← નોંધ રામ અને કૃષ્ણ
રામ-કૃષ્ણ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા






રામ-કૃષ્ણ
[ઉપાસનાની દૃષ્ટિએ સમાલોચના]


પુરુષોત્તમ
શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ વૈષ્ણવ હિન્દુઓના મોટા ભાગના ઉપાસ્ય ઇષ્ટ દેવ છે. બન્નેની પુરુષોત્તમમાં ગણના થાય છે. સામાન્ય રીતે કોઇ પણ સમાજ પોતાના આદર્શ પુરુષમાં કેવાં લક્ષણોની અપેક્ષા કરે છે તે એના દેવ વિષેની એની કલ્પના પરથી જાણી શકાય.

હિન્દુ સમાજની સહજ પ્રકૃતિ કઇ સ્થિતિએ પહોંચવા તરફ છે, કઇ ભાવના સાથે તદ્રૂપ થવા તરફ છે, તે જે દૃષ્ટિએ એ રામ અને કૃષ્ણને ભજે છે તે પરથી જાણી શકાય. એટલા માટે રામ અને કૃષ્ણનાં સ્વરૂપ ઉત્તમ અથવા પૂર્ણ પુરુષ તરીકે કેવાં ભાસે છે તેનો કાંઈક વિચાર કરવો યોગ્ય છે.

મર્યાદા અને
પૂર્ણ પુરુષોત્તમ
કેટલાક સમ્પ્રદાયોમાં રામને મર્યાદા-પુરુષોત્તમ અને કૃષ્ણને પૂર્ણ-પુરુષોત્તમ માનવાનો રિવાજ છે. કેટલાક રામભક્તો એથી ઉલટું માનવાવાળા પણ હોઈ શકે.

મર્યાદા-પુરુષોત્તમ એટલે પુરુષે દૈવી ગુણોના નિકાસમાં અને ધર્મ પરિપાલનમાં જેટલે ઊંચે ચડવું જોઈએ તેટલે ઊંચે જઇને મર્યાદા બતાવનાર: પૂર્ણ-પુરુષોત્તમ એટલે સમાજે ઠરાવેલી ધર્મની મર્યાદાના કેવળ ગુલામ ન રહેતાં પોતાના શુદ્ધ ચિત્તમાંથી ઉપજતા સદ્દસદ્દવિવેકને જે સત્ય, ન્યાય્ય અને ધર્મ્ય લાગે તે જ પ્રમાણે વર્તનાર: - પછી જગતની દૃષ્ટિએ તે તમે તેવું લાગે.

રામ ચડે કે કૃષ્ણ એ કહેવું સાહસ ગણાય. આર્ય પ્રકૃતિના કેટલેક અંશે સમાન અને કેટલેક અંશે ભિન્ન છતાં બન્ને સુંદર સ્વરૂપો છે. જેને જે પ્રકૃતિ પોતાન હૃદયના ભાવિ સાથે વિશેષ મળતી જણાય, તેને તેના ઉપર વધારે ભક્તિ ઉપજવાની.
રામચરિત્રનું
તાત્પર્ય
જીવન એ એક મહાન અને કઠોર વ્રત છે, આયુષ્યના અન્ત પર્યન્ત પહોંચનારી સિપાહીગીરી છે. પોતાની નિર્દોષ જણાતી અભિલાષાઓને પણ દાબી દઈ, પોતાના મનના ક્લેશોને પોતામાં જ સમાવી દઇ, રાત અને દિવસ પોતાનું સર્વસ્વ જીવનનાં કર્તવ્યો બજાવવા માટે મૂકપણે હોમી દેવું - જેને પોતાનાં તરીકે માન્યા તેમનું પણ એ જીવનયજ્ઞમાં બલિદાન કરવું, એ રામ-ચરિત્રનું તાત્પર્ય છે. રામની પિતૃભક્તિમાં, ગુરુભક્તિમાં, પત્નીવ્રતમાં, બન્ધુપ્રેમમાં, પ્રજાપાલનમાં, - જ્યાં જોઇયે ત્યાં રામ એ જીવનયજ્ઞના યજમાન અને વ્રતધારી જણાય છે. એમણે કદીયે જીવનને રમતગમતનો અખાડો નથી બનાવ્યો. બે ઘડીનાં ગપ્પાંને એમના સમયપત્રકમાં સ્થાન નથી. એમનાથી કે એમની આગળ કદી હાંસીમશ્કરી ન થાય. એમના મુખ ઉપરથી ગમ્ભીરતાની છટા ઉતરે જ નહિ. વસિષ્ઠ, કૌસલ્યા, દશરથ એમનાં ગુરુજનો ખરાં, પણ એમની ધાર્મિકતા, ગમ્ભીરતા અને દૃઢ નિચશ્ચિતતાનો પ્રભાવ એમની ઉપર પણ છાપ પાડ્યા વિના રહે નહિ. કેવી આજ્ઞા કરવી તે એમણે વિચારવું જ જોઇયે. રામના રોમેરોમમાં મહારાજપદ ઝળકી ઉઠે છે. એમના દરબારમાં ઉભા રહેનારને પોતા ઉપર અસત્ય, અપવિત્રતા કે અન્યાયનો વહેમ સરખો ન આવે એટલા શુદ્ધ થઇને જ જવું પડે. એ તો દિવ્ય કસોટી જ ઠરાવે. એમની ન્યાયવૃત્તિ પત્નીકે બન્ધુ કોઇને જુએ નહિ. એમની હૃદયમાં સ્વજન માટે અત્યન્ત પ્રેમ ખરો; એ પ્રેમને લીધે એ ભક્તને માટે લંકાધીશને મારવાને જેટલાં પુરુષાર્થ અને પરાક્રમ જોઇયે તેમાંથી રતિભાર પણ ઉણપ આવવા દે નહિ; પણ છતાં યે પ્રેમને વશ થઇ એ બધું કરે, તેના કરતાં રામ કર્તવ્યની - સત્ત્વરક્ષાની - ભાવનાને વિશેષ પ્રાધાન્ય આપતા જણાય. એમના અન્તરમાં રહેલી ઉંડી પ્રેમની લાગણી ઉપરછલકા જોનારને માલમ પડે; અનેક વર્ષના નિકટ સહવાસથી જ એની પ્રતીતિ થાય. બીજાને તો એ નિઃપક્ષપાતી, ન્યાયી, ધર્મપ્રિય, આમ્ખને આંહી નાંખે એવા તેજસ્વી અને કડક શાસ્તા જ લાગે. ઘણા શબ્દોથી કે લાડથી એ પોતાનોપ્રેમ સામન્ય રીતે વ્યકત કરે નહિ, રામને આનન્દના આવેશથી અટ્ટહાસ્ય કરતા કોઇ સાંભળે નહિ, પણ પોતાનાં આશ્રિત જનોના ન્યાય્ય મનોરથોને પાર પાડીને તથા એમનાં સર્વ વિધ્નોને દૂર કરીને જ એ પોતાના પ્રેમની ખાત્રી આપે.
કૃષ્ણચરિત્રનું
તાત્પર્ય
એટલું જ પરાક્રમ, એટલી જ પિતૃભક્ત, ગુરુભક્તિ, દામ્પત્યપ્રેમ, કુટુમ્બપ્રેમ, ભૂતદયા, મિત્રત્વ અને એટલી જ સત્યનિષ્ઠા, ધર્મપ્રિયતા તથા જીવનની પવિત્રતા વિષે પૂજ્યતા છતાં શ્રીકૃષ્ણને જીવનયજ્ઞ એ એક કઠણ વ્રત નથી, પણ મંગલોત્સવ છે: - અથવા વ્રતોત્સવ [૧] છે. સુખમાં સ્વાસ્થ્યનો આનન્દ છે, તો દુઃખમાં એની સામે લડવાનો આનન્દ છે. મથુરામાં રાજ્યસુખ છે, તો ગોમન્ત ઉપર જરાસંઘને હંફાવવાનો લ્હાવો છે. દ્વારિકામાં વૈભવ છે, તો ગોકુળમાં વાછડાં અને ગોપોની સાથે રમતો છે. કુરુક્ષેત્રમાં કૌરવોના નાશથી અસુરોનો સંહાર થાય છે, તો પ્રભાસતીર્થમાં થતો યાદવોનો સંહાર પણ એવો જ છે. જો એકનો શોક કરવાની જરૂર નથી તો બીજામાં યે શાન્તિ ઢળવા દેવાની જરૂર નથી.
  1. વ્રત છતાં ઉત્સવ

અને તેથી કૃષ્ણની સાથે રહેતાં આપણને સંકોચ નથી લાગતો. બાળકૃષ્ણ ધારી આપણે એને ખોળામાં રમાડી શકીયે કે માખણ માટે નચાવી શકીયે, અથવા એના વાછડા થઇ એના પગને ચાટી શકીયે, એ આપણી પીઠ ઉપર પોતાનું માથું ટેકવી કે આપણાં ગળાંને બાઝી હેત કરતો કલ્પી શકીયે. આપણે પવિત્ર હોઇયે કે અપવિત્ર, એ આપણો તિરસ્કાર કરવાનો નથી. આપણે મોકળે મને એના ભાણામાં બેસી જમી લઇયે. આપણે સાથે ફરતાં હોઇયે તો એનાથી મર્યાદા પૂર્વક દૂર ચાલવાની જરૂર નથી. એને ખભે આપણો હાથ અને આપણે ખભે એનો હાથ. રામને પોતાના સારથિ કરવાની સુગ્રીવ કે વિભીષણની કાંઈ હિંમત થાય ? પણ કૃષ્ણને એ કહી શકાય. રામના દરબારમાં જનારે દરબારીની રીતભાત જાણવી જોઇયે, પણ કૃષ્ણના તો ઠેઠ અંતઃપુર સુધી ચીંથરીયો સુદામો પહોંચી જાય અને તેના પ_ક પર ચડી જાય. રામને 'આપ' કહી સંબોધવું જોઇયે, પણ કૃષ્ણ તો 'તું'નો જ અધિકારી. કૃષ્ણની ભક્તિનો રસ આપણે એના દાસ થઇને ન લઇ શકીયે. ઉદ્ધવ જેવો કોઈ દાસ થવા જાય તો તે પણ ઠેઠ એના હૃદય સુધી પહોંચાડનારો વિશ્વાસુ મિત્ર બની જાય. સમાનતા સિવાય બીજો હક એ માને જ નહિ. કૃષ્ણના દરબારમાં એક જ જાજમ હોય. એને ત્યાં ડાબે હાથે અમુક અને જમણે હાથે બીજો, એવી શિસ્ત ન હોય. એની પાસે તો ગોળ કુંડાળું કરીને જ બેસવાનું. એની પાસે ગંભીર જ્ઞાનની ગોષ્ટીઓ જ નિરન્તર સાંભળવા મળશે એમ ન કહેવાય; એ તો ગોકુળનાં વાછડાંની 'વાતો' પણ કહેતો હોય. રામનો અગાધ પ્રેમ અન્તેવાસી જ પારખી શકે, તેમ કૃષ્ણના અગાધ જ્ઞાનગામ્ભીર્ય અને ઔદાસિન્ય નિકટ પરિચયથી જ જણાય. 'દેહદર્શી તો એને 'પોતા જેવો સંસારી' જ દેખે*[૧]

કૃષ્ણ આપણા ભક્તિભાવનો ભૂખ્યો છે. અનન્યપણે એની સાથે પ્રેમ બાંધ્યો તો એ આપણી ત્રુટીઓ જોવા નથી બેસવાનો. એ નીભાવી લેશે, સુધારી લેશે અને શીઘ્ર આપણને શુદ્ધ અને શાન્ત કરી મુકશે.


  1. <no wiki>*</no wiki>
    "મુક્તાનંદ કે' હરિજનની ગતિ ન્યારી ;
    એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી."
    દેહદર્શી - શરીર, ઇંદ્રિયો, મન, બુદ્ધિનાં સુખને જ પ્રાધાન્ય આપવાવાળો.
ઉપસનાનો
હેતુ
આ રીતે રામ અને કૃષ્ણ બન્ને જુદી જુદી પ્રકૃતિઓવાળી મહાન વિભૂતિઓ છે. જે દેવ જેવા થવા આપણે ઇચ્છીયે તે આપણા ઈષ્ટ દેવ કહેવાય. ઉપાસ્યના જેવા થવું એ ઉપાસનાનો હેતુ. રામ ને કૃષ્ણના ઉપાસકોને રામ અને કૃષ્ણના જેવા થવાની અભિલાષા હોવી જોઇયે: તો જ એની ઉપાસના સાચી.


રામોપાસનાનો
માર્ગ
પણ રામના ઉપાસકને અધઃપાતની ધાસ્તી ઓછી છે. એ તો શુદ્ધ થાય તો જ પોતાના દેવના મંદિરમાં પેસી શકે. એણે પોતાના દેવને પસન્ન કરવા જીવનનએ વ્રત રૂપે સ્વીકાર્યે જ છુટકો. દિવ્ય કસોટી માટે લાયક થવાની સાધના એણે કર્યા જવાની. એને ભ્રષ્ટ થવાનો સંભવ નથી. એ દિવસે દિવસે આગળ જ વધવાનો.


કૃષ્ણોપાસનાનો
માર્ગ
કૃષ્ણની ઉપાસના મોહક છે, પણ સહેલી નથી. સહજાનંદ સ્વામી કહે છે તેમ એની રસિક ભક્તિથી પડી તો ઘણા ગયા છે અને તરી તો કોઈક જ ગયો છે.એનાં બે કારાણો છે: એક તો કૃષ્ણની ગોપી બનીને ભક્તિ કરવાની વિકૃત રીત, અને બીજું જીવનને ઉત્સવ માનવામાં મનુષ્યની સ્વાભાવિક ભોગવૃત્તિને મળતું ઉત્તેજન.
દેવ અને
ભક્તનો
સંબંધ
દેવ અને ભક્તની વચ્ચેનો સંબંધ અનેક પ્રકરનો હોઈ શકે : માતા કે પિતા અને પુત્રનો, બંધુત્વનો, મિત્રતાનો, પતિપત્નીનો, પુત્ર અને માતા-પિતાનો અથવા સ્વામી-સેવકનો. એમાં દેવને જેવા સંબંધી બનાવીયે તેના પ્રતિયોગી સંબંધીના ભાવ આપણામાં પ્રતિબિમ્બિત થાય, અને ધીમે ધીમે એ સંબંધનાં યોગ્ય લક્ષણો આપનો સ્વભાવ થઈ જાય. આપણે દેવને માતા-પિતા તરીકે ભજીયે અને જો આપણી ભક્તિ સાચી હોય તો આપણામાં આદર્શ પુત્રના ગુણો ઉતરે; - માતાના પુત્ર તરીકે જુદા અને પિતાના પુત્ર તરીકે જુદા. તે જ પ્રમાણે દેવને આપણે પતિ તરીકે માનીયે તોઇ આપણામાં સ્ત્રીત્વના ભાવ ઉપજવાના.
દેવ અને
ગોપી-ભક્તિ
જાર તરીકે ભજીયે તો તેવા પ્રકારની સ્ત્રીના હાવભાવ ઉતરવાના. ઉપાસનાભક્તિ એ મનુષ્યને પૂર્ણતાએ પહોંચાડવાનો યોગ છે. પુરુષને પૌરુષના વિકાસ અને સ્ત્રીને સ્ત્રીત્વનો વિકાસ એ પૂર્ણતા છે. પુરુષમાં સ્ત્રીત્વનો વિકાર કે સ્ત્રીમાં પુરુષત્વનો વિકાર એ અધોગતિ છે. પુરુષે પોતાને સ્ત્રી તરીકે કલ્પ્યા કરવામાં પોતાનું પૌરુષ ગુમાવવાનો માર્ગ લેવા જેવું છે. એથી સ્ત્રીત્વની પૂર્ણતા તો પ્રાપ્ત ન થાય, પણ પુરુષાર્થ ઓછો થાય અને સ્ત્રીને શોભનારા અને પુરુષને એબ લગાડનારા હાવભાવ માત્ર ઉતરે. એથી ભોગવૃત્તિ પણ ઉશ્કેરાય; અને અત્યંત દૃઢ વિવેકદશાની જાગૃતિ ન હોય તથા ભક્તિની ઉત્કટતા ન હોય તો અધઃપાત પણ થયા વિના રહે નહિ. કૃષ્ણની રાધા અથવા ગોપી તરીકે ઉપાસના કરનારા અનેક ભક્તો હિન્દુસ્તાનમાં થઈ ગયા છે. એ સર્વેનાં ચરિત્રો તપાસતાં એમાંથી બ્રહ્મચારી, વીર, વિલાસ માટે ઉદાસીન, એવા ઘણા થોડા જણાશે. એથી ઊલટું, પ્રસિદ્ધ રામભક્તો જેવા કે હનુમાન, રામદાસ, તુલસીદાસ વગેરે બ્રહ્મચર્ય, શૌર્ય, પુરુષાર્થ, વૈરાગ્ય વગેરે માટે પંકાયેલા છે. ગોપીની ભક્તિ જેવી મીરાંબાઇમાં શોભે છે તેવી પુરુષમાં ન જ શોભે; અને સંન્યાસીઓમાં તેથી યે ઓછી.
જીવન એ
ઉત્સવ
જીવન ઉત્સવરૂપ મનાય એ સ્થિતિ સારી છે. પણ ઉત્સવ એ ભોગ્ય વસ્તુ તરીકે મનાવાનો પણ સંભવ છે. જ્યાં સુધી આપણે જીવનનો તડકો જોયો નથી ત્યાં સુધી જીવનનએ ઉત્સવ ગણવામાં આપણને સુખ લાગશે. પણ જ્યારે છાંયડો જાય ત્યારે પણ એ ઉત્સવ રૂપે જ મનાય તો જ જીવનને ઉત્સવ કહેવો યથાર્થ ગણાય. જે ક્ષણે દુઃખ એ અનિષ્ટ લાગે તે ક્ષણે આપણો અધઃપાત છે. ભુક્તિ-ભોગ-મુક્તિને વિરોધી નથી; ભુક્તિ અને મુક્તિ બે સાધવાની લાલસા એ આ જીવનને ઉત્સવ માનવાનું પરિણામ છે.

માટે કૃષ્ણની ઉપાસના કૃષ્ણ જેવા થવાની આકાંક્ષાથી થવી જોઇયે. કૃષ્ણ જેવા ધર્મનિષ્ઠ, સત્યપ્રિય, અધર્મના વૈરી, અન્યાયના ઉચ્છેદક, શૂર પરાક્રમી, સાહસિક, ઉદાર બળવાન, બુદ્ધિમાન, વિદ્વાન, જ્ઞાની અને યોગી છતાં વાત્સલ્યપૂર્ણ, નિરાભિમાની, નિઃસ્વાર્થી, નિઃસ્પૃહી, સર્વને સમાનતાનો હક આપનાર, અત્યંત શરમાળ માણસને પણ નિઃસંકોચ કરનાર, ગરીબના-દુઃખીયાના-શરણાગતના બેલી, પાપીને પણ સુધારવાની આશા પ્રગટાવનાર, અધમને પણ ઉદ્ધારનાર, દરેકની પ્રકૃતિનું માપ લઇ તે પ્રમાણે તેની ઉન્નતિનો ક્રમ યોજનાર, બાળક જેવા અકૃત્રિમ-આવું આપણું ચરિત્ર હોય તો જ આપણી કૃષ્ણોપાસના સાચી. ભૂતમાત્રને માટે નિ઼સીમ કરુણા, પ્રેમ, દયા, ધર્મકર્મ કરવાની સદૈવ તત્પરતા, પોતાની સર્વાંગી ઉન્નતિ કરવાની આકાંક્ષા, એ સર્વને માટે સંપૂર્ણ પુરુષાર્થ કરવાની વૃત્તિ એ એ સ્થિતિનો સાધન માર્ગ છે.

રામ-કૃષ્ણની
ઉપાસના
સેંકડો વર્ષ થયાં આપણે રામ અને કૃષ્ણની અભેદપણે ઉપાસના કરતા આવ્યા છીયે. રામ અને કૃષ્ણ બન્ને આપણને એટલા બધા એકરૂપ લાગે છે કે બે નામ જોડી આપણે "રામ-કૃષ્ણ"નો એક જપ-મંત્ર બનાવ્યો છે. જે માણસ પરમાત્માને પોતાનામાં પૂર્ણ પણે પ્રગટાવવા ઇચ્છશે તે તો કદાચ રામ-કૃષ્ણને સંયુક્ત પૂર્ણતાએ પહોંચવા પ્રયત્ન કરશે. સુખના દિવસને એ વ્રતરૂપ ગણશે અને દુઃખમાં ઉત્સવ માનશે. એના ગામ્ભીર્યમાં પ્રેમ, અને પ્રેમમાં ગાંભીર્ય દેખાશે. એ પોતાની ઉપર અસત્ય, અન્યાય કે અપ્રમાણિકતાનો વહેમ સરખો યે સહન નહિ કરે, પણ બીજામાં એ સ્પષ્ટ જણાય તોપણ એનામાં જો એક પ્રેમ હશે તો એટલાથી સંતોષ માની એની બાંહેધારી કરી એને ચડાવવા પ્રયત્ન કરશે. એની રગેરગમાં મહારાજપદ હોવા છતાં એ મુરબ્બીપણું નહિ દેખાડે, કોઇને પોતાથી ઉતરતો નહિ કલ્પી શકે. એ બાળકને બાળક જેવો, પ્રજાને પ્રજાજન જેવો અને વૃદ્ધને વૃદ્ધ જેવો લાગશે. એ પોતાની સાધુતાનો યાગ કર્યા વિના જગતનાં સર્વ ધર્મ્ય કર્મો કરશે. પરિગ્રહી છતાં અપરિગર્હી જેવો નિર્લેપ અને નિર્ભય રહેશે. કુટુમ્બી છતાં સન્યાસી જેવો એનો વ્યવહાર હશે. અને આટલું છતાં એ રામ-કૃષ્ણના જેવો જ શરીર બળવાન, બુધિમાં તીવ્ર, ગુણે કરીને ઉદાર, પુરુષાર્થી, તેજવી અને પરાક્રમી.

વાચકમાં રામ-કૃષ્ણ જેવા થવા રામ-કૃષ્ણ પ્રત્યે દૃઢ ભક્તિ પ્રગટો. ૐ शम ।




duplication of last page





નોંધ

પૃ. ૧૭૦, લી.૧૩ : શુદ્ધ ચિત્તનો ધર્મ - ચિત્તની શુદ્ધિની તારમ્યતાના પ્રમાણમાં, ચિત્તશુદ્ધિને માર્ગે લાગ્યા પહેલાં પ્રાપ્ત કરેલા શુભાશુભ સંસ્કારની તારતમ્યતાના પ્રમાણમાં તથા પૂર્વશિક્ષણ, પરિસ્થિતિ ઇત્યાદિને લઇને એ ધર્મના નિર્ણયમાં ફરક પણ હોય. પોતાના ખાનગી સુખ માટે, પોતાનાં દુઃખ કે પરિશ્રમ ટાળવાની ઇચ્છાથી અથવા કોઈ પણ મનુષ્ય કે વસ્તુ માટે વધારે ઓછા રાગદ્વેષાદિથી કે મમત્વથી પ્રેરાઈને એ ધર્મ ન કર્યો હોય, એટલું એ સર્વે નિર્ણયોમાં સામાન્ય તત્ત્વ હોવું જોઇયે. સત્ય, અહિંસા, કરુણા એ એ ધર્મની નિર્ણાયક ભાવનાઓ હોય.

પૃ. ૧૭૪થી શરૂ થતો ફકરો: - રામ અને કૃષ્ણનાં ચારિત્રના તાત્પર્યમાં અહીં ભેદ દર્શાવ્યો છે તે ભેદ બે પ્રકરના ભક્તોમાં ઉતર્યો છે એમ કહેવાનો આશય નથી. રામભક્તો તેમને પણ પતિત પાવન, અધમોદ્ધારક, ભાવના ભૂખ્યા, ભક્તાધીન વગેરે ગુણોયુક્ત જ જુએ છે; તેજ પ્રમાણે રામની પણ બાળલીલા વગેરેનાં રસયુક્ત કીર્તનો ગાય છે. એમ કહી શકાય કે રામભક્તોએ રામને નામે કૃષ્ણને જ ભજ્યા છે. આપણી પ્રકૃતિ સૌમ્યભાવને જ પૂજવાવાળી છે; કડકાઈને નહિ.


પૃ. ૧૭૩, લી. ૧૩: ગીતાના આ શ્લોકો જુઓ:-
अपि चत्सुदुराचारो भजते मामनन्यभाक ।
साधुरेव स मन्तव्य: सम्यग्च्यवसितो हि सः ॥
क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति ।
कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति ॥
मां हि पार्थ व्यपाश्रित्य येડपिस्युः पापयोनय: ।
स्त्रियो वैश्यास्तथा शूद्रास्तंડपि यान्ति परां गतिम् ॥
अ०९ - श्लो० ३०-३१-३२

मन्मना भव भग्द्क्तो मद्याजी मां नमस्कुरु ।
मामेवैष्यसि सत्यं ते प्रतिजनो प्रियोડसि मे ॥
सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज ।
अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिव्यामि मा शुचः ॥
अ० १८ - श्लो० ६५-६६