← ઉત્તરપર્વ રામ અને કૃષ્ણ
નોંધ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
રામ-કૃષ્ણ →





નોંધ

ગોકુળપર્વ

પૃ. ૯૧, લી. ૫ : આકાશવાણી - ચિત્તમાં ભૂત-ભવિષ્ય-વર્તમાનનું જ્ઞાન રહ્યું છે એવો યોગીઓનો અનુભવ છે. જેણે પરિપૂર્ણ રીતે સત્ય પાળ્યું છે તેની વાણી ભવિષ્યની હકીકતો વિષે પણ ખરી પડે છે. બીજાઓને પણ એનું ઘણીવાર સ્વાભાવિક સ્ફુરણ થાય છે, પણ કાંઇક અદ્ભુત ઘ્યાન ખેંચાય એવા પ્રસંગ સાથે સ્ફુરણ થાય ત્યારે સામાન્ય માણસો એ જ્ઞાનને ઓળખે છે. કોઇવાર એ ગેબી અવાજના રૂપમાં, કોઇવાર જાગ્રતમાં કે સ્વપ્નમાં કોઇ વ્યક્તિના દેખાવ સાથે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે આકાશવાણી કે દિવ્યદર્શનને નામે ઓળખાય છે.

પૃ. ૧૦૫, લી ૧ : આપણા યુગના... છે. આપણ ઉપર છેક અલ્પ વયથી જ એવા હકલા સંસ્કાર પડવા માંડે છે કે આજના કાલમાં આઠદશ વર્ષના બાળકને પણ બ્રહ્મચર્ય વિરોધી વિચારોથી મુક્ત ન ગણી શકાય એવું ઘણાંક અનુભવીઓનું માનવું છે. જે વિષે બાળક અજ્ઞાન છે તે વિષેના વિચારો આપી ઉલટો એને એ વિષય ઉપર વિચારતો કરી મુકવો એ ઠીક નથી એવી ધાસ્તીથી એ વિષે મૌન રાખવું એ તેમને ઉચિત લાગતું નથી. આજના તાત્કાલિક ઇલાજ માટે બ્રહ્મચર્યના સંબંધમાં બાળકોને ચેતવી દેવા એ સલાહ યોગ્ય નહિ ગણાય. પણ એ રોગનો ઇલાજ છે, અટકાવ નથી એ યાદ રાખવું જોઇયે. ખરો ઉપાય તો વાતાવરણ શુદ્ધ કરવામાં , હલકા સંસ્કારો પડે એવા સંજોગોથી બાળકોને દૂર રાખવામાં, તથા નિર્દોષ વ્યવહારનું એમને દર્શન થાય અને બાહ્ય વ્યવહાર પાછળ કોઈ ચોરીનો વ્યવહાર રહ્યો છે એવી એમને ગંધ પણ ન આવે એવી સૃષ્ટી નિર્માણ કરવામાં છે. આપણાં કેટલાંયે કુટુંબોમાં માની બાળકને ઇનામની લાલચ કે છેવટે ધમકી સારી કન્યા ન લાવવાને કે ન મળવા વિષેની હોય છે. બાળકોને કહેવાની આપણી કેટલીયે લોકકથાઓનું સાધ્ય રાજાની કુંવરી જોડે લગ્ન કરાવી આપવાનું હોય છે! જાને પરણવું જીવનનું ધ્યેય હોયની શું? આપણા વિલાસી વિનોદો, રાજસી ભોજનો, હલકી નવલકથાઓ, બીભત્સ નાટકો અને સીનેમાઓ, નફટ જાહેરખબરો કેટલાંયે કોશોર કિશોરીઓનું જીવન પોતાને તેમજ સમાજને શાપરૂપ કરી મુકે છે, એનો વિચાર કરતાં હૃદય કંપી ઉઠે છે. એ લોકકથાઓના કે નવલકથાઓના, નાટકોના કે સીનેમાઓના, ઇતિહાસ સંશોધકો ભલે સંગ્રહ અને સમાલોચના કરે. ધૂળધોયાની માફક એમની પણ જરૂર છે જ. પણ જૂનું સમાજમાં ઓતપ્રોત થયેલું, માટે આપવા જેવું જ એ વિચાર ભૂલ ભરેલો છે.

આપણા ભક્તો પણ એ જ વાતાવરણમાં ઉછરેલા, એમના હૃદયમાંયે સૂક્ષ્મ રીતે વિલાસી વૃત્તિઓનાં બીજ રહેલાં, તે એમનાં ભજનોમાં તરી આવ્યા વિના રહ્યાં નહિ. એમણે કૃષ્ણને સ્ત્રી માટે રીસાતો, સ્ત્રી મળવાની લાલચે મનાતો, ગોપીઓ જોડે સંકેતો કરતો, રાધા જોડે છુપું લગ્ન કરી આવતો એવો બાળક અને વ્યભિચારી યુવાન ચીતર્યો છે અને એ સર્વેનો 'પરમેશ્વરની સર્વ લીલાઓ દિવ્ય અને નિર્ગુણ છે' એ માન્યતા તળે બચાવ કર્યો છે. એ બચાવમાં ખરી નિર્ગુણતા અને દિવ્યતા એમની નિર્વ્યાજ શ્રદ્ધાની જ છે. એ સિદ્ધાંતમાં પોતાની નિષ્કપટ શ્રદ્ધાથી જ એવાં ભજનો રસપૂર્વક ગાતાં છતાં એઓ નિર્ગુણ પદને પામી શક્યા. અસત્યમાંથી સત્યમાં જવાય છે એ ખરૂં, પણ તેથી અસત્ય એ સત્ય થઇ શકતું નથી; તેમ એ સિદ્ધાંતમાંની શ્રદ્ધા મનુષ્યની ઉન્નતિ કરે, પણ તેથી એ સિદ્ધાન્ત અચલ છે એમ ન કહી શકાય.

પાંડવપર્વ

પૃ. ૧૨૩, લી. ૭ : પુરુષમેઘ - જે યજ્ઞમાં બલિ તરીકે માણસને મારવામાં આવે છે તેને નરમેધ-પુરુષમેઘ કહે છે. સર્વોપરિ સ્થાન મેળવવા માટે રાજાઓ તેમજ બ્રાહ્મણો આવો ભયંકર યજ્ઞ પ્રાચીન કાળમાં કરતા. વેદમાં હરિશ્ચંદ્ર અને શુનઃશેષની વાત આવે છે તેમાં હરિશ્ચંદ્ર શુનઃશેષનો બલિ આપી વરુણદેવને સંતુષ્ટ કરવા માગે છે.

કલિયુગમાં આવો યજ્ઞ કરાય નહિ એમ શાસ્ત્રોમઆં જ લખ્યું છે. એટલે દરજ્જે કલિયુગ સારો ગણવો જોઇયે.

એક પ્રાચીન લેખક લખે છે :-

वृक्षान् छित्त्वा, पशून् हत्वा, कृत्वा रुधिरकर्दमम् ।
यज्ञैश्चेग्दम्यते स्वर्गो, नरकः केन गम्यते ॥

પૃ. ૧૨૪, લી. ૩ : રાજસૂય યજ્ઞ - સમ્રાટ્ અથવા ચક્રવર્તી રાજા પોતાના રાજ્યારોહણ સમયે ( અથવા પાછળથી અન્ય રાજાઓની સંમતિથી ચક્રવર્તી તરીકે સ્વીકારાય ત્યારે) આ યજ્ઞ કરે.

અશ્વમેઘ - જે રાજા અત્યંત બળવાન હોવાનો દાવો કરતો હોય તે અશ્વમેઘ કરે. જો એનું બળ સર્વ સ્વીકારે અથવા સિદ્ધ થાય તો એ યજ્ઞ કરી શકે.

પૃ. ૧૨૪, લી. ૩ : અવભૃથસ્નાન - હિન્દુ જીવનનાસર્વ સંસ્કારો, વિધિઓ અને વિશેષ ઉત્સવોની ઉજવણીમાં યજ્ઞ આવશ્યક ગણાય છે. પ્રત્યેક યજ્ઞની શરૂઆત તથા પૂર્ણાહૂતિ સ્નાનથી થાય છે. ઉપવીત લીધાં પહેલાં ન્હાવું પડે અને વિદ્યાધ્યયન પૂરૂં થાય ત્યારે પાછું ન્હાવું પડે એ સ્નાતક કહેવાય. તે જ પ્રમાણે વિવાહ, પ્રેતક્રિયા વગેરે સર્વે સંસ્કારોમાં સ્નાન થાય છે. એ જ રીતે રાજસૂય વગેરે વિશિષ્ટ યજ્ઞોની શરૂઆત તેમ જ પૂર્ણાહૂતિ સ્નાનથી થાય. એ છેવટનું સ્નાન અવભૃથસ્નાન કહેવાય.

દ્યૂતપર્વ

પૃ.૧૨૯, લી.૧ : શકુનિનું મે'ણું - એક પાપ બીજા પાપો કરાવે છે. એક ભૂલ એને ઢાંકવા માટે અસત્ય બોલાવી બીજી ભૂલ કરાવે છે. દુષ્ટ માણસો આપણે પૂર્વે કીધેલાં પાપોનો લાભ લેતાં ચુકતાં નથી, અને પોતાનો અર્થ સાધવા એ પાપનું મે'ણું મારી અથવા એને ઉઘાડું પાડવાનો ભય દર્શાવી આપણી પાસે બીજું પાપ કરાવે છે. પાપનું મે'ણું સાંભળવાની અથવા એ ઉઘાડું પડે તે જોવાની આપણામાં શક્તિ નથી હોતી, એટલે આપણે એની પાપી ઇચ્છાને વશ થઇ બીજું પાપ કરીયે છીયે. પણ એથી દિવસે દિવસે આપણી અવનતિ જ થાય છે. છેવટે, એનું પરિણામ એવું આવે છે કે કાં તો આપણી પાપની ભાવના જ બુઠ્ઠી થઈ જાય છે, અથવા છેવટે બધાં પાપનો ઘડો ભરાઇ સામટું ફળ ભોગવવાનો દુઃખકારક સમય આવે છે. પાપને વિષે નફટ થઈ જવું એવી પાપી સોબતીની સલાહ હોય છે; નફટાઇમાં હિંમત છે એમ એ મનાવે છે. પણ સ્હેજે વિચારતાં જણાશે કે એમાં તો ઉલટી કાયરતા રહી છે. આપણા પાપનું કોઇ આપણને સ્મરણ કરાવે અથવા એને ઉઘાડું પાડે એથી આપણે ડરીયે છીયે. એ પાપનું પ્રાયશ્ચિત કોઈ કાળે લેવું જ પડશે એવી અંતઃકરણમાં રહેલી અવ્યક્ત ચિંતા અને એનું દુઃખ ભોગવવાનો ડર પ્રાયશ્ચિત્તની ઘડી થોડો વખત પણ લંબાય તો સારૂં એવી આપણા મનમાં ઇચ્છા ઉઠાવે છે. તે અકલ્યાણકારક ઇચ્છાને પાપી સોબતના મે'ણા અથવા ધમકીનું પીઠબળ હોય છે. એમ આપણે એના ભોગ થઇ પડી બીજું પાપ કરવા તૈયાર થઇયે છીયે.

પૃ.૧૨૯, લી.૧૬ : ભાઇઓની હોડ - એકત્ર કુટુંબનો કર્તાપુરુષ કુટુંબની મિલ્કતનો કેવળ વ્યવસ્થાપક જ નહિ, પણ માલિક; કેવળ મિલ્કતનો જ નહિ, પણ સર્વે કુટુમ્બીઓની શારીરિક સ્વતંત્રતાનો પણ - એ કૃષ્ણકાળમાં સામાજિક સ્થિતિ હતી એવું આ ઉપરથી સમજાય છે. જ્યાં ભાઇઓ પણ મિલ્કતમાં ગણાય ત્યાં સ્ત્રીની પણ એ જ દશા હોય એમાં નવાઇ નથી.


પૃ.૧૩૦, લી.૨૦ : દ્રૌપદીના વર - દ્રૌપદિનું ચરિત્ર એની વરયાચનામાં ઝળકી ઉઠે છે. એના પતિઓએ પુષ્કળ અપરાધ-અધર્મ કર્યો હતો, એના ઉપર સ્ત્રીજાતિ પર આવતું ભારેમાં ભારે સંકટ આણી મૂક્યું હતું, છતાં પણ તેથી એના પતિ પરના પ્રેમમાં એણે ન્યૂનતા ન આવવા દીધી. એ પ્રેમમાં હવે કુતરાના જેવી સ્વામીભક્તિ ન હતી, પણ એક સ્વતંત્ર સ્ત્રીની પતિ માટેની લાગણી હતી. હવે દ્રૌપદી પત્ની - એટલે કે દાસી કે મિલ્કતનો ભાગ- રહી નહિ, પણ મિત્ર બની. પુત્રનું કછોરૂપણું પણ માનો વાત્સલ્યપ્રવાહ રોકી શકતું નથી; દ્રૌપદીની પતિ પ્રત્યેની લાગણી પણ તેવા જ પ્રકારની હતી. પ્રેમની એ જ રીત છે. એક વાર જેને આપણે અંતરથી ચાહ્યો, તે ચાહને એના કોઇ પણ દોષ કે આપણો મોહ તલભાર પણ ઓછો કરે તો એ પ્રેમની કિંમત નથી. પૃ. ૧૩૨, લી.૧૧ : કૃષ્ણનું તત્ત્વચિન્તન અને યોગાભ્યાસ - છાન્દોગ્યોપનિષદ્‌માં મનુષ્યજીવનને એક મહા યજ્ઞ કહેલો છે. એ યજ્ઞનું વ્રત ૧૧૬ વર્ષ ચાલે છે. તેમાંના પહેલાં ૨૮ વર્ષ પ્રાતઃ-સવન, બીજાં ૪૪ વર્ષ માધ્યંદિન-સવન અને બાકીના ૪૮ વર્ષ સાયં-સવનનાં છે. એ પ્રમાણે કૃષ્ણે જીવનના પ્રાતઃકાળમાં શારીરિક સંપૂર્ણતા, મધ્યકાળમાં માનસિક અને બૌદ્ધિક સંપૂર્ણતા અને છેવટના કાળમાં આધ્યાત્મિક સંપૂર્ણતા પ્રાપ્ત કરી બતાવીને એ યજ્ઞ પૂરો કર્યો.


યુદ્ધપર્વ

પૃ.૧૪૧, લી.૧૦:ભીષ્મનો અન્ત-ભીષ્મની ઉત્તરાયણ થતાં સુધી બાણશય્યાસેવનની વાત વિદ્યાર્થીએ જાણી લેવી.

પૃ.૧૪૪, લી.૧૯:કૃપ, અશ્વથામાની ચિરમ્જીવમાં ગણના થાય છે:-

अश्वत्थामा, बलि, र्व्यासो, हनुमांश्च, विभीशणः ।
कृपः, परशुरामश्च, सप्तैते चिरंजीविन: ॥

ઉત્તરપર્વ

પૃ.૧૫૫, લી.૩:કપટનું આળ - મને એમ લાગે છે કે કૃષ્ણના જીવનમાં નીચેના સિદ્ધાન્તો ઓતપ્રોત થઇ ગયા હતા:-

(૧) કોઈ પણ માણસની સ્વાભાવિક પ્રકૃતિને પરાણે મરોડવામાં માલ નથી. રાજસી કે તામસી પ્રકૃતિના માણસ પાસે એકાદ વાર ક્ષણિક સાત્વિક વેગ કે ભીરુતાના જોસમાં અત્યંત ધીરજવાળા અને નિઃસ્પૃહી મનુષ્યથી સહન થઇ શકે એવા પરિણામવાળો ભારે ત્યાગ કરાવવાથી એનું ભલું જ થશે એમ નથી.

(૨) જ્ઞાની ભારે સિદ્ધાન્તોનો અમલ ન કરાવી શકે માટે એણે સમાજનો ત્યાગ કરવો એ ઉચિત નથી. લોક-સંગ્રહાર્થે અજ્ઞાની એટલે સકામ પુરુષોની બુદ્ધિનો ભેદ ન થાય એવી રીતે એણે યુક્ત થઇને, એટલે નાખુશીથી નહિ પણ પ્રયત્નપૂર્વક, કર્મનું આચરણ કરીને લોકોને દોરવા જોઇયે.

(૩) તેથી, પોતે પોતાને માટે જે કૃત્ય ન કરે તે કૃત્ય બીજાને હિતાર્થે કરવાની સલાહ આપે, અને પ્રસંગ આવે તો પોતે પણ તેને માટે કરી નાંખે.

(૪) આસુરી વૃત્તિને એને ધરાવનારા પુરુષથી ભિન્ન કરી શકાતી નથી. માટે અસુરના નાશથી જ આસુરી વૃત્તિનો નાશ થાય.

આ સિદ્ધાન્તો લક્ષમાં રાખીયે તો કૃષ્ણના જીવનનાં અનેક ચરિત્રો સમજાઇ જાય એમ લાગે છે. એ સર્વ સિદ્ધાન્તો સાચા છે કે એમાં કાંઇક ભૂલ છે એ જુદો અને સ્વતંત્ર પ્રશ્ન છે. એની ચર્ચા અહીં થઇ ન શકે.





વાંચવાલાયક

૧. શ્રી કૃષ્ણચરિત્ર- ચિંતામણી વિનાયક વૈદ્ય કૃત મૂળ મરાઠી, તથા કૃષ્ણપ્રસાદ મણિશંકર શાસ્ત્રી કૃત તેનો ગુજરાતી અનુવાદ. (ચિત્રશાળા પ્રેસ : પુના)

૨. કૃષ્ણચરિત્ર - બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય કૃત મૂળ બંગાળી, તથા કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી કૃત તેનો ગુજરાતી અનુવાદ.

બીજા આધારભૂત ગ્રંથો

મહાભારત, હરિવંશ, વિષ્ણુપુરાણ, ભાગવતપુરાણ અને બ્રહ્મવૈવર્તપુરાણ : એમાં પહેલાં કરતાં પાછલાં પુસ્તકનું પ્રામાણ્ય ઓછું સમજવું.