્ઠ, પ્રસન્નાત્મા, શોચ કે કામના નહીં,
સમાન દૃષ્ટિનો પામે મારી પરમ ભક્તિને. [] ૫૪

ભક્તિએ તત્ત્વથી જાણે, જેવો છું ને હું જેમ છું;
તત્ત્વે આમ મ’ને જાણી, તે મળે મુજમાં પછી. ૫૫

મારો આશ્રિત તે કર્મો સર્વ નિત્ય કરે છતાં,
મારા અનુગ્રહે પામે અખંડ પદ શાશ્વત. ૫૬

મ’ને અર્પી બધાં કર્મો મનથી, મત્પરાયણ,
મારામાં ચિત્તને રાખ બુદ્ધિયોગ વડે સદા. ૫૭

મચ્ચિત્તે તરશે દુ:ખો સર્વે મારા અનુગ્રહે,
ન સુણીશ અહંકારે, નિશ્ચે પામીશ નાશ તો. [] ૫૮

જે અહંકારને સેવી માને છે કે ‘લડું નહીં’,
મિથ્યા પ્રયત્ન તે તારો, પ્રકૃતિ પ્રેરશે તને. ૫૯

બંધાયેલો સ્વકર્મોથી, નિર્માયાં જે સ્વભાવથી,
મોહથી ઇચ્છતો ના જે, અવશે તે કરીશ તું. ૬૦

વસીને સર્વ ભૂતોનાં હ્રદયે પરમેશ્વર,
માયાથી ફેરવે સૌને, જાણે યંત્ર પરે ધર્યા. ૬૧


તેને જ શરણે જા તું સર્વભાવથી, ભારત,
તેના અનુગ્રહે લૈશ શાંતિ ને શાશ્વત પદ. ૬૨

આવું આ સારમાં સાર જ્ઞાન મેં તુજને કહ્યું;
તેને પૂર્ણ વિચારીને કર જેમ ગમે તને. ૬૩

વળી, મારું પરં વેણ, સારમાં સાર, આ સુણ,
મ’ને અત્યંત વા’લો તું, તેથી તારું કહું હિત. ૬૪

મન, ભક્તિ, મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ,
મ’ને જ પામશે નિશ્ચે, મારું વચન લે, પ્રિય ! ૬૫

છોડીને સઘળા ધર્મો, મારું જ શરણું ધર;
હું તને સર્વ પાપોતી છોડાવીશ, નચિંત થા. ૬૬

તપ ના, ભક્તિ ના જેમાં, ના સેવા—શ્રવણે રુચિ;
નિંદતોયે મ’ને તેને કે’વું ના જ્ઞાન આ કદી. ૬૭

જે આ જ્ઞાન મહા ગૂઢ આપશે મુજ ભક્તને,
પરાભક્તિ કરી મારી મ’ને નિશ્ચય પામશે. ૬૮

તેથી અધિક ના કોઈ મારું પ્રિય કરે અહીં,
તેથી અધિક તો કોઈ મારો પ્રિય જગે નહીં. ૬૯

શીખી વિચારશે જે આ ધર્મસંવાદ આપણો,
મારી ઉપાસના તેણે જ્ઞાનયજ્ઞે કરી, ગણું. ૭૦


જે શ્રદ્ધાવાન નિષ્પાપ માનવી સુણશેય આ,
તેયે મુક્ત થઈ પામે લોકો જે પુણ્યવાનના. [] ૭૧

પાર્થ, તેં સાંભળ્યું શું આ બધું એકાગ્ર ચિત્તથી?
અજ્ઞાન—મોહનો નાશ શું હવે તુજ કૈં થયો? ૭૨

અર્જુન બોલ્યા--
ટળ્યો મોહ, થયું ભાન, તમ અનુગ્રહે, પ્રભો !
થયો છું સ્થિર નિ:શંક, માનીશ તમ શીખને. ૭૩

સંજય બોલ્યા--
કૃષ્ણાર્જુન મહાત્માનો આવો સંવાદ અદ્ ભુત,
રોમ ઊભાં કરે તેવો, સાંભળ્યો મેં, મહીપતે. ૭૪

કૃષ્ણ યોગેશ્વરે સાક્ષાત સ્વમુખે બોલતાં સ્વયં,
મેં આ યોગ પરંગૂઢ સુણ્યો વ્યાસ—અનુગ્રહે. ૭૫

આ કૃષ્ણાર્જુન સંવાદ, મહા અદ્ ભુત, પાવન,
સ્મરી સ્મરી મ’ને તેનો હર્ષ થાય ફરી ફરી. ૭૬

સ્મરી સ્મરીય તે રૂપ, હરિનું અતિ અદ્ ભુત,
મહા આશ્ચર્ય પામું ને હર્ષ થાય ફરી ફરી. ૭૭

જ્યાં યોગેશ્વર શ્રીકૃષ્ણ, જ્યાં ધનુર્ધર અર્જુન,
ત્યાં વસે જય, ઐશ્વર્ય, લક્ષ્મી ને સ્થિર નીતિયે. ૭૮


ૐ તત્ સત્

  1. [નીમેલાં—ઇન્દ્રિયોના નિયમપૂર્વક કરેલાં, ]
  2. [કર્મ કરવામાં શરીર વગેરેને કષ્ટ પડવાનું છે એ જ વિચારથી ત્યજે.]
  3. [અધિષ્ઠાન—આધાર, પાયો; જેના પર કામ કરવાનું છે. જેમ કે ખેતીમાં ખેતર, ચિત્રકામમાં કાગળ, કપડું, ભીંત વગેરે, એવા કાર્યમાં જેમનીસેવા કરવી છે તે મનુષ્યો.]
  4. [કાર્ય—પરિણામ; એક વસ્તુ કે સાધન તે જ જાણે બધું હોય તેમ.]
  5. [કર્મ શબ્દ એકવચનમાં વાપર્યો છે, તે જાણી જોઈને છે. કર્મ—ધર્મ, પણ કર્મ નાન્યતર જાતિનો શબ્દ છે, ધર્મ નર જાતિનો એટલો જ ફેર.]
  6. [કર્મો બજાવતાં છતાં તેનું બંધન વળગે નહીંતે સ્થિતિ.]
  7. [પ્રસન્નાત્મા—પ્રસન્ન ચિત્તવાળો.]
  8. [મચ્ચિત્તે—મારામાં ચિત્ત રાખ્યાથી.]
  9. [લોકો—સ્વર્ગ વગેરે જેવા.]