રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૪ થો

←  અંક ચોથો: પ્રવેશ ૩ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૪
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૫ →


પ્રવેશ ૪ થો
સ્થળ : કનકપૂરનો રાજમાર્ગ.
[રાઈ અને શીતલસિંહ પ્રવેશ કરે છે.]
 
શીતલસિંહ : આપ બહુ વિચારમાં મગ્ન દેખાઓ છો. આપણે મહેલમાંથી નીકળ્યા પછી આપ એક અક્ષર પણ બોલ્યા નથી.
રાઈ : આ મુશ્કેલીનો શો ઈલાજ કરવો તેના વિચારમાં છું.
શીતલસિંહ : કઈ મુશ્કેલી ?
રાઈ : રાણી લીલાવતી બાબતની.
શીતલસિંહ : રાણી લીલાવતી બાબત મને કાંઈ મુશ્કેલી નથી લાગતી. એ પૂર્ણ પ્રેમ અને વિશ્વાસથી આપને મળવા તલસી રહ્યાં છે.
રાઈ : મને મળવા ?
શીતલસિંહ : પોતાના પતિને મળવા એટલે આપને મળવા.
રાઈ : શીતલસિંહ ! આ શી વિપરીત વાત કરો છો? હું એનો પતિ નથી.
શીતલસિંહ : આપ પર્વતરાય તરીકે પ્રગટ થશો.
રાઈ : ત્યારે જ મુશ્કેલી થશે. હું પર્વતરાય છું, પણ લીલાવતીનો પતિ નથી. એમ શી રીતે પ્રતિપાદન કરવું એ સૂઝતું નથી.
શીતલસિંહ : એ પ્રતિપાદન થાય જ કેમ? આપ પર્વતરાય થશો તો બધા સંબંધો અને બધા વ્યવહારોના પર્વતરાય થશો. પર્વતરાય તરીકે આપ રાજ્યના ધણી થશો તેમાં જ લીલાવતીના ધણી થશો અને અમૃતમય સુખના અધિકારી થશો.
રાઈ : शान्तं पापम्। એવા શબ્દ મારે કાને ન સંભળાવાશો.
શીતલસિંહ : રાણીનું સૌંદર્ય અનુપમ છે.
રાઈ : તેથી શું ?
શીતલસિંહ : એવી અનુપમ સુંદરીના ધણી થવાનો આપણે વાંધો શો છે ?
રાઈ : વાંધો એ છે કે હું તેનો ધણી નથી.
શીતલસિંહ : એ આપને પોતાના ધણી તરીકે કબૂલ કરશે, પછી શું !
રાઈ : એ તો માત્ર છેતરાઈને – હું ખરેખરો પર્વતરાયા છું એમ માનીને કબૂલ કરે. મારે શું અનીતિને માર્ગે જવું અને રાણીને અનીતિને માર્ગે દોરવી?

શીતલસિંહ : પર્વતરાય રૂપે પર્વતરાયની ગાદીએ બેસવામાં અનીતિ નથી, તો પર્વતરાયની રાણીના પતિ થવામાં અનીતિ શાની ?
રાઈ : (સ્વગત) એ ખરું કહે છે, પણ અવળી રીતે કહે છે. બન્ને કાર્ય સરખાં અનીતિમય છે. (પ્રકટ) શીતલસિંહ ! આ વાત તમારા સમજવામાં નથી આવતી કે લીલાવતી રાણી સાથે મારું નહીં પણ મરહૂમ પર્વતરાયનું લગ્ન થયું હતું; અને, લગ્નથી જ પતિ પત્નીનો સંબંધ થાય છે.
શીતલસિંહ : લગ્નની ક્રિયા વિના લીલાવતીના પતિ થવામાં આપને સંકોચ થતો હોય તો એવી ક્રિયા કરાવજો. જુવાની આવ્યા પછી લગ્નની ક્રિયાનો ઉલ્લાસ ખરેખરો અનુભવાશે એમ રાણીને સમજાવી એ ક્રિયા ફરી થઈ શકશે.
રાઈ : એવી કપટ ભરેલી ક્રિયાથી અનીતિ તે નીતિ થાય?
શીતલસિંહ : તે દિવસે નગરમાં એક દુઃખી વિધવા રોટી હતી અને અનાથ દશાનાં સંકટ કહેતી અહતી, ત્યારે આપે કહ્યું હતું કે એ ફરી લગ્ન કરે એવી છૂટ હોય તો એ ફરી સંસાર માંડી શકે અને સુખી થઈ શકે.
રાઈ : હા, મારો એવો મત એવો છે કે વિધવાઓ માટે પુનર્લગ્નનો માર્ગ ખુલ્લો હોવો જોઈએ કે જેની ઈચ્છા હોય તે ફરી વિવાહિત જીવનમાં પ્રવેશ કરી શકે અને ફરી સૌભાગ્ય મેળવી શકે. પુનર્લગ્ન એ લગ્નના જેવો જ સ્વાતંત્રયનો વિષય છે. અને, સ્ત્રીનું સ્વાતંત્ર્ય શા માટે લઈ લેવું જોઈએ ?
શીતલસિંહ : રૂઢિ વિરુદ્ધ એમ હદપાર જવાનું પાપ કહો છો તો લીલાવતી રાણીના પુનર્લગ્નમાં અનીતિ શી?
રાઈ : સમજી ને સ્વેચ્છાથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરું છું, કપટથી કરવાના પુનર્લગ્નનો હું પક્ષ કરતો નથી. હું
પર્વતરાય છું. એમ જાણી લીલાવતી મારી સાથે લગ્નની ક્રિયા કરે એ પુનર્લગ્ન કહેવાય નહિ.
શીતલસિંહ : પર્વતરાય હયાત છે અને આપ પર્વતરાય છો એ વાતો તો નિશ્ચળ છે અને ફેરવાય એવી નથી. હવે એ વાતનો આપ ઇનકાર કરો તો કેવો ઉત્પાત થાય? આપણો કેવો ઉપહાસ થાય અને વિનાશ થઈ જાય!
રાઈ : શીતલસિંહ !

વિનાશ રોકવો શાનો , એ જ ચિન્તા ઘટે ખરે;
બાકીનાં પરિણામો તો અનુષંગિક ગૌણ છે.

શીતલસિંહ : મારે જાલકાને બધો વૃત્તાંત કહેવાનો છે, તે શું કહું?
રાઈ : જે બન્યું છે તે કહેજો, અને કહેજો કે હું વિચારમાં છું.
શીતલસિંહ : કાલે રાત્રે આપણે ભોંયરામાં દાખલ થવાનું છે. તેડવા ક્યાં આવું ?
રાઈ : કિસલવાડીમાં. હું ત્યાં જ જઈશ.
શીતલસિંહ : અત્યારે અહીં એકલા પડી આપ વધારે વ્યગ્ર થશો માટે વાડીએ જઈને નિદ્રા લેશો.
રાઈ : જે મળશે તે લઈશ. મારી ફિકર ના કરશો.
[બન્ને જાય છે.]