રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૫ મો

←  અંક ચોથો: પ્રવેશ ૪ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૫
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક ચોથો: પ્રવેશ ૬ →


પ્રવેશ ૫ મો
સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો
[રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]
 
રાઈ : શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી., તેથી કદાચ એમ હશે. પરંતું
લીલાવતીનું સૌન્દર્ય અતીવ મનોહર છે એ તો નિઃસંદેહ છે. એવા સૌન્દર્યના ઉપભોગ માટે પર્વતરાયે યૌવન પ્રાપ્તિની ઇચ્છા કરી હોય તો તે ક્ષમા કરવા યોગ્ય છે. પણ, ગયેલું યૌવન કદી પાછું આવતું નથી એ નક્કી છતાં પર્વતરાયે લીલાવતી સાથે લગ્ન કરી તેનું સૌન્દર્ય નકામું કરી નાખી દીધું એ શું વ્યાજબી હતું?

સૌન્દર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે;
દૂરવાયા કરવા તેનો અધિકાર ન કોઈને. ૫૦

લીલાવતીનું લગ્ન કોઈ યુવાન વીર નરેન્દ્ર સાથે થયું હોટ તો તેમનું જીવન કેવું ધન્ય થાત અને દુનિયામનામ દંપતી-રત્નોનું ઔજ્જવલ્ય કેવું પુષ્ટ થાત ! હું પર્વતરાય તરીકે નહિ, પણ જગદીપ તરીકે ગાદીએ હોત તો લીલાવતી જેવી રાણી... (ખેંચાઈને) અરે ! આ શું ? પરસ્ત્રી વિષે લાલસા ભર્યા વિચારને હું મારા ચિત્તમાં પ્રાવેશ કરવા દઉં છું ને વધવા દઉં છું ! આહ ! શીતલસિંહ ! તેં સૌન્દર્યમોહનો કીડો મારા ચિત્તમાં મૂક્યો ! અરે ! પણ, મેં એ કીડાને ટકવા કેમ દીધો ? ટકવા દીધો તો આમ ઊપડી આવ્યો ! પણ ત્યારે, શું મારે સૌન્દર્ય એ વસ્તુનો જ તિરસ્કાર કરવો ?

જે સૃષ્ટિકેરા યશની પતાકા;
જે પ્રેરણાઓ તણી ખાણ મોંઘી
જેનાં ત્રિલોકે ગુણગાના થાય,
સૌન્દર્ય તે શું મુજ દ્વેષ યોગ્ય? ૫૧

લીલાવતીનું સૌન્દર્ય પરમ આદરને યોગ્ય છે, પણ આદર પછી કઈ વૃત્તિ ? અહો ! શું એ આદર આ
ગૂંચવણ ઉત્પન્ન કરે છે ? ના ! ના ! સૌન્દર્યને અને આ ગૂંચવણને શો સંબંધ છે ? મારે પર્વતરાય થવું પડે ત્યારે પર્વતરાયની રાણી લીલાવતીનું શું કરવું એ જ પ્રશ્ન છે. લીલાવતી સુન્દર હોય કે ન હોય પણ એ પ્રશ્ન તો એનો એ જ છે. શું હું એટલો દુર્બલ છું કે એ સૌન્દર્ય તરફના આદરને લીધે મારા નિર્ણય લઈ શકતો નથી ? એમ હોય કેમ ! સૌન્દર્ય તરફનો આદર એ તો ઉદાર વૃત્તિ છે. એ અધમ વૃત્તિ નથી, પણ વૃત્તિઓનું પૃથ્થકરણ અત્યારે શું કામ આવે એવું છે? (અટકીને) હું કેવો મૂર્ખ ! મને સૂઝયું જ નહિ કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ થવું પડશે ! જાલકા મને ‘શાહી અને કાગળનો પંડિત’ કહે છે તે ખોટું છે? જાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતાં રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો જ, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન ખુલ્લું હતું તેનો મને ખ્યાલ પણ ન આવ્યો એવી મારી પંડિતતા! લાવ, મારી ભૂલના ચિહ્નનો કાપો કાગળ ઉપર નાખતી કોતરી નાખું કે હૃદયનો કાપો ચિત્ર રૂપે મારી આંખ આગળ ધરી શકાય. (ગજવામાંનો કાગળ કાઢે છે. કાગળ ઉઘાડી) આ શું ? મારા લખાણ નીચે જાલકાના અક્ષર ક્યાંથી? એણે શું લખ્યું છે? (વાંચે છે)

“‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;”

શું હું માત્ર બાજીનું સોકઠું ? મારું નરત્વ નહિ, મારું વીરત્વ નહિ, ને જાલકા પોતાના પાસા નાખે તેં મને ફેરવે ! જાલકા પોતાને પણ સોકઠું કહે છે એ એની ચતુરાઈ છે, અને એને સોકઠું થવું હોય તો ભલે થાય, હું નહિ થાઉં. બીજી લીટી શી છે? (વાંચે છે.)

“છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડિ એકઠાં?”

આ બધી છેતરપિંડી તે જાલકાને મન રમત છે અને ખેલ છે ! બાજી રમી રહીને રામનારાંએ હસવાનું, તેમ આ સહુ કપટ અને અનીતિને અન્તે અમારે સાહુએ મળી હસવાનું ! એ સૂત્ર મારાથી કબૂલ નહિ થાય. જાલકાએ જાણેલું તે મેં ન જાણેલું એટલો એની વ્યવહારકુશળતાએ વારી પંડિતતાનો પરભાવા કર્યો. તો મારી પંડિતતાનો એ વિજય છે કે એણે ઇચ્છયું તે મેં નથી ઇચ્છયું, અને હું તે નહિ ઇચ્છું. (અટકીને) શું મારી ઇચ્છાને હવે અવકાશ નથી , અને હું બંધાઈ ગયો છું? શીતલસિંહે કહ્યું કે પર્વતરાય થવાથી મારી કબૂલતમાં પર્વતરાયના બધા સંબંધો અને બધા વ્યવહારોનો સ્વીકાર આવી જાય છે. શું પર્વતરાય થવાનું કબૂલ કરતી વખતે મેં લીલાવતીના સ્વામી થવાની ધારાણા કરેલી એમ જ મનાશે? મારા કપટમાં કામવાસનાનો અંશ નહોતો એ વાત શું કોઈ નહિ માને? તે વખતની મારા મનની સ્થિતિ તે કોણ જાણે ? હા ! આ જ સ્થાન હતું . આ નદી બધું જાણે છે !

ઓ ! રંગિણી ! તું સાક્ષિ છે તે સરવા મારા તર્કની,
સંકલ્પ ને સંદેહ મારા તેં સુણ્યા તે રાત્રિયે;
લાવું જગતને તારિ પાસે તો ખરું શું તું ન ક્હે?
કંઈ કંઈ યુગોનું મૌન તુજ, મુજ અર્થા તું તોડે ન શું ? ૫૨

અને, મારા મનની એ વિશુદ્ધતા મનુષ્યો કદાચ કબૂલ ન કરે, માટે શું એ વિશુદ્ધતા મારે મૂકી દેવી ? ત્યારે, પર્વતરાય થવું અને લીલાવતીના સ્વામી ન થવું એમાં શી રીતે કરવું ? (અટકીને) એ તો કેવળ અશક્ય છે. કાં તો બન્ને થવું કામ તો એકે ન થવું એ બે જ માર્ગ છે. કોઈ વચલો માર્ગ છે જ નહિ. વચલો માર્ગ ખોળવો
એ ભ્રાન્તિ છે. તો સામ સામા બે માર્ગમાંથી ગમે તે માર્ગે આંખો મીંચી ઘસડાઈ જવું? મને ઘસડી જઈ શકે એવો કોઈ વાયુવેગ છે? આ કાગળમાં શું લખ્યું હતું ? (વાંચે છે.)

‘બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.’

એખરી વાત છે. માણસ જાતે જ માર્ગ પસંદ કરે છે. ઘસડાવાનું કહેવું એ માત્ર જવાબદારીમાંથી બચવાનું બહાનું છે. મારા પુસ્તકજ્ઞાનથી લખેલો સિદ્ધાન્ત કેવો અણીને વેળે સહાયકારક થયો ! સિદ્ધાન્ત થયો. (કાગળ ગજવામાં મૂકે છે) હવે નિર્ણયા કરું કે બેમાંથી કયો માર્ગ લેવો ? લીલાવતીનું સ્વામીપણું મૂકી દેતાં પર્વતરાયપણું જશે, કનકપુરની ગાદી જશે, ગુજરાતનું મોટું રાજ્ય જશે, ગુર્જરો પરનું આધિપત્ય જશે, દ્રવય –સૂખા-વૈભવના ભંડાર જશે, પુરુષાર્થના પ્રસંગો જશે, સંકલ્પ કરી મૂકેલી ધારાણાઓ જશે, જાલકાના મનોરથ જશે, સ્નેહીઓના સંબંધ જશે. (આંખો મીંચીને ક્ષણભર સ્તબ્ધ ઊભો રહે છે. પછી આંખો ઉઘાડીને)

જાઓ ભલે જીવન-આશા સર્વે
ઉત્પાત થાઓ ! ઉપહાસ થાઓ !
થાઓ તિરસ્કાર ! વિનાશ થાઓ !
ના એક થાજો પ્રભુપ્રીતિનાશ

(ઘૂંટણીએ પડીને) પતિતોદ્ધારક પ્રભુ !

સન્મતિ પ્રેરિ છે જેવી, આપજો બલ તેહવું
કે હું સર્વસ્વ છોડીને તમને વળગી રહું. ૫૪

(ઊભો થઈ) હવે મને ભીતિ નથી , શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.
[જાય છે.]