રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૩ જો

←  અંક ચોથો: પ્રવેશ ૨ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૩
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૪ →


પ્રવેશ ૩ જો
સ્થળ : પ્રભાપુંજ મહેલમાં રાણીના આવાસનું શયનગૃહ.

[લીલાવતી અને મંજરી શયનગૃહમાં શણગારતાં પ્રવેશ કરે છે. રાઈ અને શીતલસિંહ ઊંચે બારીમાં ઝુમ્મર પાછળ છાનાં બેઠેલા છે.]

શીતલસિંહ : (હળવેથી) ધોળો ગાળો પહેર્યો છે તે રાણી લીલાવતી અને છાયલ પહેર્યું છે તે એમની દાસી મંજરી.
રાઈ : (હળવે) વસ્ત્રની નિશાની વિના કાન્તિથી પણ કોણ કયું તે જણાઈ આવે છે.
મંજરી : (પલંગે તોરણ બાંધતા) આ મોટાં મોતીનું તોરણ પલંગે શું કામ બંધાવો છો ? પલંગની છત્રી ઝીણાં મોતીની જાળીની છે તે બસ છે. પલંગ કરતાં શયનગૃહને બારણે
એ તોરણ બાંધ્યું હોય તો વધારે ન શોભે?
લીલાવતી : બારણે તો હું એકલી જ રહીશ. ત્યાં ઊભી રહીને મહારાજને આવકાર દઈશ. બારણે મારી આંખોનું તોરણ બાંધ્યું હશે અને તેની નીચે મારું હૈયું હીરો થઈ લટકતું હશે ત્યાં મહારાજની દૃષ્ટિ બારણે બીજા કશા પર શી રીતે જવાની ?
મંજરી : મહરાજ તો આપને તરત ઓળખશે, પણ આપ મહારાજને ઓળખ્યા પહેલા જ આંખોનુ તોરણ બાંધશો અને હૈયાનો હીરો લટકાવશો?
લીલાવતી : શરીરની આકૃતિથી મહારાજ ઓળખાય એવા રહ્યા નહિ હોય, પણ મારા તરફની હ્રદય વૃત્તિથી મહારાજ ઢાંક્યા વિના રહેવાના છે? પહેલે જ દૃષ્ટિપાતે હું તેમને ઓળખી કાઢીશ.
મંજરી : મહારાજ અહીં ક્યારે પધારશે.
લીલાવતી : જોશી કાલે મહૂર્ત આપશે, પણ હું પ્રધાનજીને કહેડાવવાની છું કે મહારાજની સવારી ઊતરે તેવા તરત જ મહારાજ મારા આવાસમાં આવે અને પછી દરબારમાં જાય એવી ગોઠવણ કરજો.
મંજરી : આપ મહારાજને મળાવા બહુ અધીરાં થયેલાં છો, મહારાજ પોતે પહેલાં આપની પસે આવવાની ગોઠવણ કરવા કહેવડાવે છે કે નહિ એ જોવા ઉપર બાકી રાખોને? એમ મહારાજને પણ અધીરાઈ છે કે નહિ તેની પરીક્ષા થશે.
લીલાવતી : મારે એવી પરીક્ષાનું જોખમ નથી વહોરવું. કદાચ, મહારાજ ઘણાં કામના વ્યવસાયમાં એવી સૂચના કરવાનું ભૂલી જાય. મહારાજ મને મળવાને ઉત્કંઠિત નથી એવા આભાસથી મારા હ્રદય ઉપર જે આધાત થાય તે હું કેમ સહન કરી શકું. પણ, હું એ ભૂલી ને તુંયે
ભૂલી. મહારાજની પરીક્ષા શાની હોય ? અને તેમને ઉત્કંઠા વિશે શંકા શાની હોય? મારે ખાતર તો મહારાજ છ માસનું કેદખાનું ભોગવી આવે છે.
મંજરી : આપની ખાતર કે પોતાની ખાતર ?
લીલાવતી : મંજરી ! આજ તને કંઈ વાયુની અસર છે?
મંજરી : હું તો હમેશના જેવી જ છું. આપની રજા હોય તો બોલું.
લીલાવતી : બોલ. હું તને બોલવાની ક્યારે ના કહું છું?
મંજરી : મહરાજ જુવાન થયા તે આપની ખાતર શા માટે?
લીલાવતી : મને પ્રસન્ન કરવા અને મારાં સુખ પરિપૂર્ણ કરવા જુવાન થયા.
મંજરી : મહારાજ વૃદ્ધ હતા ત્યારે આપ પ્રસન્ન અને સુખી નહોતાં ? આપ મહારાજને ચાહો છો કે જુવાનીને ચાહો છો ?
લીલાવતી : આવા વિનય વગરના પ્રશ્ન પૂછવાનું તું ક્યાંથી શીખી આવી?
મંજરી : આપની રજા છે માટે બોલું છું. હું તો માનું છું કે

આપને કાંઈ ઓછાપણું નહોતું, પણ મહારાજને પોતાને ઘડપણમાં ઓછાપણું લાગતું હતું તેથી જુવાન થયા.

લીલાવતી : મંજરી ! તું પંડિત થઈ છે !
મંજરી : આ છ મહિના આપે મને આપની પાસે બેસાડી પ્રેમની ઘણી ચોપડીઓ વંચાવી છે, તેથી હું પ્રેમપંડિત થઈ હોઉં તો કોણ જાણે ! બીજી કોઈ પંડિતાઈ તો મને નથી આવડતી. પણ, હું ખોટું કહું છું ? આપે કંઈ મહારાજને જુવાન થઈ આવવાનું કહ્યું હતું?
લીલાવતી : મારી અને મહારાજની ખાનગી વાત તને કહેવાનો મારો વિચાર નથી. તારા વરને છ માસમાં એંસી વર્ષનો ઘરડો બનાવી દેવાનું પેલા વૈદ્યરાજને મહારાજ પાસે કહેવડાવીશું, એટલે તારા મનના બધા ખુલાસા થઈ જશે.

મંજરી : ઘરડાં થઈ જવાને તો વૈદ્યની ય જરૂર પડતી નથી અને રાજાની આજ્ઞાનીય જરૂર પડતી નથી.
લીલાવતી : ત્યારે દુર્ભાગ્યની જરૂર પડે છે ?
મંજરી : દુર્ભાગ્ય પણ હોય કે સુભાગ્ય પણ હોય.
લીલાવતી : પલંગે તોરણ બાંધ્યું. હેવે ભીંતે આ પૂતાળાં જડેલાં છે, તે દરેકના હાથમાં આ અકેકું દર્પણ મૂક. પૂતળાના બિલોરી કાચ સાથે દરપ્નની સોનેરી તક્તી બહુ દીપશે.
મંજરી : મહેલમાં દર્પણ મૂકવાની મહારાજની મના હતી.
લીલાવતી : હવે મહારાજ દર્પણની મના કરશે?
મંજરી : રજ વિના દર્પણ કેમ મૂક્યા એમ મહારાજ પૂછશે તો ?

દર્પણે દોષને માટે પ્રાયશ્ચિત્ત કરેલું છે;
જામીન છું, હવે દેશે પ્રતિબિમ્બ મનોમન. ૪૫

તે છતાં મહારાજને દર્પણની અણપતીજ રહી હશે તો તેમની સામે મુખ રાખી અને ભુજ સાથે ભુજ ગૂંથી હું મહારજને દર્પણ પાસે લઈ જઈશ.
રાઈ : (હળવેથી) શીતલસિંહ મારાથી દૂર ન જશો.
શીતલસિંહ : (હળવેથી) હું આપની પાસે જ છું. પણ એવું શું ?
રાઈ : (હળવેથી) એવું ઘણું છે.
મંજરી : દર્પણ પાસે લઈ જઈ મહારાજની શી ખાતરી કરશો.
લીલાવતી : તું કલાવીને પૂછી લે છે અને મારાથી બોલાઈ જાશે. બહુ પટામણી છે !
મંજરી : હું પૂછું છું કંઈ ને આપ કહો છો કંઈ. મેં એમ પૂછ્યું કે રજા વિના દર્પણ મૂકયાનું કારણ શું બતાવીશું, ત્યારે તમે મનમાં ધારી મૂકેલા કોડાની વાત બોલ્યા. એમાં મેં શું પટાવ્યું.
લીલાવતી : કોઈ પૂતળું દરપના વિનાનું રહ્યું નથી. હવે, ગોખલામાં
કોતરેલાં આ બધાં કમળની પાંખડીઓમાં લાલા રંગ ચીતરવા લાગ. આછી ને ઘેરી છાયામાં ભૂલ ન કરીશ.
મંજરી : કોઈ કમળ ભૂરાં ચીતરવાં નથી ?
લીલાવતી : મહારાજાને લાલ કમળ જ ઘણાં ગમે છે. એમની ઉપમા હંમેશ લાલ કમળની હોય છે. તે દિવસે મેં લાલ ચૂંદડી પહેરી હતી ત્યારે... પણ, પાછી તેં મને વાતમાં નાખી દીધી.
મંજરી : મેં તો કંઈ વાટમાઆમ નાંખ્યા નથી. અમથાં ઝબકી ઉઠી મારો વાંક કાઢો છો.
લીલાવતી : હું કાંઈ ઊંઘમાં છું કે ઝબકી ઊઠું ?
મંજરી : ઊંઘમાં તો નહિ, પણ ઘેનમાં છો ?
લીલાવતી : વળી ઘેનમાં શી રીતે ?
મંજરી : ઘેનમાં ના હો તો રાતે રંગ પૂરવાનું લઈ બેસો ?
લીલાવતી : જોશી કાલે મુહૂર્ત આપવાના છે, એ ખબર આવી કે તરત જ આવાસ શણગારવાનું શરૂ કર્યું છે. હવે વખત બહુ થોડો રહ્યો છે, અને વળી, દરેક કમળની બે બાજુએ બે દીવા આવશે. તેથી આ રંગ તો જેમ વહેલા પૂર્યા હોય તેમ સારું કે સુકાય અને દીપે. પણ, મંજરી ! તને એક વાત કહેવી તો હું ભૂલી જ જાઉં છું. પેલી જાલકા માલણ ઘણે મહિને આજ સવારે આવી હતી. એ પરદેશ ગઈ હતી ત્યાંથી નકશીવાળી સોનાના બે ખૂમચા લાવી છે તે નજરાણામાં આપી ગઈ છે. પેલા બાજઠ પર મૂક્યા છે તે લાવ.
[મંજરી લાવે છે.]
 
જો ! બંને પર બહુ સુંદર મીનાકારી કામ છે. તેમાં પહેલાંના રાજાનો રત્નદીપદેવના સમયના ચિત્ર છે. એક ખૂમચામાં એ રાજાનો દરબાર દેખાડ્યો છે અને બીજામાં એ રાજા જે યુદ્ધમાં ઉતરેલા તેનો વૃતાંત ચીતર્યો છે,
એમ જાલકા કહેતી હતી. કોઈ ઠેકાણે એ ખૂમચા વેચાતા હતા, ત્યાંથી મહેલમાં મૂકવા સારું એ લઈ આવી. જાલકા કહી ગઈ છે કે મહારાજ પધારશે ત્યારે એ ખૂમચામાં મૂકવા ફૂલ આપી જઈશ અને પલંગ પર પાથરવા ફૂલની ચાદર આપી જઈશ.
શીતલસિંહ : (હળવેથી) આપના સુખ માટે જાલકાએ કેટલી તજવીજ કરી છે !
રાઈ : (હળવેથી) વૈભવના અને યુદ્ધના દર્શનથી મને પ્રોત્સાહિત કરવાની અને ઠેઠ સુધી મારા ઉપર દેખરેખ રાખવાની જાલકાની એ તજવીજ છે. પણ રાણીને એકાએક શું થયું ?

[મંજરીને ખભે માથું નાખીને લીલાવતી નિસાસો નાંખે છે.]

મંજરી : આપની પ્રકૃતિ કંઈ બગડી આવી?
લીલાવતી : મંજરી ! આ ખૂમચા પરના જૂના વૃત્તાંત જોઈ મને એથી પણ જૂના વૃત્તાંતનું સ્મરણ થાય છે, અને ભયભરેલી શંકાઓ થાય છે. મહારાજનું કુટુંબ મૂળ દેશમાં હતું. ત્યાં મહારાજના પિતાનો પુત્ર નહોતો. તેથી પહેલી રાણીના મરણ પછી તેઓ બીજી યુવાન રાણી પરણેલા, અને બે-ત્રણ વર્ષમાં એ રાણીને પુત્ર ના થયો ત્યારે ત્રીજી રાણી પરણેલા. ત્રીજી રાણીને પેટે મહારાજ અવતર્યાં. પછી તેમના પિતાએ બીજી રાણીને કેવળ વિસારી મૂકેલાં ને અંતે ઝૂરી ઝૂરીને મારી ગયેલાં. એ બીજી રાણી જેવી મારી દશા થશે તો હું શું કરીશ ? મહારાજનું યૌવન જ મને શાપરૂપ નહિ થઈ પડે? આ બધો શણગાર મારો ઉપહાસ કરનારો નહિ નીવડે?
મંજરી : છેક છૂટી મૂકી દીધેલી કલ્પના આખરે ખોટા તરંગ સાથે અથડાઈ પડી ! બા સાહેબ, સ્વસ્થા થાઓ. મહારાજનો આપના ઉપર અપાર પ્રેમ છે.

લીલાવતી : મહારાજના પ્રેમ વિષે મને સંદેહ છે જ નહિ, પણ મારી ઉત્સુકતા શંકાઓ ઉત્પન્ન કરી મને વિહ્વળ કરે છે.

દિશા કે કાલનું પ્રેમે અન્તર હું સહી શકું;
અન્તર થાય શંકાનું તે તો હાય ! અસહ્ય છે! ૪૭

મંજરી : આપા અત્યારે બીજા ખંડમાં જઈ આરામ કરશો તો શયનગૃહ શણગારવાનું કામ સવારે સારું થશે ને વહેલું થશે. ચાલો.
[બંને જાય છે]
 
શીતલસિંહ : આપ કેમ વ્યગ્ર દેખાઓ છો !
રાઈ :

ક્યાં વર્તમાનતણી ભાવિશું થાય સંધિ
તે ઝંખવા ઊંચું ઉડે મુજા ચિત્ત વેગે;
સીમા અભેદ્ય નડતી સઘળી દિશામાં,
પાછું પડી ભમી ભમી ગુંચવાય ચિત્ત. ૪૮

આ મહેલની હવાથી આપણે ગોંધાઈ ગયા છીએ. ચાલો બહારની ખુલ્લ્લી હવાનો આશ્રય લઈએ.
[બંને બારીથી જાય છે]