રામ અને કૃષ્ણ/કૃષ્ણ/પાંડવપર્વ

← દ્વારિકાપર્વ રામ અને કૃષ્ણ
પાંડવપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
દ્યૂતપર્વ →





પાંડવપર્વ

આ કાળમાં પાંડવો ભારે વિપત્તિમાં આવી પડ્યા હતા. દુર્યોધને એમને પોતાના જ મહેલમાં જીવતા બાળી મુકવાનું કાવતરૂં રચ્યું હતું, પણ ભીમની ચાલાકીથી તેઓ બચી ગયા હતા. ત્યારથી તેઓ બ્રાહ્મણને વેષે દેશદેશાન્તરમાં ભટકી પોતાના દિવસો ગાળતા હતા. વિદુર સિવાય સર્વ જગત પણ એમને મરી ગયેલા જાણતું હતું. કૌરવોએ એમની શ્રાદ્ધાદિક ક્રિયા કરીને જાહેર રીતે શોક પણ પાળ્યો હતો. પરંતુ નીચેના બનાવે એમને પાછા ઉઘાડા પાડ્યા.
દ્રૌપદીસ્વયંવર
પાંચાલ દેશના દ્રુપદ રાજાને દ્રૌપદી નામે પુત્રી હતી. એક ફરતા ચક્રમાં રહેલા લક્ષ્યને તેનું પ્રતિબિમ્બ જોઈને જે વીંધે તેને દ્રૌપદી વરાવવી એવું પણ કરીને તેણે સ્વયંવર રચ્યો. પોતાના પુત્ર પ્રદ્યુમ્નને એ કન્યા મળે તો જોવું, એ ઉદ્દેશથી કૃષ્ણ પણ કામ્પિલ્ય નગર ગયા. પાંડવો પણ કાપડીને વેષે ત્યાં આવ્યા હતા અને બ્રાહ્મણોમાં જઈને બેઠા હતા. દ્રુપદ રાજાએ મુકેલું પણ કોઈ પણ ક્ષત્રિયથી જીતી શકાયું નહિ. શ્રીકૃષ્ણ અને સાત્યકિ[] સમર્થ હતા છતાં ઉઠ્યા નહિ. દુર્યોધનનો મિત્ર કર્ણ ઉઠ્યો, પણ એ સૂતપુત્ર[] હોવાથી દ્રૌપદીએ તેને ધનુષ્યને હાથ લગાડવા દીધો નહિ. એટલે બ્રાહ્મણોને પોતાનું કૌશલ્ય દર્શાવવાનો વારો આવ્યો. અર્જુન લાગલો જ ઉઠ્યો અને જોતજોતામાં પણ જીતી લીધું. દ્રૌપદીએ તેને વરમાળા અર્પી અને એને લઈને
  1. એક યાદવ વીર; દ્રોણાચાર્યનો શિષ્ય
  2. બારોટ ચારણ જેવી એક જાતિ. કર્ણ વાસ્તવિક કુન્તીપુત્ર હતો, પણ કુન્તીને એને નાનપણમાં ત્યજેલો હોવાથી એને દુર્યોધનના દરબારની રાધા નામની એક ચારણીએ ઉછેર્યો હતો.

પાંડવો કુન્તીની પાસે ગયા. કુન્તીએ એને આશીર્વાદ આપી પાંચે પાંડવોની પત્ની થવા આજ્ઞા કરી. કૃષ્ણે અર્જુનને તરત જ ઓળખ્યો અને એની પાછળ એને ઘેર ગયા. એમણે તે દિવસથી દ્રૌપદીને પોતાની બ્હેન માની અને એમની મદદથી પાંડવોનું દ્રૌપદીની સાથે ઠાઠથી લગ્ન થયું.

પાંડવો જીવતા છે એમ ખબર પડતાં કૌરવોના પેટમાં ફાળ પડી, પણ એમણે બહારથી આનંદ દર્શાવ્યો અને યુધિષ્ઠિરને અર્ધું રાજ્ય સોપ્યું. પાંડવો ઈન્દ્રપ્રસ્થ નામે એક શહેર વસાવી રાજ્ય કરવા લાગ્યા. એમનાં નીતિ અને પરાક્રમથી થોડા સમયમાં એ રાજ્ય સમૃદ્ધિ પામ્યું. આથી દુર્યોધનની ઈર્ષ્યા વધતી ગઈ. બીજી બાજુથી બળરામની બ્હેન સુભદ્રા[] સાથે અર્જુનનું લગ્ન થવાથી કૃષ્ણનો એમની સાથેનો સંબંધ વધારે ગાઢ થયો. આવી રીતે કેટલાંક વર્ષો વીતી ગયાં. એટલામાં એક દિવસ કેટલાએક રાજાઓ તરફથી એક દૂત શ્રીકૃષ્ણ પાસે આવ્યો. તેણે જણાવ્યું કે મધ્ય દેશમાંથી કૃષ્ણ નીકળી જવાથી જરાસંઘનું બળ અતિશય વધી ગયું છે અને તેણે સેંકડો રાજાઓને જીતીને કેદમાં પૂર્યા છે. હવે તેનો વિચાર એ સર્વે રાજાઓનું બલિદાન કરી પુરુષમેઘ યજ્ઞ કરવાનો છે. એથી એ સર્વે કૃષ્ણનું શરણ ઈચ્છે છે. દૂતના આ સંદેશા પર કૃષ્ણ વિચાર કરતા હતા, એટલામાં યુધિષ્ઠિર તરફથી એક દૂતે આવીને એમને તાબડતોબ ઈન્દ્રપ્રસ્થ આવવા વિનંતી કરી. કૃષ્ણ તરત જ ઈન્દ્રપ્રસ્થ ગયા. યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ કરવાની એમના બંધુ અને મિત્રોએ સલાહ આપી હતી, તે બાબતમાં કૃષ્ણનો અભિપ્રાય પૂછવા રાજાએ કૃષ્ણને તેડાવ્યા હતા.

જરાસંઘ વધ
દિગ્વિજય કર્યા સિવાય રાજસૂય યજ્ઞ નિર્વિઘ્ન થઈ શકશે નહિ એમ વિચારી કૃષ્ણે યુધિષ્ઠિરને જણાવ્યું કે જ્યાં સુધી જરાસંઘ સાર્વભૌમપદ ભોગવે છે ત્યાં સુધી યજ્ઞની આશા રાખી શકાય નહિ; માટે પ્રથમ એની ઉપર વિજય મેળવવો જરૂરનો છે. પછી કૃષ્ણની જ સલાહથી ભીમ, અર્જુન અને કૃષ્ણ જરાસંઘની રાજધાની પ્રત્યે ગયા, અને ત્રણમાંથી કોઈ પણ સાથે મલ્લયુદ્ધ કરવા જરાસંઘને કહેવડાવ્યું. જરાસંઘે ભીમને પ્રતિપક્ષી તરીકે પસંદ કર્યો. આ વખતે એનું વય એંશી વર્ષનું અને ભીમનું પચ્ચાસ વર્ષનું હતું. તોપણ ચૌદ દિવસ સુધી બે જણ વચ્ચે યુદ્ધ ચાલ્યું. છેવટે જરાસંઘ પડ્યો. કૃષ્ણે જરાસંઘના પુત્રનો અભિષેક કર્યો અને કેદ થયેલા રાજાઓને છોડી મુક્યા. આ સર્વે રાજાઓ પાંડવોને અનુકૂળ થઈ ગયા.

જરાસંઘના મરણના સમાચાર સાંભળી એના મિત્ર પૌંડ્રક-વાસુદેવે કૃષ્ણને દ્વંદ્વયુદ્ધનું નિમન્ત્રણ મોકલ્યું. કૃષ્ણે તે તરત જ સ્વીકાર્યું અને યુદ્ધમાં પરાજિત કરી તેનો પ્રાણ લીધો.

રાજસૂય યજ્ઞ
જરાસંઘનું વિધ્ન દૂર થવાથી પાંડવોના રાજસૂય યજ્ઞમાં હવે કાંઈ અડચણ આવે એમ ન હતું. ધર્મરાજાએ સર્વ રાજાઓને નિમન્ત્રણો મોકલ્યાં. બધા રાજાઓ ભેટસામગ્રી લઈ ઈન્દ્રપ્રસ્થમાં આવ્યા. તે પ્રમાણે કૃષ્ણ પણ આવ્યા. પાંડવના મિત્ર તરીકે કૃષ્ણે પૂજન સમયે બ્રાહ્મણોનાં ચરણ ધોવાનું પોતાને માથે લીધું. અંતે યજ્ઞ પૂરો થયો. અવભૃથસ્નાન થયા પહેલાં મહેમાનોની પૂજા કરવાનું કાર્ય શરૂ થયું. પહેલી પૂજા કોની કરવી એ વિષે ધર્મરાજાએ ભીષ્મનો અભિપ્રાય માગ્યો. ભીષ્મે કૃષ્ણને અગ્રપૂજા માટે યોગ્ય ઠરાવ્યા. પાંડવોને તો આ નિર્ણય બહુ જ ગમ્યો. તે પ્રમાણે સહદેવે તરત જ કૃષ્ણની પૂજા કરી. પણ શિશુપાલથી એ સહન થઈ શક્યું નહિ. એણે પાંડવો અને કૃષ્ણની ખૂબ નિન્દા કીધી અને ભીષ્મના નિર્ણય માટે તિરસ્કાર દર્શાવ્યો.
શિશુપાલ વધ
આના ઉત્તરમાં ભીષ્મ બોલ્યો, 'જે ક્ષત્રિય બીજાને જીતી તેને છોડી દે છે તે તેનો ગુરુ છે, જ્ઞાનની અતિશયતાથી બ્રાહ્મણ સર્વમાં પૂજ્ય ગણાય છે, ધનવૃદ્ધત્વથી વૈશ્ય પૂજ્ય ગણાય છે અને વયોવૃદ્ધત્વથી શૂદ્ર પૂજ્ય બને છે. કૃષ્ણ સર્વમાં વયોવૃદ્ધ નથી, પણ એ જ્ઞાનવૃદ્ધ, બલવૃદ્ધ અને ધનવૃદ્ધ છે; તેથી એ જ અગ્રપૂજાને યોગ્ય છે.' શિશુપાલનો રોષ આથી વધારે ઉગ્ર થયો અને કૃષ્ણને મારવા એ શસ્ત્ર ઉગામતો હતો, એટલામાં કૃષ્ણનું ચક્ર એની ગરદન પર ફરી વળ્યું.



  1. અર્જુન ક્ષાત્ર રીતિ પ્રમાણે સુભદ્રાનું હરણ કરી પરણ્યો હતો; પણ એમાં બળદેવનો વિરોધ અને કૃષ્ણની સંમતિ હતી. કૃષ્ણની સંમતિ હોવાથી બળરામે અર્જુનનું એ કૃત્ય સહન કરી લીધું; પણ સુભદ્રા પોતાની સગી બેન હોવા છતાં એમણે અર્જુન જોડે વિશેષ સખ્ય કર્યું નહિ. એનો પક્ષપાત એના શિષ્ય દુર્યોધન પ્રતિ વિશેષ હતો. બીજી બાજુથી કૃષ્ણનો પુત્ર સામ્બ દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કરી પરણ્યો હતો; એટલે કૃષ્ણ અને દુર્યોધન એકબીજાના વેવાઈ હોવા છતાં એમની વચ્ચેનો સંબંધ મીઠો ન હતો. સ્ત્રીના નિમિત્તથી મહાભારતમાં કેટલાં વૈર પ્રગટ થયેલાં જણાય છે એ વિચારવા જેવું છે. કૃષ્ણ અને શિશુપાલ તથા એના મિત્રરાજાઓ વચ્ચેનું વૈર રુક્મિણી નિમિત્તે થયું; કૃષ્ણ અને શતધન્વા વચ્ચેનું વૈર સત્યભામા નિમિત્તે થયું; બળરામનું પાંડવો વિષે વૈમનસ્ય સુભદ્રાના હરણને લીધે ગણાય; દુર્યોધનનો કૃષ્ણ સાથે અણબનાવ લક્ષ્મણાના હરણને લીધે થયો; અને દ્રૌપદી એ મહાભારતના યુદ્ધમાં મોટામાં મોટું નિમિત્તકારણ ગણાય.