રામ અને કૃષ્ણ/કૃષ્ણ/દ્વારિકાપર્વ

← મથુરાપર્વ રામ અને કૃષ્ણ
દ્વારિકાપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
પાંડવપર્વ →





દ્વારિકાપર્વ

દ્વારિકામાં કૃષ્ણે એક સુંદર શહેર વસાવ્યું. પોતાના પિતા વસુદેવનો યાદવોના રાજા તરીકે અભિષેક કર્યો. બળદેવને યુવરાજ ઠરાવ્યા. દશ વિદ્વાન યાદવોનું એક મંત્રીમંડળ નીમ્યું અને બીજા વીર યાદવોને મુખ્ય પ્રધાન, સેનાપતિ વગેરેનાં પદો આપ્યાં. પોતાના ગુરુ સાંદીપનિને ઉજ્જયિનીથી બોલાવી રાજપુરોહિત તરીકે સ્વીકાર્યા. પોતે માત્ર કોઈપણ પદ વિનાના રહ્યા. પણ મુકુટધરનો મુકુટ, પદવીધરોની પદવી અને મંત્રીઓની મંત્રણા એમના જ વડે હતી એ કોઈનું અજાણ્યું ન હતું.

આટલા સમયમાં રુકિમણીના ભાઈ રુકમીના આગ્રહથી ભીષ્મકે શિશુપાળ જોડે રુકિમણીનું લગ્ન નક્કી કર્યું. પણ રુકિમણીએ કૃષ્ણને જ વરવા મનથી નિશ્ચય કર્યો હતો, તેથી એણે પોતાનું હરણ કરી લઈ જવા કૃષ્ણને સન્દેશો મોકલ્યો. કૃષ્ણ તરત જ કુણ્ડિનપુર જવા નીકળ્યા. બળરામને ખબર પડી ત્યારે તે પણ સૈન્ય લઈ ભાઈની મદદે પાછળ ધાયા. વિવાહની પહેલાં, કુળાચાર પ્રમાણે રુક્મિણી કુળદેવીનાં દર્શન કરવા મન્દિરે ગઈ, ત્યાંથી સંકેત મુજબ કૃષ્ણે એને રથમાં બેસાડી લઈ ઘોડા દોડાવી મુક્યા. શિશુપાળ અને એના સહાયક રાજાઓ કૃષ્ણની પાછળ દોડ્યા. પણ એટલામાં બળરામ આવી પહોંચ્યા હતા. તેમણે એ રાજાઓને અટકાવી હરાવ્યા. માત્ર રુક્મી કૃષ્ણની પાછળ પડ્યો. એણે કૃષ્ણને નર્મદા કિનારે પકડી પાડ્યા અને યુદ્ધ માટે આહ્વાન કર્યું. એક બાજુ ભાઈ અને બીજી બાજુ પતિ હોવાથી બન્ને વિષે પ્રીતિવાળી રુક્મિણી ગભરાઈ ગઈ. પોતે તેમજ ભાઈ ઉભયનું રક્ષણ કરવા એણે કૃષ્ણને વિનંતી કરી. બે વચ્ચે લડાઈ ચાલી. રુક્મી ઘાયલ થયો. કૃષ્ણે એને એના જ રથમાં બાંધી પોતાનો રથ દ્વારિકા તરફ દોડાવ્યો. રુક્મી શરમનો માર્યો કુણ્ડિનપુર ગયો જ નહિ, પણ ત્યાં જ રાજ્ય સ્થાપીને રહ્યો. આ બનાવોથી રુક્મી, શિશુપાળ, જરાસંઘ અને એમના મિત્રો દંતવક્ર, શાલ્વ અને પૌણ્ડ્રક-વાસુદેવ કૃષ્ણના કટ્ટા શત્રુ થઈ રહ્યા. રુક્મિણી ઉપરાંત કૃષ્ણને બીજી પણ સ્ત્રીઓ હતી એમ સંભવ છે; પણ એની સંખ્યા વિષે મતભેદ છે. તે સર્વેથી તેમનો પરિવાર મોટો થયો હતો.

નરકાસુર વધ
આ સમયમાં આસામમાં નરકાસુર નામે રાજા રાજ્ય કરતો હતો. તે અત્યંત દુષ્ટ અને ઉન્મત્ત હતો. અનેક દેશની સુંદર સુંદર છોકરીઓનું હરણ કરી તેણે કેદ કરી હતી. તે ગરીબ છોકરીઓને છોડાવવાનો શ્રીકૃષ્ણે વિચાર કરી નરકાસુર ઉપર સ્વારી કરી અને લડાઈમાં તેનો વધ કર્યો. છોકરીઓને બંધનમાંથી મુક્ત કરી, નરકાસુરના પુત્ર ભગદત્તને ગાદીએ બેસાડી, શ્રીકૃષ્ણ દ્વારિકા પાછા આવ્યા.
શિશુપાળનું
આક્રમણ
કૃષ્ણની ગેરહાજરીમાં શિશુપાળે દ્વારિકા પર ચડાઈ કરી હતી. શહેરને તે લઈ તો શક્યો નહિ, પણ એને આગ લગાડીને તેણે પુષ્કળ નુક્સાન કર્યું. કૃષ્ણે આવી દ્વારિકાને વળી પાછી બંધાવી અને એની શોભામાં વિશેષ વધારો કર્યો.