રામ અને કૃષ્ણ/કૃષ્ણ/ઉત્તરપર્વ

← યુદ્ધપર્વ રામ અને કૃષ્ણ
ઉત્તરપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
નોંધ →





ઉત્તરપર્વ

યુદ્ધ પછીનું કૃષ્ણનું બાકીનું જીવન ઘણુંખરૂં દ્વારિકામાં જ ગયું. યુદ્ધ પછી કૃષ્ણ કેટલાકને મતે ૩૬ અને કેટલાકને મતે ૧૮ વર્ષ જીવ્યા હતા. આ અવધિમાં એમણે અનેક મુમુક્ષુઓને જ્ઞાનનો ઉપદેશ કર્યો; ગો-બ્રાહ્મણની રક્ષા કરી; ગરીબોને દાન આપી તેમનાં દુઃખ ટાળ્યાં. એમાંથી સુદામાની વાત પ્રસિદ્ધ છે.

સુદામા
સુદામા અને કૃષ્ણ સાંદીપનિની શાળામાં સાથે ભણ્યા હતા અને બન્ને ગાઢ મિત્રો થયા હતા. પણ સુદામાનો ગૃહસંસાર ઘણો ગરીબીવાળો થયો. તેથી પત્નીના આગ્રહથી એ એક વાર કૃષ્ણ પાસેથી મદદ મેળવવાની આશાથી દ્વારિકા ગયા. મિત્રને ભેટ તરીકે આપવા ગરીબ બ્રાહ્મણીએ ક્યાંકથી માગી આણેલા બે મુઠી પૌંઆ સુદામાની પીછોડીએ બંધાવ્યા. કૃષ્ણ રુક્મિણીના મહેલમાં બેઠેલા હતા, ત્યાં સુદામા જઈ પહોંચ્યા. તેને જોતાં જ કૃષ્ણ આનંદથી પલંગ પરથી કુદી પડ્યા. બન્નેની આંખોમાંથી આંસુનાં નીર વહેવા લાગ્યાં. કૃષ્ણે ઉના પાણી વતી સુદામાનાં ચરણો ધોયાં અને તે ચરણોદકને પોતાની આંખે લગાડ્યું. મધુપર્કથી તેની પૂજા કરી અને પોતાના જ પલંગ ઉપર પાસે બેસાડ્યા. બાળપણાની અને વિદ્યાર્થી-અવસ્થાની વાતો કરવામાં બે મિત્રોએ આખી રાત ગાળી. કૃષ્ણે સુદામાની કૌટુમ્બિક સ્થિતિના સમાચાર પૂછ્યા અને ભાભીએ મોકલેલી ભેટ માટે અત્યંત પ્રેમથી માગણી કરી. સુદામાએ લજવાતાં લજવાતાં પૌંઆની નાની પોટલી કાઢી આપી. જાણે અમૃત મળ્યું હોય એમ કૃષ્ણે તેમાંથી મુઠી ભરી વખાણી વખાણી ખાધા. બીજી મુઠી રુક્મિણી વગેરેએ માગી લીધી. બીજે દિવસે કૃષ્ણની સ્ત્રીઓએ સ્નાનાદિક વગેરેથી અને મિષ્ટાન્નથી બ્રાહ્મણનું સારી રીતે આતિથ્ય કર્યું. સુદામા ઘેર જવા નીકળ્યા તે વખતે કૃષ્ણ દૂર સુધી વળાવવા ગયા. શરમના માર્યા સુદામાએ કૃષ્ણની આગળ કશી યાચના કરી નહિ. કદાચ મૈત્રીનો પવિત્ર સમાનતાનો સંબંધ દાતા અને યાચકના હીન સંબંધથી કલુષિત થવાની ધાસ્તીથી કૃષ્ણે પણ વિદાય કરતાં એને કશું આપ્યું નહિ. પણ સુદામાએ ઘેર જઈ જોયું તો પોતાને ઘેર સમૃદ્ધિ જોઈ. આ સર્વ સંપત્તિ કૃષ્ણ તરફથી આવી એમ જ્યારે એના જાણવામાં આવ્યું ત્યારે પ્રેમ અને કૃતજ્ઞતાથી એનુંં હૈયું ભરાઈ ગયું અને કૃષ્ણની મિત્રભક્તિનું વારેવારે આશ્ચર્ય થયા કર્યું.
યાદવોનો
રાજમદ
રાજમદ એ કૃષ્ણના કાળના ક્ષત્રિયોનું પ્રધાન દૂષણ હતું. એ મદનું મર્દન કરવું એ કૃષ્ણના જીવનનું ધ્યેય હતું એમ કહી શકાય. એ ઉદ્દેશથી એમણે રાજ્યલોભી અને ઉન્મત્ત કંસ, જરાસંઘ, શિશુપાળ ઈત્યાદિનો નાશ કર્યો. એ જ ઉદ્દેશથી કૌરવ કુળનું નિકંદન કરાવતાં આંચકો ખાધો નહિ. પણ હવે એ રાજમદ ત્યાંથી ઉતરી સ્વજ્ઞાતિમાં ભરાયો. એમના પ્રભાવથી યાદવો સમૃદ્ધિને શિખરે પહોંચ્યા હતા. એમને 'તું' કહેવાની કોઈની હિમ્મત ન હતી. એટલે એ પણ હવે છકી ગયા. માથે શત્રુ ન રહ્યા એટલે વિલાસી થયા. જુગટું અને દારૂનું છડેચોક સેવન કરવા લાગ્યા. દેવપિતૃની નિન્દા, પરસ્પર દ્વેષ દિવસે દિવસે વધવા લાગ્યા. સ્ત્રીઓની ઉપર નિર્લજ્જપણે અત્યાચાર કરવા લાગ્યા. આવી યાદવોની અવનતિ જોઇને કૃષ્ણને બહુ દુઃખ થયું. એ સ્થિતિ સુધારવા વૃદ્ધ વસુદેવ રાજાએ પુષ્કળ પ્રયત્નો કર્યો. દારૂ પીવાની મનાઇ કરી, પણ યાદવોએ છુપી રીતે તે વ્યસન ચાલુ જ રાખ્યું, અને એમનું ઉન્મતપણું કમતી થયું નહિ. આ સર્વ વિપરીત બુદ્ધિ વિનાશકાળની નિશાની છે એમ કૃષ્ણે જોઇ લીધું, એટલે પ્રવૃત્તિમાંથી તેમણે પોતાનું મન ઉદાસ કર્યું.
યાદવસંહાર
વિ.સં. પૂર્વે ૩૦૧૦ (અથવા ૩૦૨૮)મા વર્ષે કાર્તિક વદી ૩૦ને દિવસે સૂર્યગ્રહણ પડ્યું એ પર્વ નિમિત્ત કૃષ્ણે સર્વ યાદવોને પ્રભાસ તીર્થ જવાની સલાહ આપી. સ્ત્રી પુરુષ સહિત સર્વે યાદવો ત્યાં ગયા. ગ્રહણ છુટ્યા પછી ત્યાં એક મહોત્સવ થયો. સુરાનો પ્રતિબંધ અહીં લાગુ ન હોવાથી નાચ તાલ સાથે દારૂ પણ બેશુમાર ઉડ્યા. વાતવાતમાં ભારતીય યુદ્ધની સ્મૃતિઓ શરૂ થઇ. તેમાં વિરુદ્ધ પક્ષમાં ગયેલા યાદવો એકબીજાની જોડે વાદવિવાદે ચડ્યા. વાદમાંથી ગાળાગાળી અને ગાળોમાંથી લડાઇએ ઉતરી પડ્યા. થોડી વારમાં તો લોહીની નદીઓ વહેવા લાગી. માત્ર બળરામ અને કૃષ્ણ તટસ્થ રહ્યા; પણ તેમને યે મારવા યાદવો ઉઠ્યા ત્યારે તેમણે પણ શસ્ત્રો ઉઠાવ્યાં. શસ્ત્રો ન મળ્યાં, એટલે સમુદ્ર તીરે ઉગી નીકળેલી મોટી મોટી ડાંગ જેવી સોટીઓ લઈ તેથી સર્વે ભાંડ્યા, ભક્ત સ્ત્રીઓ, છોકરાં, દ્વારિકામાં રહેલાં વૃદ્ધ જનો અને રામ તથા કૃષ્ણ સિવાય સર્વે યાદવ ક્ષત્રિયોનો - એટલે આશરે પાંચ લાખ માણસોનો - આ દારૂની ધૂનમાં નાશ થયો. કૃષ્ણના સર્વે પુત્ર-પૌત્રો પણ આ યુદ્ધમાં પડ્યા. ભારતીય યુદ્ધની શરૂઆતમાં કુળના સંહારથી જે અનિષ્ટ પરિણામો નીપજવાની અર્જુનને ધાસ્તી હતી, તે સર્વે ખરી પડી. અસુરોના નાશથી ભૂભાર ઉતારવાની કૃષ્ણની મુરાદ એ વ્યક્તિઓના સંહાર પૂરતી ખરી પડી, પણ આસુરી સંપત્તિનો કાંઈ તેથી નાશ થયો નહિ. એ તો રબરની કોથળીમાં ભરેલી હવાની માફક ડાબો ખૂણો દાબતાં જમણે ખૂણે અને જમણો ખૂણો દાબતાં ડાબે ખૂણે ફુગી ઉઠેલી જણાઈ. ૐ ત્રાહિ ! ત્રાહિ !
નિર્વાણ
કૃષ્ણે પોતાના સારથિને બોલાવી આ ભયંકર હકીકત હસ્તિનાપુર જઇ પાંડવોને જણાવવા કહ્યું અને યાદવોની સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકાથી લઇ જવા અર્જુનને સંદેશો કહેવડાવ્યો. સારથિ હસ્તિનાપુર ગયો અને કૃષ્ણે સ્ત્રીઓ તથા બાળકોને દ્વારિકા પહોંચાડ્યા. બળરામે પ્રાણનો નિરોધ કરી દેહ છોડવા સમુદ્ર કિનારે આસન વાળ્યું. કૃષ્ણે દ્વારિકા જઇ વસુદેવ-દેવકીના પગમાં માથું મુકી સર્વે શોકજનક સમાચાર સંભળાવ્યા અને યોગથી પ્રાણત્યાગ કરવાનો પોતાનો નિશ્ચય જણાવ્યો. નમસ્કાર કરી કૃષ્ણ શહેર બહાર નીકળ્યા અને એક ઝાડને અઢેલી ડાબી સાથળને ઉભી રાખી, તે ઉપર જમણોપગ મુકી બ્રહ્માસન વાળી બેઠા. એટલામાં એક ભીલે કૃષ્ણના પગના તળીઆને મૃગનું મ્હોં સમજી તે ઉપર તાકીની બાણ માર્યું. આ રીતે જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણનો અન્ત આવ્યો.
કૃષ્ણમહિમા
શ્રી કૃષ્ણનું આખું ચરિત્ર નિઃસ્વાર્થ લોકસેવાનું અનુપમ દૃષ્ટાન્ત છે. જન્મ્યા ત્યારથી તે લગભગ સો કે સવાસો વર્ષ સુધી એમણે કદીયે નીરાંત વાળી નથી. બાળપણ ગરીબીમાં કાઢ્યું, માબાપના વિયોગમાં કાઢ્યું; પણ એ બાળપણને પણ એમણે એવી સુંદર રીતે દીપાવ્યું કે ભારતવર્ષનો મોટોભાગ એ બાળકૃષ્ણની ઉપર જ મુગ્ધ થઈ માત્ર એટલા જ જીવનને પણ અવતાર માનવામાં પોતાને કૃતાર્થ થતો સમજે છે. એમની યુવાવસ્થા માતાપિતાની સેવામાં, રખડતાં સ્વજનોને એકત્ર કરી એમનામાં નવું જીવન જગાડવામાં, પોતાના પરાક્રમથી નિઃસહાય રાજાઓને મદદ કરવામાં અને સામાન્ય લોભી રાજાઓનો સંહાર કરવામાં ગયો. એમના આયુષ્યનો ત્રીજો કાળ એમણે તત્ત્વચિંતન અને જ્ઞાનપ્રાપ્તિમાં ગાળ્યો. આ પછી તેમણે યુદ્ધ કરવાનું છોડી દીધું, તો પણ પોતાના ચાતુર્યથી ન્યાયીને ન્યાય આપવામાં એમણે પાછી પાની કરી નથી. એમને જ લીધે નરકાસુરના પંજામાંથી અબળાઓનો છુટકારો થયો, જરાસંઘનો પુરુષમેઘ અટક્યો અને પાંડવોને ન્યાય મળ્યો. ભારેમાં ભારે રાજ્ય ખટપટ કરતાં છતાં યે એમણે મશ્કરીમાં પણ અસત્ય ભાષણ કર્યું નથી, ધર્મનો પક્ષ છોદ્યો નથી, વિજયમાંયે શત્રુનો વિરોધ કર્યો નથી, એવી એમની પ્રતિજ્ઞા ભગવાન વ્યાસે ગાઈ છે, અને એની સબીતી તરીકે પરિક્ષિતના પુનરુજ્‌જીવનનું દિવ્ય જણાયું છે. આટલું છતાં યે એમના ઉપર જ્યાં કપટનું આળ ચઢે એવું જણાય છે, ત્યાં તે કાળની યથાર્થ હકીકત સમજવામાં કાંઈક ખામી હોવાનો સંભવ હોવો જોઇયે.

કૃષ્ણના દેહાન્ત પછી વૃદ્ધ વસુદેવ, દેવકી અને કૃષ્ણની પત્નીઓએ કાષ્ઠભક્ષણ કર્યું . બાકીના માણસોને અર્જુન હસ્તિનાપુર લઈ ગયો. કૌરવોનું નિકંદન કરનાર બાણાવલી અર્જુન અવસ્થાથી એને કૃષ્ણના વિયોગથી એટલો બધો નિર્બળ બની ગયો કે રસ્તામાં કેટલાક લૂંટારૂઓ સામે પણ એ સંઘનું રક્ષણ કરી શક્યો નહિ, અને એનું દ્રવ્ય લૂંટાયું. પાંડવોની રાજપ્રતિષ્ઠા અને શાસનમાં કેટલી ઢીલાશ આવી હશે એ આ નાનકડા બનાવમાં તરી આવે છે. યુધિષ્ઠિરે યાદવોના જુદા જ્દા વંશજોને જુદે જુદે ઠેકાણે રાજાઓ બનાવી પોતાની કૃતજ્ઞતા દર્શાવી. પછી પરિક્ષિતને સિંહાસન પર બેસાડી પાંચે ભાઇઓ દ્રૌપદી સાથે હિમાલયમાં ચાલી નીકળ્યા. ત્યાં જ તેમનો અન્ત થયો.

કૃષ્ણના અન્તથી ભારતવર્ષમાં કલિયુગનો પ્રારંભ થયો.