રામ અને કૃષ્ણ/કૃષ્ણ/દ્યૂતપર્વ

← પાંડવપર્વ રામ અને કૃષ્ણ
દ્યૂતપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
યુદ્ધપર્વ →


દ્યૂતપર્વ

રાજસૂય યજ્ઞ તો પૂરો થયો, પણ દેશમાં કલહનાં બીજ વાવતો ગયો. જરાસંઘ, પૌંડ્રક-વાસુદેવ અને શિશુપાળના વધથી દન્તવક્ર અને શાલ્વને કૃષ્ણ સાથે વૈર બંધાયું. શાલ્વે સૌભ નામનું એક વિમાન રચી દ્વારિકા ઉપર ચડાઈ કરી. એ વિમાનમાંથી તે શહેર ઉપર પથરા, બાણ, અગ્નિ વગેરેનો વરસાદ વરસાવી ખૂબ નુક્સાન કરવા લાગ્યો. છેવટે કૃષ્ણે તેનો પણ લડાઈમાં વધ કર્યો. એ જ પ્રમાણે દન્તવક્રને પણ દ્વંદ્વયુદ્ધમાં માર્યો.

જુગાર
કલહનું બીજું બીજ દુર્યોધનની છાતીમાં પડ્યું. પાંડવોની સમૃદ્ધિ અને રાજસૂય યજ્ઞમાં ધર્મરાજાને મળેલું માન જોઈને એ ઈર્ષ્યાથી બળવા લાગ્યો. એણે શકુનિ[૧]
  1. દુર્યોધનનો મામો
અને કર્ણ સાથે મસલત કરી પાંડવોની સંપત્તિ હરણ કરવાનું એક કાવત્રું રચ્યું. એ વખતના ક્ષત્રિયોમાં જુગારનું વ્યસન ઘણું પેસી ગયું હતું. જેમ ઘોડાદોડની શરતનો જુગાર આજે રાજમાન્ય હોવાથી સારા અને પ્રમાણિક મનાતા લોકો પણ એમાં રમતા શરમાતા નથી, તેમ કૃષ્ણના કાળના ધાર્મિક રાજાઓ પણ પાસાનો જુગાર રમતાં લજ્જાતા નહિ, એટલું જ નહિ પણ જેમ કાઠીયાવાડના દરબરો કસુંબાનો ઈન્કાર કરવામાં આવે તો અપમાન માનતા, તેમ જુગાર માટે મળેલાં નિમન્ત્રણનો અસ્વીકાર અપમાનસૂચક લેખાતો. યુધિષ્ઠિર ધર્મરાજા હતા ખરા, પણ એ ધર્મસુધારક ન હતા. દ્યૂત રમવું નિન્દ્ય છે એમ એ જાણતા, પણ જે રિવાજ પડી ગયેલો અને જે માન્યતા રૂઢ થઈ ગયેલી તેમાં સુધારો કરવાનું બળ એમનામાં ન હતું. દુર્યોધન વગેરે યુધિષ્ઠિરના સ્વભાવથી વાકેફ હતા. તેમણે એક મહેલ બંધાવ્યો હતો તે જોવાને વિષે પાંડવોને હસ્તિનાપુર નોતર્યા. કેટલાએક દિવસ એમને સત્કારપૂર્વક રાખી, એક દિવસે ફુરસદે ચાલતાં ગપ્પાંઓનો લાભ લઈ શકુનિએ યુધિષ્ઠિરને પાસા રમવા કહ્યું. યુધિષ્ઠિરે આનાકાની કરી, એટલે શકુનિએ મેણું માર્યું કે 'ચતુરે ગાંડાને ભમાવવા, સશક્તે અશક્તને લૂંટવા એ જો પાતક નથી, તો દ્યૂતમાં કુશળ માણસે અકુશળને જીતવા એમાં પાતક ક્યું? તમે દિગ્વિજયમાં અશક્ત રાજાઓને જીત્યા એમાં ન્યાય હતો શું? બાકી મારો તમને આગ્રહ નથી.' યુધિષ્ઠિરને મેણામાં રહેલો દંશ લાગ્યો અને પાપની બીક છોડી બળાત્કારે શકુનિના બલિ થઈ પડ્યા. એણે રમવાનું કબુલ કર્યું. શકુનિ પાસા નાંખવામાં હોંશીયાર હતો અને કપટથી ધારેલા પાસા નાંખી શકતો હતો. એણે દુર્યોધનની વતી પાસા નાંખવા માંડ્યા. રમવામાં નાણાંની, રથસંપત્તિની, અશ્વગજસંપત્તિનિ એક પછી એક શરત બકાવા માંડી. પણ દરેક પાસે યુધિષ્ઠિર હારવા લાગ્યા. છેવટે ધર્મરાજાએ પોતાના ભાઈઓને પણ એક પછી એક હોડમાં મુકવા માંડ્યા. ભાઈઓને દાસ કરી પોતે પણ દાસ થવાનું મેલી હાર્યા. આટલુંયે શકુનિને પૂરતું લાગ્યું નહિ. એ બોલ્યો: "ધર્મ, હજી એક પણ બાકી છે. એ પણ જીતીશ તો સર્વ પાછું આપીશ. તારી સ્ત્રીને પણમાં મુક." આવો નિર્લજ્જ પ્રસ્તાવ સાંભળી સભા 'ધિક્ ધિક્' પોકારી ઉઠી, પણ રાજાના અવિવેકની નિદ્રા હજુ સુધી ઉડી નહિ. તેણે સતી દ્રૌપદીને પણમાં મુકી. શકુનિએ પાસા નાંખ્યા અને 'જીત્યા જીત્યા' એવી બૂમ મારી. દુર્યોધનનો ભાઈ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં નિર્લજ્જપણે ખેંચી લાવ્યો, અને એનું વસ્ત્ર ખેંચી લાજ લેવા લાગ્યો. ભયભીત થયેલી મહાસતી દ્રૌપદીએ ભીષ્મ, દ્રોણ અને પોતાના પતિઓ સામે જોયું, પણ કોઈએ એના રક્ષણાર્થે આંખ સરખી ઉંચી કરી નહિ.
દ્રૌપદી-
વસ્ત્રહરણ
છેવટે એ અનન્ય ભાવથી હૃદયમાં રહેલા કૃષ્ણને શરણે ગઈ. એની એકનિષ્ઠ ભક્તિપૂર્ણ સ્તુતિથી એનું વસ્ત્ર અનંત થયું. હજાર હાથીના બળવાળો દુઃશાસન વસ્ત્ર ખેંચી ખેંચી થાક્યો, પણ દ્રૌપદીની લાજ લઈ શક્યો નહિ. સર્વે સભાસદો દુઃશાસન પર ફિટકારનો વરસાદ વરસાવવા લાગ્યા અને દ્રૌપદીની પ્રસંશા કરવા લાગ્યા. અંધ ધૃતરાષ્ટ્રે આ સાથે જ ઉઠેલા તિરસ્કાર અને ધન્યવાદનું કારણ પૂછ્યું. વિદુરે તેને વસ્તુસ્થિતિ સમજાવી. આથી દ્રૌપદી ઉપર પ્રસન્ન થઈ તેને એણે વર માગવા કહ્યું. દ્રૌપદીએ પોતાના પતિઓનો છુટકારો માગ્યો. ધૃતરાષ્ટ્રે પાંડવોને દાસત્વમાંથી મુક્ત કર્યા અને વળી બીજો વર માગવા કહ્યું. દ્રૌપદીએ પતિનું રાજ્ય પાછું માગ્યું. ધૃતરાષ્ટ્રે તે પણ આપ્યું. યુધિષ્ઠિર પોતાના બંધુઓ અને પત્ની સાથે ઈન્દ્રપ્રસ્થ જવા ઉપડ્યા. પણ ધૃતરાષ્ટ્રના વરદાનથી દુર્યોધન વગેરે સર્વે ચંડાળ-ચોકડીને પોતાની મહેનત બરબાદ ગયા જેવું લાગ્યું. એમણે યુધિષ્ઠિરને વળી એક વાર પાસા રમવા બોલાવવા ધૃતરાષ્ટ્રને વિનવ્યા. ચર્મ તથા પ્રજ્ઞા ઉભય ચક્ષુ વિરહિત ડોસાએ પુત્રમોહને વશ થઈ એવી આજ્ઞા પણ કાઢી. વળી, જે હારે તે બાર વર્ષ વનવાસ અને એક વર્ષ અજ્ઞાતવાસ ભોગવે, અને અજ્ઞાતવાસમાં પકડાઈ જાય તો પાછી એ જ પ્રમાણે શિક્ષા અનુભવે, એવી શરત કરી. શકુનિએ પાસો ફેંક્યો અને વળી પાછો જીત્યો. થયું; બે ઘડીની રમતમાં ધર્મરાજાએ જુગારથી આખા જીવનની આસ્માની-સુલતાની કરી બતાવી. ઈન્દ્રપ્રસ્થ જવા ઉપડેલા ભાઈઓ અને પત્ની વલ્કલો પહેરી વનને રસ્તે પડ્યાં. વૃદ્ધ કુન્તી વિદુરને ઘેર રહી અને પાંડવોની ઇતર સ્ત્રીઓને પોતપોતાને પિયેર જવું પડ્યું.

શાલ્વ સાથેની લડાઈમાંથી નિવૃત્ત થઈ દ્વારિકા પાછા ફરતાં પાંડવોની વિપત્તિની હકીકત કૃષ્ણના જાણવામાં આવી. વસુદેવ, બળરામ વગેરે યાદવો સાથે એ પાંડવોને અરણ્યમાં જઈ મળ્યા અને એમનું સાન્ત્વન કર્યું. દ્રૌપદીએ કૃષ્ણ આગળ અતિશય કલ્પાન્ત કર્યું. એને થયેલા અપમાનની હકીકત સાંભળી કૃષ્ણે ખડે રોમાંચે પ્રતિજ્ઞા કરી કે "જેમના ઉપર તું યોગ્ય કારણસર ક્રુદ્ધ થઈ છે તેમની સ્ત્રીઓ આ પ્રમાણે ડુસકે ડુસકે રડશે અને તું સર્વ રાજાઓની માહારાજ્ઞી થઈશ."

કૃષ્ણનું
તત્ત્વચિંતન
અને
યોગાભ્યાસ
પાંડવોના વનવાસનાં બાર વર્ષ અને અજ્ઞાતવાસનું એક વર્ષ એવી રીતે તેર વર્ષ કૃષ્ણે તત્ત્વજ્ઞાનના ચિંતનમાં અને યોગાભ્યાસમાં ગાળ્યાં. ઘોર આંગિરસ પાસેથી તેમણે આત્મજ્ઞાનનો ઉપદેશ લીધો. જુદા જુદા મતોનું અને તત્ત્વોનું સંપૂર્ણ મનન કર્યું. નાનપણમાં મલ્લશ્રેષ્ઠ અને તરુણપણે ધનુર્ધરશ્રેષ્ઠ આવી એમની કીર્તિ હતી; હવે તે યોગીશ્રેષ્ઠ પણ થયા. એમનું વય વનવાસની શરૂઆતમાં આશરે ૭૦ વર્ષનું હતું; હવે તે ૮૩ વર્ષના થયા હતા.