← અધ્યાય આઠમો ગીતાધ્વનિ
અધ્યાય ૯મો : જ્ઞાનનો સાર
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય દસમો →



અધ્યાય ૯ મો
જ્ઞાનનો સાર

શ્રી ભગવાન બોલ્યા—
તને નિષ્પાપને મારું સારમાં સાર આ
કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે. ૧

શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ;
અનુભવાય પ્રત્યક્ષ, સુકર, શર્મ્ય, અક્ષય. ૨

જેમનુષ્યો અશ્રદ્ધાથી માને આ ધર્મને નહીં;
 તે ફરે મૃત્યુસંસારે,મ’ને તે પામતા નહીં. ૩

અવ્યક્ત રૂપ હું—થી જ ફેલાયું સર્વ આ જગત;
હું—માં રહ્યાં બધાં ભૂતો, હું તે માંહી રહ્યો નથી. ૪

નથીયે કો હું—માં ભૂતો, જો મારો યોગ ઈશ્વરી;
ભૂતાધાર, ન ભૂતોમાં, ભૂત--સર્જક –રૂપ હું.[૧]

સર્વગામી મહા વાયુ નિત્ય આકાશમાં રહે;
તેમ સૌ ભૂત મા’રામાં રહ્યાં છે, એમ જાણજે. ૬

કલ્પના અંતમાં ભૂતો મારી પ્રકૃતિમાં ભળે;
આરંભ કલ્પનો થાતાં સર્જુ તે સર્વને ફરી. ૭


નિજ પ્રકૃતિ આધારે સર્જું છું હું ફરી ફરી;
સર્વ આ ભૂતનો સંઘ બળે પ્રકૃતિને વશ. ૮

પણ તે કોઈયે કર્મ મુજને બાંધતાં નથી;
કાં જે રહ્યો ઉદાસી[૨] શો કર્મે આસક્તિહીન હું. ૯

પ્રકૃતિ પ્રસવે સૃષ્ટિ મારી અધ્યક્ષતા[૩] વડે;
તેના કારણથી થાય જગનાં પરિવર્તનો. ૧૦

અવજાણે મ’ને મૂઢો માનવી દેહને વિશે;
ન જાણતા પરંભાવ મારો ભૂત મહેશ્વરી. ૧૧

વૃથા આશા, વૃથા કર્મો, વૃથા જ્ઞાન કુબુદ્ધિનાં;
રાક્ષસી—આસુરી જેઓ સેવે પ્રકૃતિ મોહિની. ૧૨

મહાત્માઓ મ’ને જાણી ભૂતોનો આદિ અવ્યય;
અનન્ય મનથી સેવે દૈવી પ્રકૃતિ આશર્યા. ૧૩

કીર્તિ મારી સદા ગાતા, યત્નવાન, વ્ર્તે દૃઢ,
ભક્તિથી મુજને વંદી ઉપાસે નિત્ય યોગથી.
[૪] ૧૪

જ્ઞાનયજ્ઞેય કો ભક્તો સર્વવ્યાપી મ’ને ભજે;
એકભાવે, પૃથગ્ભાવે, બહુ રીતે ઉપાસતા. ૧૫

હું છું ક્રતુ, હું છું યજ્ઞ, હું સ્વધા, હું વનસ્પતિ;
મંત્ર હું, ધૃતહું શુદ્ધ, અગ્નિ હું, હું જ આહુતિ; ૧૬

હું જ આ જગનો ધાતા, પિતા, માતા, પિતામહ;
જ્ઞેય, પવિત્ર ૐકાર, ઋગ્, યજુર્, સામવેદ હું. ૧૭


પ્રભુ, ભર્તા, સુહ્રદ, સાક્ષી, નિવાસ, શરણું, ગતિ;
ઉત્પત્તિ, પ્રલય, સ્થાન, નિધાન, બીજ, અવ્યય. ૧૮

તપું હું, જળને ખેંચું, મેઘને વરસાવું હું;
અમૃત હું, હું છું મૃત્યુ, સત ને અસતેય હું. ૧૯

પી સોમ નિષ્પાપ થઈ ત્રિવેદી
      યજ્ઞો વડે સ્વર્ગનિવાસ યાચે;
ને મેળવી પુણ્ય સુરેન્દ્રલોક,
      ત્યાં દેવના વૈભવ દિવ્ય માણે. ૨૦

તે ભોગવી સ્વર્ગ વિશાળ એવું,
     પુણ્યો ખૂટ્યે મર્ત્ય વિશે પ્રવેશે;
સકામ તે વૈદિક કર્મમાર્ગી,
     આ રીતે ફેરા ભવના ફરે છે. ૨૧

અનન્ય ચિત્તથી જેઓ કરે મારી ઉપાસના,
તે નિત્યયુક્ત ભક્તોનો યોગક્ષેમ ચલાવું હું. ૨૨

તેમ જે ભક્ત શ્રદ્ધાથી ઉપાસે અન્ય દેવને,
વિધિપૂર્વક ના તોયે, તેયે મ’ને જ પૂજતા. ૨૩

કાં જે હું સર્વ યજ્ઞોનો ભોક્તા ને પ્રભુ છું વળી;
પરંતુ તે પડે, કાં જે ન જાણે તત્ત્વથી મ’ને. ૨૪

દેવપૂજક દેવોને, પિતૃના પિતૃને મળે;
ભૂતપૂજક ભૂતોને, મારા ભક્ત મ’ને મળે. ૨૫


પત્રં પુષ્પં ફલં તોયં જે આપે ભક્તિથી મ’ને,
ભક્તિએ તે અપાયેલું આરોગું યત્નવાનનું. [૫] ૨૬

જે કરે, ભોગવે વા જે, જે હોમે, દાન જે કરે;
આચરે તપને વા જે, જે હોમે, દાન જે કરે;
આચરે તપને વા જે, કર અર્પણ તે મ’ને. ૨૭

કર્મનાં બંધનો આમ તોડીશ સુખ—દુ:ખદા;
સંન્યાસયોગથી યુક્ત મ’ને પામીશ મુક્ત થૈ. ૨૮

સમ હું સર્વ ભૂતોમાં, વા’લા—વેરી મ’ને નથી;
પણ જે ભક્તિથી સેવે, તેમાં હું, મુજમાંહી તે. ૨૯

મોટોયે કો દુરાચારી એકચિત્તે ભજે મ’ને;
સાધુ જ તે થયો માનો, કાં જે નિશ્ચયમાં ઠર્યો. ૩૦

શીઘ્ર તે થાય ધર્માત્મા, પામે શાશ્વત શાંતિને;
પ્રતિજ્ઞા કરું છું મારા ભક્તનો નાશ ના કદી. ૩૧

સ્ત્રીઓ, વૈશ્યો તથા શૂદ્રો, જીવો પાપીય યોનિના,
જો મારો આશરો લે તો, તેયે પામે પરંગતિ. ૩૨

પવિત્ર બ્રાહ્મણ—ક્ષત્રી ભક્તની વાત શી પછી?
દુ:ખી અનિત્ય આ લોક પામેલો ભજ તું મ’ને. ૩૩

મન—ભક્તિ મ’ને અર્પ, મ’ને પૂજ, મ’ને નમ;
 મ’ને જ પામશે આવા યોગથી, મત્પરાયણ. ૩૪


  1. [ભૂતોનું સર્જન કરવું એ જેનું સ્વરૂપ(સ્વભાવ) છે.]
  2. [ઉદાસ- ઉત્—ઊંચે, આસ—બેઠેલો. ઊંચે બેઠેલો, સાક્ષી રૂપ, તે ઉદાસ કહેવાય. ઉદાસ એટલે દિલગીર એવો અર્થ નથી થતો.]
  3. [અધ્યક્ષનો અર્થ પણ ઉદાસ જેવો જ. ઉપરથી જોનારો તે અધ્યક્ષ.]
  4. [નિત્ય યોગથી--અખંડ યોગમાં રહી.]
  5. [ગુજરાતીમાં કહેવત જેમ હોવાથી તેમ જ રાખ્યું છે. તોયં એટલે પાણી.]