રાઈનો પર્વત/અંક ચોથો/ પ્રવેશ ૬ ઠ્ઠો

←  અંક ચોથો: પ્રવેશ ૫ રાઈનો પર્વત
અંક ચોથો: પ્રવેશ ૬
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક પાંચમો: પ્રવેશ ૧ →


પ્રવેશ ૬ ઠ્ઠો
સ્થળ : કિસલવાડી.
[રાઈ અને શીતલસિંહ ફરતા પ્રવેશ કરે છે.]
 
શીતલસિંહ : મહારાજ ! આપણે સ્વસ્થ અને પ્રસન્ન જોઈ મને બહુ હર્ષ થયો. મને ભય હતો કે આપ વ્યગ્ર અને વ્યાકુલ હશો.
રાઈ : વ્યગ્રતા અને વ્યાકુલતા સહુ દૂર થઈ ગયાં છે. મારું ચિત્ત ભયથી મુક્ત થઈ શાન્તિ અને આનન્દ પામ્યું છે.
શીતલસિંહ : આપે વિચાર કર્યો ?
રાઈ : વિચાર કર્યો, એટલું જ નહિ પણ નિર્ણય કર્યો. ઉત્તમોટામાં અને પરમ સંતોષકારક નિર્ણય કર્યો છે. ચિન્તાનું કારણ નથી.
શીતલસિંહ : જાલકા બહુ ખુશી થશે.
રાઈ : જાલકા શું , પણ સહુ કોઈ બહુ ખુશી થશે.
શીતલસિંહ : (આસપાસ જોઈને) આપણે કઇ તરફ જઈએ છીએ. હું તો આપ જાઓ છો તેમ આવું છું.
રાઈ : તે રાત્રે તમે ને પર્વતરાય આ વાડીમાં દક્ષિણ તરફથી પેઠેલા ત્યાં આપણે આવી પહોંચ્યા. તે વેળા પર્વતરાયે પાડેલું છીદ્ર આ રહ્યું. તેમને તેમ રહેવા દીધું છે.
શીતલસિંહ : મહારાજા આવું જોખમ ભર્યું સાહાસ શા માટે કરવું. પર્વતરાએ મારું કહેવું નહિ માનેલું ને આ ઉજજડ જગ્યાએ આવી પ્રાણ ખોયા !
રાઈ : મને પણ કોઈનું તીર વાતે તો તે તીર મારનારને તમે રાજા બનાવજો.

શીતલસિંહ : ઘણી ખમા મહારાજ ! એ શું બોલ્યા ! હું તો આપનો વફાદાર ને આજ્ઞાધીન સેવકા છું. પણ અરે ! પણે નદીમાં શો ચમત્કાર દેખાય છે ? વહેતા પાણીમાં દીવા તણાયા જાય છે. એક જાય છે ને બીજો આવે છે ! ત્યાં માણસ તો કોઈ દેખાતું નથી !
રાઈ : દેખાવ અદ્ભુત છે. તમે નદીકિનારે જઈને જોઈ આવો તો એ દીવા મૂળ ક્યાંથી આવે છે.
શીતલસિંહ : રાત અંધારી છે, ચંદ્ર હજી ઊગ્યો નથી, ને એ દીવા તે કોણ જાણે શું હોય ?
રાઈ : તમે બીઓ છો?
શીતલસિંહ : મહારાજ ! બીવાનું કારણ છે.
રાઈ : જેની કેડે તરવાર હોય તેને બીવાનું કારણ હોય જ નહિ.
શીતલસિંહ : મારી તો હિંમત નથી ચાલતી. મારાથી તો નહિ જવાય.
રાઈ : હિંમતથી ના જવાતું હોય તો આજ્ઞાથી જાઓ. તમે હમણાં જ કહ્યું કે ‘હું આપનો આજ્ઞાધીન સેવક છું.’
શીતલસિંહ : આપ હુકમ કરીને મોકલો તો હું જાઉં છું, પણ હું બૂમ પાડું તો આપ આવી પહોંચજો. (છીંડામાંથી નીકળી દીવા તરફ જાય છે)
રાઈ :

પાડ્યું પર્વતરાય ગુર્જરનૃપે આ છિદ્ર જે વાડમાં,
ત્યાંથી તેમનું મૃત્યુ પેઠું, વળી તે સંતાપ પેઠા મુજ;
પેટી રાજ્યની ક્રાંતિ કોઈ કપરી, સંગ્રામ પેઠા કંઈ,
ભાવી શી ઈતિહાસસૃષ્ટિ બનશે એ એક ચેષ્ટા થકી ? ૫૫

ગમે તે પરિણામ થાઓ , પણ મારી ગ્રન્થિઓનો ભેદ થયો છે અને મારા સંશયોનો છેદ થયો છે, એટલે હું નિશ્ચિન્ત છું. []પરંતુ, એ નિશ્ચિન્તતાથી પર્યાપ્તિ નથી લાગતી

રાત્રીએ ઝટ અંધકારપટ આ સંકેલી કેવું લીધું !
આકાશે ભરી દિધી શી દશ દિશા આશા રુપેરી રસે !
વરતાવી દિધું કેવું પ્રેંખણ બધે લ્હેરો થકી વાયુએ !
ઊગ્યો ચન્દ્ર અને પ્રવૃત્તિ પ્રસરી, નિશ્ચેષ્ટ સૂતું ન કો ! ૫૬

મારા પ્રબોધની શાંતિને પણ કંઈ એવું ઉત્સર્પણ દોલાયમાન કરે છે. શું ત્યારે નિશ્ચેષ્ટામાં કૃતકૃત્યતા નથી? પણે શીતલસિંહ ઘવાયેલા શિકારને પગલે આવે છે !
[શીતલસિંહ પ્રવેશ કરે છે.]
 
કેમ શીતલસિંહ ! જીતી આવ્યા કે જીતાડી આવ્યા?
શીતલસિંહ : અરે મહારાજ, એ તો કંઈ વસમું છે !
રાઈ : જરા ધીરા પડીને કહો.
શીતલસિંહ : દીવા ઉપલાણેથી આવે છે, તેથી હું નદીકિનારે ચાલતો ચાલતો ઉત્તર તરફ ગયો. દીવા તો આવ્યા જ જાય. જતાં જતાં આ વાડીનો ઉતરાતો દરવાજો પડે છે, એટલે સુધી હું લગભગ પહોંચ્યો. ત્યાં નદીના ઓવારા પર શિવનું દહેરું આવ્યું. દીવા તેમાંથી નીકળતા હતા, તેથી અંદર જઈને જોઉં છું તો જળાધરી કને કોઈ માણસનું માથા વગરનું ધડ પડેલું. શિવલિંગ ઉપર ઊંચે ચોટલાવતી બાંધેલું માથું લટકે, ને તેમાંથી લોહીના ટીપાં શિવલિંગા ઉપર પડે. ત્યાંથી લોહી વહી નીચે પડખામાં મોટા કુંડમાં નળ વાટે ટપકે. કુંડમાં સેંકડો પડિયા તરે અને દરેક પડિયામાં ઘીનો દીવો. જે પડિયા પર નળમાંથી લોહી ટપકે તે પડિયો ટપકાના જોરથી કુંડમાંથી બહાર વહી આવી નદીમાં જાય. એ રીતે એ દીવાની હાર
આવે છે. ત્યાં કોઈ માણસ નથી. અને એ રીતે કોણ જાણે ક્યારનું યે થતું હશે ! વાડીમાં હું ઉગમણે ઝાંપેથી આવ્યો છું, તેથી તે વકહતે આ દીવા હશે કે નહિ તે મને ખબર નથી.
રાઈ : બીજી કાંઈ તપાસ કરી ?
શીતલસિંહ : બીજે શી તપાસ કરું ? માણસ તો ઓળખાયો નહિ. અને એ દેખાવા જોતાં વાર મારા ગાત્ર શિથિલ થઈ ગયાં. પગ લથડી ગયેલા, તોપણ જેમ ઉતાવળું ચલાય તેમ ચાલી હું એક શ્વાસે અહીં પાછો આવ્યો. રેતીમાં ચાલતો જાઉં ને દહેરા તરફ જોતો જાઉં કે એમાંથી કોઈ નીકળતું તો નથી.
રાઈ : પણ તમને પાછા આવતા કાંઈક વધારે વાર થઈ. દહેરું અહીંથી આઘું નથી. તેથી લાગે છે કે કંઈ વિચાર કરવા ઊભા રહ્યા હશો.
શીતલસિંહ : વિચાર ? વિચાર તે શા હોય ?
રાઈ : એ દેખાવા જોઈ કાંઈ વિચાર તો તમારા મનમાં ઉત્પન્ન થયા છે જ. શા વિચાર આવ્યા ? સાચું કહો.
શીતલસિંહ  : મહારાજ એવા વિચાર તો ઘણા આવે. વિચાર કાંઈ આપણને પૂછીને આવે છે? ને ગભરાટની દશા !
રાઈ : ગભરાટના ગમે તેવા વિચાર હોય તો પણ મારે તે જાણવા છે. કહો.
શીતલસિંહ : ખરાખોટા ને ગાંડાઘેલા વિચાર શું કામ કહેવડાવો છો ? અને કંઈ બધું સાંભરે છે?
રાઈ : તમને બધું સાંભરે છે ને કહેવું જ પડશે. મારી આજ્ઞા છે.
શીતલસિંહ : આપની આજ્ઞાને આધીન છું. મારી જ્ઞાનેન્દ્રિયો પહેલાં મારી કર્મેન્દ્રિયો આપની આજ્ઞાને વશ થાય છે, એવો આપનો પ્રતાપ છે; પણ મારા વિચાર જાણ્યાથી આપને
રોષ થાય તો ?
રાઈ : ગમે તેવા વિચાર તમને થયા હશે, પણ તમને ક્ષમા કરીશ. મારું અભય વચન છે.
શીતલસિંહ : દહેરામાંનો દેખાવ જોઇ મને એવો વિચાર થયો કે ઓ ! પ્રભુ ! પેલો માળી રાજા થયો તેના કરતાં આ બાપડાએ મસ્તકપૂજા કરી તે રાજા કેમ ન થયો ? એ વિચારથી મારું હૈયું ભરાયું ને હું થોડી વાર ત્યાં ઠરી ગયો. વિચાર બહુ મૂર્ખાઈભરેલો હતો, માટે હું ક્ષમા માગું છું.
રાઈ : ક્ષમા તો મેં પ્રથમથી આપેલી જ છે, અને શીતલસિંહ ! તમારો વિચાર મૂર્ખાઈભરેલો નહોતો. માત્ર માળીનો ધંધો કરનારમાં રાજા થવાની લાયકાત આવેલી ન હોય એ પણ ખરું છે, અને હું માળી જ હોત તો હું રાજા થવાનું કબૂલ કરત પણ નહિ. પણ હું માળી નથી. હું સ્વર્ગવાસી રાજા રત્નદીપનો પુત્ર જગદીપદેવ છું, અને જાલકા તે મારી માતા અમૃતદેવી છે.
શીતલસિંહ : હેં ! હેં ! કેવું આશ્ચર્ય ! આપ એ ખરું કહો છો?
રાઈ : જુવો, આ મારી કમ્મરે મારા પિતાની ગોળ તરવાર વીંટાળેલી છે, અને તેની મૂઠ પર તેમની રત્નમુદ્રા છે.
[કમર પરનાં વસ્ત્ર ખસેડીને તરવાર બતાવે છે.]
 
શીતલસિંહ : આજ સુધી આપને માળી ગણ્યા તે મારો અપરાધ ક્ષમા કરો, મહારાજ !
[પગે પડે છે]
 
રાઈ : મેં પોતાને માળી ગણાવ્યો છે. તમારો અપરાધ નથી. ઊઠો.
[ઉઠાડે છે]
 
શીતલસિંહ : મહારાજ ! કૃપાવન્ત છો, માટે પૂછું છું. આ પ્રકારે રાજ્ય મેળવવાનું કેમ પસંદ કર્યું ?

રાઈ : મને રાજ્ય અપાવવા જાલકા માલણને વેશે અહીં આવી, અને તે મને રાજ્ય અપાવવાની યોજનાઓ કરતી હતી. એવામાં પર્વતરાયનો અકસ્માત વધ થયો, તેથી જાલકાએ આ પથ ગ્રહણ કર્યો.
શીતલસિંહ : આપ તો પ્રથમથી નાખુશ હતા તે હું જાણું છું. જાલકાએ અને મેં આગ્રહ કરી આપને આમ રાજા બનાવ્યા.
રાઈ : શીતલસિંહ ! એક માત્ર પ્રભુ સિવાય બીજું કોઈ સંપત્તિ આપવા સમર્થ નથી. તમે એમ માનતા હો કે મેં રાજ્ય અપાવ્યું, કે જાલકા એમ માણતી હોય કે મેં રાજ્ય અપાવ્યું કે હું એમ માણતો હોઉં કે મેં રાજ્ય મેળવ્યું, તો તે સર્વ ભ્રાન્તિ છે.

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ના કાંઈ;
રાઈનો પર્વત કરે, પર્વત બાગની માંહીં. ૫૭

કારણોના કારણોને પ્રવર્તાવનાર મૂળ કારણ અને કર્તા તે પરમાત્મા છે. આપણું કર્તવ્ય માત્ર તેનાં સાધનરૂપે પ્રવૃત્તિ કરવાનું છે. તેને જે સિદ્ધિ ઇષ્ટ છે તેનો માર્ગ આપણે ત્યાગ કરીએ ત્યાં આપણી જવાબદારી ઉત્પન્ન થાય છે, પણ સિદ્ધિ તો તેની જ છે. પ્રભુની ઈચ્છા વિના મને રાજ્ય મળવાનું નથી.

શીતલસિંહ : મહારાજ ! આપને રાજ્ય મળી ચૂક્યું છે. હવે પાછલી વાત ઉઘાડવાની જરૂર નથી.
રાઈ : એમ હું નથી માનતો. અને વળી, તમને છૂટ આપું છું કે તમારી ખુશી હોય તો અત્યારે જઈને પ્રકટ કરો કે આ પર્વતરાય નથી, પણ જગદીપદેવ છે.
શીતલસિંહ : મહારાજ ! મને એવો હલકો ધાર્યો ? વળી, હવે એ વાત કોઈ માને પણ નહિ, અને મને એથી લાભ પણ નહિ. પર્વતરાયના વધની હકીકત મનાય તો પણ તે ગુપ્ત
રાખ્યાના ગુનાહ માટે મને કોણ જાણે કેવો દંડ થાય ? હવે તો જે બન્યું છે તે કાયમ રાખવું એ જ માર્ગ છે.
રાઈ : તમને યોગ્ય લાગે તેમ તમે કરજો. તમારા વિચાર જાગ્રત કરવાને માટે મેં તમને દીવાનું મૂળ સ્થાન જોવા મોકલ્યા હતા. દેહરામાંની અને દીવાની બધી ગોઠવણ મેં કરેલી છે. તમે તપાસ કરી હોત તો જણાત કે એ ધડ અને માથું મીણના છે. અને એ ટપકે છે તે લોહી નથી પણ લાલ રંગનું પાણી છે.
શીતલસિંહ : મહારાજ ! એ બધો શ્રમ શા માટે લીધો?
રાઈ : તે દિવસે નગરમાં મસ્તકપૂજાનો ગરબો []સ્ત્રીઓ ગાતી હતી, તે સાંભળી તમે કહેલુંકે જે મસ્તક પૂજા કરી રાજ્ય માગે તેની વંછા મહાદેવ બીજે જન્મે પૂરી કરે. તેથી મને મળેલા રાજ્ય વિશે તમારા મનમાં વિચાર ઉત્પન્ન કરવા મેં આ ઘટના કરેલી.
શીતલસિંહ : મહારાજ ! બુદ્ધિવડે, પ્રભાવવડે અને ભાગ્ય વડે આપ રાજા થવા યોગ્ય છો. મને આપના નિષ્ઠાવાન ભકત તરીકે સ્વીકારશો. કાલે સાંજે આપ ભોંયરામાંથી નીકળી સવારી ચઢાવશો ત્યારથી આપ ગુર્જરેશ પર્વતરાય છો, અને હું આપનો સદાનો વફાદાર સામંત શીતલસિંહ છું. હવે આપણે જવું જોઈએ. આપને ભોંયરામાં દાખલ થવાનો વખત થયો છે, અને જાલકાને અધીરાઈ થતી હશે.
[બન્ને જાય છે]