રાઈનો પર્વત/અંક પાંચમો/ પ્રવેશ ૧ લો
← અંક ચોથો: પ્રવેશ ૬ | રાઈનો પર્વત અંક પાંચમો: પ્રવેશ ૧ રમણભાઈ મહિપતરામ નીલકંઠ |
અંક પાંચમો: પ્રવેશ ૨ → |
પ્રવેશ ૧ લો
[સાવિત્રી, કમલા, વંજુલ અને બીજાઓ રસ્તે પડતા રવેશમાં બેઠેલાં પ્રવેશ કરે છે. ઘણાં સ્ત્રી-પુરુષો રસ્તે બે બાજુએ ઊભાં છે. ]
કમલા : | સવારી અહીં આવી પહોંચતાં સુધી સૂર્ય રોકાય અને આથમે નહિ એવી સિદ્ધિ વંજુલમિશ્ર, તમારા બ્રહ્મતેજ વડે કરો કે જેથી સવારી અહીં આવે ત્યારે મહારાજનું મોં બરાબર જોઈ શકાય. |
સાવિત્રી: | રુદ્રનાથથી સવારી નીકળી ચૂકેલી છે એમ ખબર આવી છે, તેથી અંધારું થતાં પહેલાં સવારી આ ઠેકાણે આવશે ને વંજુલના બ્રહ્મતેજનોઇ ખપ નહિ પડે. |
વંજુલ : | નહિ તોયે ક્યાં કમલાદેવીને અમારા બ્રહ્મતેજ અપ્ર શ્રદ્ધા છે! કોઈ દહાડો એમને ત્યાં ભોજન કે દક્ષિણા અમે પામ્યા નથી. |
કમલા : | તમારું બ્રહ્મતેજ બતાવો. તે વિના શ્રદ્ધા શી રીતે થાય? |
વંજુલ : | અમારામાં તેજ હોયા વિના પ્રધાનજી અમને સંઘરતા હશે ? એ તો પ્રધાનજીને જરા એકાંતમાં વિચાર કરવાની ટેવ છે. બાકી, અમને સલાહ આપવાની તક આપતા હોય તો રાજકાર્યોમાં કાંઇ ન્યૂનતા ન રહે, પણ શ્રીમતી સિવાય બીજું કોઈ એમના મનની ગૂંચવણ જાણે નહિ, એટલે શું કરીએ? |
સાવિત્રી: | રાજકાર્યોની મંત્રણામાં સ્ત્રીઓની સામેલગીરી ન કરવી જોઈએ એવો તારો મત છે? |
વંજુલ : | મારા મતનું તો શું ગજું ? પણ મનુસ્મૃતિમાં કહ્યું છે કે |
રાજકાર્યોના મંત્ર સમયે બહેરાં, મૂંગાં, આંધળાં, લૂલાં, પાંગળાં, માંદાં, ઘરડાંખોખરાં અને સ્ત્રીઓ એ સહુને દૂર રાખવાં, કેમકે તેઓ છાની વાત ફોડી દે છે, અને સ્ત્રીઓમાં એ ખામી વિશેષ હોય છે.[૧] | |
સાવિત્રી : | એ તને ખરું લાગે છે? |
વંજુલ : | શસ્ત્રમાં કહ્યું એટલે અક્ષરેઅક્ષર ખરું. એમાં મને લાગવાનું ક્યાં રહ્યું ? |
સાવિત્રી : | હું એમ પૂછું છું કે સ્ત્રીઓ એવા અવિશ્વાસને પાત્ર હોય છે એમ તને પોતાનો તારો અનુભવ લક્ષમાં લઈ વિચાર કરતા ખરું લાગે છે? |
વંજુલ : | મનુ ભગવાને દ્રોહભાવ અને અમૃત એ સ્ત્રીઓના ગુણ ઠરાવ્યા છે, તે પછી મારે વિચાર કરવાની શી જરૂર છે? |
કમલા : | મનુ ભગવાને તો એમ પણ કહ્યું છે કે સ્વર્ગ દારાધીન છે અને પત્ની વડે પતિને અને પતિના પિત્રોને સ્વર્ગ મળે છે. |
વંજુલ : | એ તો અર્થવાદની અતિશયોક્તિ છે. હોમ કરતી વખતે છાણાં લાવી આપનાર જોઇએ ને ધુમાડામાં બીજું કોઈ ઊભું રહે નહિ, માટે, એ કામ બાયડીને માથે નાખ્યું; અને તે છાણાં લઈ ત્યાંને ત્યાં હાજર રહે માટે તેને હોમ વખતે પણ ધણી જોડે બેસવાનું ઠરાવ્યું. બાયડી વિના છાણાં આવે નહિ, છાણા વિના હોમ થાય નહિ અને હોમ વિના સ્વર્ગ મળે નહિ માટે, બાયડીને લીધે સ્વર્ગ મળે છે એમ કહ્યું છે. બાયડીઓ પોતાને ધર્મ પત્નીની મોટી પદવી મળે છે એમ સમજી હોમના ધુમાડામાંથી ખસી ન જાય , એ માટે આવાં વચન શાસ્ત્રમાં કહ્યાં છે. |
કમલા : | કેવું અગાધ પાંડિત્ય ! ધર્મપત્ની એટલે છાણાં આપનારી એ હવે સમજાયું. મનુસ્મૃતિમાં નારીઓની પૂજા કરવાનું અને તેમને રાજી રાખવાનું કહ્યું છે તેનો અર્થ પણ આવો |
જ કંઈ હશે ! [૩] | |
વંજુલ : | ઘરેણાં લૂગડાં અને ભોજન એ ત્રણ વડે જ સ્ત્રીઓની પૂજા કરવાનું મનુ ભગવાને કહ્યું છે. [૪]ઘરેણાં-લૂગડાં વસાવ્યાથી આપણા ઘરની મિલકત થાય; અને વળી, તે સ્ત્રીઓ
પાસેથી પાછાં લઈ લેવાં નહિ એવું ભગવાને ક્યાં કહ્યું છે? [૫]અને બાઈડી ખાય તે વિના ઘરનું કામકાજ શી રીતે કરે ? ઘોડા અને બળદ પાસે કામ લેવાનું હોય તે પ્રમાણે તેમને આપણે વધતી-ઓછી રાતબ નથી આપતા ? બાઈડીઓ જાણે કે અમારું મન રખાય છે ને ફાયદો થાય ધણીઓને એવો સ્મૃતિનો હેતુ છે. |
સાવિત્રી : | ભગવન્ત તને રાજમહેલમાં પુરિહિતની પદવી અપાવે તો તારા શાસ્ત્રજ્ઞાનનો લાભ મહારાજને મળે, અને તે દ્વારા આખા દેશનો ઉદ્ધાર થઈ જાય. |
વંજુલ : | ભગવન્તને મેં એક બે વખત એવી વિનંતિ કરેલી, પણ તેમણે કહ્યું કે રાજાના પુરોહિતને તો રાજા સાથે યુદ્ધમાં જવું પડે, તે તું જઈશ ? તેથી મેં વિચાર કરીને જવાબ દેવાનો બાકી રાખ્યો છે. |
કમલા : | ઘેર તરવાર ઝાલવાનો અભ્યાસ કરો તો હિંમત આવવા માંડે. |
વંજુલ : | તરવાર ઉઘાડી હોય તો મારાથી સામું જોવાતું નથી, ત્યાં તરવાર ઝાલવાની વાત ક્યાં કરો છો? |
કમલા : | આ સવારીમાં તો ઉઘાડી તરવારોવાળા ઘોડેસવારો ઘણા હશે. |
વંજુલ : | એવું ટીખળ આપણાને ના ગમે. લડાઈમાં જઈને હથિયારની રમત કરવી હોય તો કરે, પણ, એ સિપાઇડાં વસ્તીમાં હથિયાર તાણી લોકોને શા સારુ બિવરાવતાં હશે. |
સાવિત્રી : | જો સવરી આવી પહોંચી ! |
વંજુલ : | ક્યાં છે ? હું તો હજી કોઈ માણસો આવતાં દેખતો નથી. |
કમલા : | સવારીની આગળ આગળ ચાલતી સવારીની ખબર આવી પહોંચી છે. જુઓ -
(મનહર) નેત્રનાં પોપચાં ખીલ્યાં, મુખના હોઠ ઉઘડ્યા, કાન દો હવે તો વાજાં પણ સંભળાય છે. |
સાવિત્રી : | અને, જો પણે ડંકો નિશાન આવતાં દેખાય છે. |
વંજુલ : | હવે સવારી આવી એ વાત ખરી. બાકી પકવાન્નની સોરમથી પકવાન્ન આવ્યાની પ્રતીતિ આપની પેઠે મને થઈ શકે તેમ નથી. હું તો પકવાન્ન જોઉં તો જોયાનો સંતોષ થાય, ને ખાઉં તો ખાધાનો સંતોષ થાય. |
સાવિત્રી : | જો, હવે સવારી આપણા બારણા આગળ આવી. તારા પકવાન્નનાં ગંધ રૂપ અને રસ એ ત્રણે પ્રત્યક્ષ થયાં. હવે, સૂંઘજેય ખરો, જોજેય ખરો, અને , ખવાય તો ખાજેય ખરો.
[સવારી પ્રવેશ કરે છે અને ધીમે ધીમે પસાર થાય છે.] |
વંજુલ : | મારાથી પકવાન્ન ન ખવાય એ અશક્ય છે. વંજુલમિશ્રની ખાવાની શક્તિ ઘાયલ થાય એવું હથિયાર મહારાજના સમસ્ત સૈન્યમાં કોઈ પાસે નથી. પણ, અહોહોહો ! પેલું કાળાં ઝાડનાં જંગલ જેવું શું આવે છે. |
સાવિત્રી: | એ તો ઉઘાડી તરવારોવાળા ઘોડે સવારોનું લશકર આવે છે. |
વંજુલ : | મારે એ નથી જોવું. હું તો જાઉં છું ઘરમાં. અંદર બેઠો બેઠો મંત્રોચ્ચાર કરીશ, એટલે તમારા બધાંનું અમંગલ દૂર થશે. એ કાળું કાળું જાય અને ધોળું ધોળું આવે ત્યારે મને બોલાવજો. |
સાવિત્રી : | તું અહીં જ બેસી રહે અને આંખો મીંચી રાખ. અમે કહીએ ત્યારે ઉઘાડજે.
[વંજુલ આંખો મીંચીને બેસી રહે છે.] |
સાવિત્રી: | (કેટલીક સવારી ગયા પછી) વંજુલ ! આંખો ઉઘાડ. મહારાજનો હાથી આવે છે. |
વંજુલ : | (આંખો ઉઘાડીને અને માર્ગ તરફ નજર કરીને.) અહો ! એક ભવ્ય યશ:પાલ હાથી, અને એ જ રત્નોથી ચળકતા શિખરવાળી સોનાની અંબાડી ! ગઈ દશેરાની સવારીમાં જોયેલાં તે આજે સવા છ મહિને પાછાં જોયાં. એ તો એનાં એ રહ્યાં, પણ, મહરાજ નવા થઈ ગયા ! |
સાવિત્રી : | ધીમે બોલ, હાથી પાસે આવે છે.
[પર્વતરાયનો હાથી ઉપર બેઠેલા રાઈ સાથે પસાર થાય છે.] |
સાવિત્રી : | અહો ! કેવું આશ્ર્ચર્ય ! |
કમલા : | કેવું નવાઈ જેવું ! |
વંજુલ : | મહારાજે આ તરફ જોઈ નમસ્કાર કર્યા તેથી આપને આશ્ચર્ય લાગ્યું ? એ તો મને નમસ્કાર કર્યા, આપને નથી કર્યા. |
કમલા : | તારા સિવાય મહારાજ બીજા કોને નમસ્કાર કરે . અમને નમસ્કારથી આશ્ચર્ય નથી લાગ્યું. પણ મહારાજની મુખમુદ્રા જોઈ આશ્ચર્ય લાગ્યું. |
વંજુલ : | મુખમુદ્રામાં શું આશ્ચર્ય જેવું છે? |
સાવિત્રી : | મહરાજની મુખમુદ્રા બદલાઈને કોના જેવી થઈ છે? |
વંજુલ : | પર્વતરાય મહારાજની મુખમુદ્રા હતી તે ની તે જ છે. |
સાવિત્રી : | શા પરથી તને એવું લાગ્યું? |
વંજુલ : | એ જ મંદીલ, એ જ શિરપેચ, એ જ ઝભ્ભો, એ જ હાર, એ જ કમરબંધ, એ જ તોડો; બધું એનું એ જ છે. |
સાવિત્રી : | વસ્ત્રાલંકાર જેવી બારીકાઈથી જોયા એવી બારીકીથી મુખની રેખાઓ ન જોઈ? |
વંજુલ : | ચામડી જેવી ચામડી, એમાં બારીકીથી જોવાનું શું ? માણસ કાણું કૂબડું હોય તો નિશાની યાદ રહે. પણ તે વગર તો આપ ચિત્ર ચીતરવા બેસો છો ત્યારે ગોળ મોં ને લંબગોળ મોં, અણિયાળું નાક ને સીધું નાક, લાંબી આંખ ને છલકાતી આંખ, પહોળાં પોપચાં ને ઊઘડેલા પોપચાં , કાળી ભમર ને કમાનદાર ભમર, ચોરસ કપાળ ને ઊપસેલું કપાળ, પાતળા હોઠ ને બીડેલા હોઠ; એવી એવી માથાકૂટ કરો છો, તેવું શું માણસનું મોં જોતી વેળા કરવું? |
સાવિત્રી : | એવી માથાકૂટ કર્યાં વગર પણ તને એમ ન લાગ્યું કે તે દિવસે એક ઘોડેસવાર પડી જવાથી તેને આપણા ઘરમાં આણી તેની સારવાર કરેલી, તેને બરાબર મળતું મહારાજનું મોં થયું છે ? એનું નામ રાઈ હતું. |
વંજુલ : | એ માળીને મળતું મહારાજનું મોં થાય ? શી વાત કરો છો ? |
સાવિત્રી : | શું થવું જોઈએ એ જુદી વાત છે અને શું થયું છે એ જુદી વાત છે. ખરેખરી રીતે, તને કંઈ મળતાપણું લાગ્યું ? |
વંજુલ : | એ માળીને ફરી પાટાબાંધીને ખાટલા પર સુવાડો ત્યાં સુધી હું તો એને ઓળખું નહિ. |
કમલા : | મને તો મહારાજનો ચહેરો આબાદ અમારા એક મિત્રના જેવો થયેલો લાગ્યો. તેમનું નામ ખબર નથી, પણ તે કેટલાક સમયથી અમારે ત્યાં આવે છે. એમના મુખ પર જે વિનીતતા, ઉદારતા અને પ્રતાપ વસે છે, તેવો |
જ મહારાજના મુખ પર આવિર્ભાવ હતો. | |
સાવિત્રી : | આપણને બન્નેને જુદા જુદા ચહેરા સાથે મળતાપણું લાગે છે, ત્યારે આપણાં બન્નેની કલ્પના ખોટી હોવી જોઈએ. |
વંજુલ : | મને કોઈ સાથે મળતાપણું ના લાગ્યું તે હું કેવો ડાહ્યો ? |
સાવિત્રી : | તારા ડહાપણ વિશે શંકા છે જ નહિ. તારા ડહાપણને મહારાજના ચહેરા પરા કઈ વૃત્તિ વધારે જણાઈ – આનન્દ કે આશ્ચર્ય કે ચિન્તા ? |
વંજુલ : | પણ, લોકો બારીએથી કે રસ્તામાંથી ‘પર્વતરાયા મહારાજકી જે’ પોકારતા હતા ત્યારે તો તે તરફ મહારાજ પ્રસન્ન દ્રષ્ટિથી જોતા હતા. |
વંજુલ : | મારું ધ્યાન તો એવે વખતે ભગવન્ત મહારાજની પાછળ બેઠા બેઠા સોના રૂપાનાં ફૂલ નીચે ફેંકતા હતા તે કોના હાથમાં આવે છે તે જોવામાં જતું હતું. જુઓ, સવારી તો પૂરી થઈ ગઈ ને પડી રહેલાં ફૂલ સવારી ગયા પછી હાથમાં આવવાની મારા જેવા કોઈએ આશા રાખી હોય તો તે વ્યર્થ છે. રસ્તામાં તો કચરો જ રહ્યો છે. |
સાવિત્રી : | કચરાની સોના રૂપા જેવી કિંમત કરી શકનાર કોઈ હોય તો કચરો પડ્યો ન રહે. |
વંજુલ : | એવો હૈયાફૂટો કોણ હોય? |
સાવિત્રી : | દુનિયા કચરાની કદર કરતાં શીખશે ત્યારે જ એ પ્રશ્નનો ઉત્તર મળશે. ત્યારે જ દુનિયાને સમજાશે કે,
(શાલિની) કોનું આખું, કોનું હૈયું ફૂટેલું, [નોકરરવેશમાં પ્રવેશ કરે છે.] |
નોકર : | (નમન કરીને) શ્રીમતી ! ભગવન્તે કહેવડાવ્યું છે કે સવારી ઊતરતાં મહારાજ રાણીસાહેબને મળીને તરત પાછા આવી દરબારમાં પધારવાના છે. તેથી ભગવન્તને દરબાર પહેલાં ઘેર આવી જવાનો વખત નહિ મળે; અને, ભગવન્તે આજ્ઞા કરી છે કે દરબાર વખતે રાણીસાહેબ પોતાની ઇચ્છા મુજબ દરબારમાં બેસશે અથવા તો રણવાસમાં રહેશે, પણ તે વેળા રાણી સાહેબ જ્યાં હોય ત્યાં આપ તથા કમલાબેન તેમની પાસે જઈ બેસશો. |
સાવિત્રી : | મહારાજે બહુ કૃપા કરી કે એ કાર્ય અમને સોંપ્યું. |
વંજુલ : | ભગવન્તે મને કંઇ સંદેશો કહેવડાવ્યો છે કે? |
નોકર : | ના ભૂદેવ, મને કંઇ કહ્યું નથી. |
વંજુલ : | ના કહ્યું હોય તોપણ મારે દરબારમાં જવું પડશે. મારા વિના તો દરબાર અધૂરો રહે.
[સર્વે જાય છે] |