← અધ્યાય નવમો ગીતાધ્વનિ
અધ્યાય ૧૦મો : વિભૂતિવર્ણન
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય અગિયારમો →



અધ્યાય: ૧૦ મો
વિભૂતિવર્ણન


શ્રીભગવાન બોલ્યા--
ફરી સાંભળ આ મારું પરમ વેણ, અર્જુન,
જે કહું પ્રેમથી તારા હિતની કામના કરી. ૧

મારા ઉદ્ ભવને જાણે ન દેવો કે મહર્ષિઓ,
કેમ જે હું જ છું આદિ સૌ દેવો ને મહર્ષિનો. ૨

જે જાણે હું અજન્મા છું ને અનાદિ, મહેશ્વર;
મોહહીન થયેલો તે છૂટે છે સર્વ પાપથી. ૩

બુદ્ધિ, જ્ઞાન, ક્ષમા, સત્ય, અમોહ, શાંતિ, નિગ્રહ,
 જન્મ-મૃત્યુ, સુખો-દુ:ખો, ભય-નિર્ભયતા તથા ૪
અહિંસા,સમતા, તુષ્ટિ, તપ, દાન, યશાયશ,--
હુંથી જ ઊપજે ભાવો સૌ ભૂતોના જુદા જુદા. ૫

પૂર્વે મહર્ષિઓ સાત, ચાર જે મનુઓ થયા--
જેમની આ પ્રજા લોકે-જન્મ્યા સંકલ્પથી મુજ. ૬


જે જાણે તત્ત્વથી આવાં મારાં યોગ—વિભૂતિને,
અડગયોગે તે પામે, તેમાં સંશય ના કશો. ૭

હું જ છું મૂળ સર્વેનું, પ્રવર્તે મુજથી બધું;
એવું જાણી મ’ને જ્ઞાની ભજતા ભક્તિભાવથી. ૮

ચિત્ત-પ્રાણ હું-માં પ્રોતા, બોધ દેતા પરસ્પર;
કે’તા મારી કથા નિત્ય સુખ-સંતોષ પામતા. ૯

આવા અખંડયોગીને ભજતા પ્રીતથી મ’ને--
આપું તે બુદ્ધિનો યોગ, જેથી આવી મળે મ’ને. ૧૦

રહેલો આત્મભાવે હું તેજસ્વી જ્ઞાનદીપથી
કરુણાભાવથી તેનો અજ્ઞાન-તમને હણું. ૧૧

અર્જુન બોલ્યા—
પરંબ્રહ્મ, પરંધામ, છો પવિત્ર તમે પરં,
આત્મા, શાશ્વત ને દિવ્ય, અજન્મા, આદિ ને વિભુ: ૧૨

વર્ણવે ઋષિઓ સર્વે તથા દેવર્ષિ નારદ;
અસિત, દેવલ,વ્યાસ,--તમેયે મુજને કહો; ૧૩

તે સર્વ માનું છું સત્ય, જે તમે મુજને કહો;
તમારું રૂપ જાણે ના દેવો કે દાનવો, પ્રભુ ! ૧૪

તમે જ આપને આપે જાણતા, પુરુષોત્તમ !
ભૂતેશ, ભૂતકર્તા હે, દેવદેવ, જગત્પતે ! ૧૫


સંભળાવો મ’ન સર્વે દિવ્ય આત્મવિભૂતિઓ;
જે વિભૂતિ વડે વ્યાપ્યા આ બધા લોકને તમે. ૧૬

યોગેશ, તમને કેવા જાણું ચિંતનમાં સદા ?
શા શા ભાવો વિશે મારે તમને ચિંતવવા ઘટે? ૧૭

યોગ-વિભૂતિ વિસ્તારે ફરીથી નિજનાં કહો;
સુણી નથી ધરાતો હું તમારાં વચનામૃત. ૧૮

શ્રી ભગવાન બોલ્યા--
ભલે, લે વર્ણવું મુખ્ય મારી દિવ્ય વિભૂતિઓ;
મારા વિસ્તારને કે’તાં અંત કૈં આવશે નહીં. ૧૯

હું જ આત્મા રહ્યો સર્વે ભૂતોનાં હ્રદયો વિશે;
આદિ, મધ્ય તથા અંત, હું જ છું ભૂતમાત્રનાં. ૨૦

આદિત્યોનો હું છું વિષ્ણુ, સૂર્ય હું જ્યોતિઓ તણો;
મરીચિ મારુતોનો હું, નક્ષત્રોનો હું ચંદ્રમા. [૧] ૨૧

સામવેદ હું વેદોનો, દેવોનો ઇન્દ્રરાજ હું;
ચેતના સર્વ ભૂતોની, મન હું ઇન્દ્રિયો તણું. ૨૨

હું શંકર રુદ્રોનો, કુબેર યક્ષરાક્ષસે;
વસુઓનો હું છું અગ્નિ, મેરુ હું પર્વતો તણો. ૨૩

પુરોહિતો તણો મુખ્ય મ’ને, જાણ, બૃહસ્પતિ;
સેનાનીઓ તણો સ્કંદ, પુષકરોનો હું સાગર. ૨૪


ૐ એકાક્ષર વાણીનો, મહર્ષિઓ તણો ભૃગુ;
જપયજ્ઞ હું યજ્ઞોનો, સ્થાવરોનો હિમાલય. ૨૫

પીંપળ સર્વ વૃક્ષોનો, સ્થાવરોનો હિમાલય.
ચિત્રરથ હું ગંધર્વે, સિદ્ધે કપિલદેવ હું. ૨૬

ઉચ્ચૈ:શ્રવા હું અશ્વોનો, --અમૃતે ઊપજ્યો હતો;
ઐરાવત ગજોનો હું, નરોનો હું નરાધિપ. ૨૭

આયુધોનું હું છું વજ્ર, ગાયોની કામધેનુ હું;
જન્મહેતુ હું કંદર્પ, સર્પોનો છું વાસુકિ. ૨૮

અનંત સર્વ નાગોનો, વરુણ યાદસો તણો;
પિત્રીનો અર્યમા હું છું, યમ સંયમકારનો. [૨] ૨૯

પ્રહ્ લાદ સર્વ દૈત્યોનો, કાળ છું ઘડિયાળનો[૩];
વનેચરો તણો સિંહ, પંખીઓનો ખગેશ્વર. ૩૦

વાયુ હુંવેગવાનોનો, રામ હું શસ્ત્રવાનનો;
મગર સર્વ મચ્છોનો, ગંગાજી હું નદી તણી. ૩૧

આદિ, મધ્ય તથા અંત હું સર્વ સૃષ્ટિઓ તણું;
અધ્યાત્મવિદ્યા વિદ્યાની, વાદ પ્રવચનો તણો. ૩૨

અકાર અક્ષરોનો હું, સમાસોનો હું દ્વંદ્વ છું;
સ્ત્રષ્ટાવિશ્વમુખી છું ને હું જ છું કાળ અક્ષય. ૩૩


મૃત્યુ હું સર્વનો હર્તા, ભવિષ્યનો હું ઉદ્ ભવ;
સ્ત્રીની શ્રી, કીર્તિ ને વાણી, સ્મૃતિ, પ્રજ્ઞા, ધૃતિ, ક્ષમા. ૩૪

સામોનો હું બૃહત્સામ, ગાયત્રી સર્વ છંદની;
માર્ગશીર્ષ હું માસોનો; ઋતુઓનો વસંત હું. ૩૫

ઠગોની દ્યૂતવિદ્યા છું, તેજસ્વીઓનું તેજ હું;
સત્ત્વવાનો તણું સત્ત્વ, જય ને વ્યવસાય છું. ૩૬

હું વાસુદેવ વૃષ્ણીનો, પાંડવોનો ધનંજય;
મુનિઓનો હું છું વ્યાસ, શુક્ર હું કવિઓ તણો. ૩૭

દંડ હું દંડધારીનો, નીતિ હું જયવાંછુની;
હું છું મૌન જ ગુહ્યોનું, જ્ઞાનીઓનું છું જ્ઞાન હું. ૩૮

બીજ જે સર્વ ભૂતોનું જાણજે તેય હું જ છું;
હું—વિનાનું નથી લોકે કોઈ ભૂત ચરાચર. ૩૯

ન આવે ગણતાં છેડો મારી દિવ્ય વિભૂતિનો;
દિશા માત્ર કહ્યો મેં તો આ વિસ્તાર વિભૂતિનો. ૪૦

જે કોઈ સત્ત્વમાં કાંઈ લક્ષ્મી, વીર્ય, વિભૂતિ વા,
જાણ તે સઘળું મારા તેજના અંશથી થયું. ૪૧

અથવા, લાભ શો તારે જાણી વિસ્તારથી ઘણા;
એક જ અંશથી મારા આખું વિશ્વ ધરી રહ્યો. ૪૨


  1. [અહીં મૂળમાં બધે છઠ્ઠી વિભક્તિ વાપરેલી છે. પણ સાધારણ રીતે તેને સાતમીના અર્થમાં લેવાનો રિવાજ છે. આમ ભાષામાં થઈ શકે છે ખરું; પણ મને આ ઠેકાણે તેમ કરવા જેવું લાગતું નથી. “આદિત્યોનો હું વિષ્ણુ છું, અને જ્યોતિઓનો સૂર્ય વગેરે. –એટલે આદિત્યોની વિભૂતિ= પરાકાષ્ઠા=પ્રાપ્ત કરવા જેવો આદર્શતે વિષ્ણુ; જ્યોતિઓનો સૂર્ય વગેરે. “આદિત્યોમાં હું વિષ્ણુ છું.”એમ કરવામાં એવો અર્થ સંભવે છે કે, વિષ્ણુ સિવાય બીજા આદિત્યો, હું નહીં દરેક વર્ગનું સર્વશ્રેષ્ઠ રૂપ, જ્યાં સુધી
    તે વર્ગની દરેક વ્યક્તિ પહોંચવા ઇચ્છે, તે વિભૂતિ. એ દિશામાં ઈશ્વરની તે શક્તિની પરાકાષ્ઠા થયેલી ચિંતવી શકાય. એ રીતે જ “સ્થાવરોનો હિમાલય”, “મગર સર્વ મચ્છોનો” ઇત્યાદિ સમજવા સરળ પડે.]
  2. [વરુણ—એક મોટું જળચર પ્રાણી. યાદસો—જળ-જંતુઓ. સંયમકાર—બીજાનો નિગ્રહ કરવાવાળા. જેમ કે, પોલીસ, જેલર, ગાડીવાન, યમદૂત વગેરે. ]
  3. [ઘડીયાળ—કોઈ પણ કાળમાપક યંત્ર]