← પદ-૪૧ રસિકવલ્લભ
પદ-૪૨
દયારામ
પદ-૪૩ →


પદ ૪૧ મું

કહેશ 'અવરનું વદ્યું ન સાચુંજી, વેદ કહે છે તે ક્યમ કાચુંજી?
તો તું બંધાયો મુખ તારેજી, કશું પણ કહેવું ન પડ્યું મહારેજી.
એક બ્રહ્મ ને બીજો વેદજી, સિદ્ધ કર્યો પરમેશ્વર ભેદજી;
જ્યહાં ત્યહાં સત્તા ત્રણ બતાવેજી, તેહેમાં મહોટો દોષ એ આવેજી.

ઢાળ

ત્યહાં આવે મહોટો દોષ એ, મન વચન તન જે થાય;
પંડિત પુરુષ એમ કહે છે, વ્યવહાર તે કહેવાય.
એ ત્રિસત્તામાં આવિયું, નથી પરસ્પર કાંઈ ભેદ;
એ તરેહ ધોબો ઘેર છે, સમજતાં થાશે ખેદ.

સ્વપ્નમાં જે જે વસ્તુ કાંઇ, નિદ્રસ્થ દેખે જંન;
તે સમયે ભાસે તેહને, વ્યવહર સાચો મંન.
તે સમે સાક્ષી બ્રહ્મ રહે છે, શ્રુતિ કહે સહુ કોઈ;
વૈખરીનો વ્યવહાર આવો, ઈહાં પણ લે જોઈ.
જાગ્રત સમય સહુ કરે છે, જે વિધિથકી વ્યવહાર;
તે રીત પાછો સ્વપ્નમાં, દેખે સકળ સંસાર.
એ વિધે સત્તા ત્રણમાં, ઉપજે છે વ્યવહાર;
એ દયાપ્રીતમ બ્રહ્મ લગી, સંભવ ન સમજ ગમાર !'