રામ અને કૃષ્ણ/કૃષ્ણ/મથુરાપર્વ

← ગોકુળપર્વ રામ અને કૃષ્ણ
મથુરાપર્વ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
દ્વારિકાપર્વ →




મથુરાપર્વ

ગજવધ
અન્તે હૈયું કઠણ કરી વ્રજવાસીઓએ રામ-કૃષ્ણને અક્રૂર સાથે વિદાય કર્યા. ઠરાવેલે સમયે બે ભાઇઓ અખાડા તરફ જવા નીકળ્યા. રાજા-પ્રજા ઉભય એ ખેલ જોવા ભેગા થયા હતા. મલ્લકુસ્તીમાં જ બે ભાઇનો નાશ થાય એટલીયે કંસને ધીરજ ન હતી. એને કાંઈ ખેલ જોવો નહોતો. એને તો જે તે રીતે રામ-કૃષ્ણના પ્રાણ લેવા હતા. તેથી અખાડાના મંડપના દ્વાર સમ્મુખ આવતાં જ કંસની આજ્ઞાથી એક મ્હાવતે એક મદોન્મત્ત હાથીને કૃષ્ણની સામે દોડાવ્યો. કૃષ્ણે વિજળી જેવી ચપળતા વાપરી પહેલાં હાથીને ખૂબ થકવ્યો અને પછી એનો દાંત જોરથી ઉખાડી નાંખી એ જ દાંતના ફટકાથી એનું માથું ભાંગી નાંખ્યું.
મુષ્ટિક-ચાણુર
-મર્દન
આ પરાક્રમથી કંસના હોશકોશ ઉડી ગયા અને પ્રજાની સહાનુભૂતિ કૃષ્ણને જઈ મળી. કંસના કાવતરા માટે પ્રજા એનો ફિટકાર કરવા લાગી. રમત શરૂ કરવાનો વખત થયો. કંસે જેમતેમ કરીને હિમ્મત પકડી, મુષ્ટિક અને ચાણુર સાથે મલ્લયુદ્ધ કરી પોતાની વિદ્યા દેખાડવાનું રામ અને કૃષ્ણને કહ્યું. રામ અને કૃષ્ણ તો હજુ ૧૭-૧૮ વર્ષનાં બાળક હતાં. મુષ્ટિક અને ચાણુરે અજિંકય મલ્લ તરીકે અત્યાર પહેલાં પ્રસિદ્ધિ મેળવેલી હતી. લોકોને આ યુદ્ધ અયોગ્ય લાગ્યું, પણ બે ભાઇઓએ કાંઈ પણ તકરાર વિના યુદ્ધનું નિમન્ત્રણ સ્વીકાર્યું. મુષ્ટિક સાથે રામ અને ચાણુર સાથે કૃષ્ણ બાઝ્યા. મલ્લો પણ ધર્મયુદ્ધ જ કરવાની મુરાદથી આવ્યા ન હતા. થોડા દાવમાં જ રામ-કૃષ્ણે પોતાના સામોરાનું કપટ કળી લીધું, અને તેમણે પણ બેઉનો યુદ્ધમાં અન્ત જ લાવવાનો નિશ્ચય કર્યો. ઘણો વખત સુધી કુસ્તી ચાલી. છેવટે જોરથી એક મુક્કી મારી કૃષ્ણે ચાણુરને યમપુરીનો માર્ગ દેખાડ્યો. એક બીજો મલ્લ-તોશળ-એની સામે લડવા ઉભો થયો. એની જોડે વળી કૃષ્ણ ભીડ્યા. એટલામાં રામે પણ મુષ્ટિકના પ્રાણ લીધા. એ જોઇને કૃષ્ણે તોશળને ઉંચકીને એવો પછાડ્યો કે પછડાતાં જ તે મરી ગયો.

કંસ-વધ
આ દેખાવ જોઇ કંસ આભો જ બની ગયો અને એકદમ બૂમ પાડી ઉઠ્યો કે આ છોકરાઓને અહીંથી હાંકી કાઢો અને નંદ-વસુદેવને શિક્ષા કરો. પણ એ બોલે એટલામાં તો કૃષ્ણ એના સિંહાસન પાસે જઇ પહોંચ્યા અને એને રંગમંડપમાં પછાડ્યો. તરત જ કંસના પ્રાણ ચાલ્યા ગયા. સભાગૃહ ચપાચપ ખાલી થવા લાગ્યું. કોઈ પણ ક્ષત્રિયે કંસની બાજુ લીધી નહિ. માત્ર કંસનો એક ભાઈ શ્રીકૃષ્ણ સામે ધસ્યો. બળરામે એને પૂરો કર્યો. રામ અને કૃષ્ણ દેવકી-વસુદેવ પાસે પહોંચ્યા અને એમનાં ચરણમાં પોતાનાં મસ્તક મૂક્યાં. જન્મ્યા ત્યારથી આજે જ માતા-પિતા પોતાના પુત્રોને મળ્યાં. જીવલેણ યુદ્ધમાંથી તે સહીસલામત ઉતર્યા હતા. એમના આનંદનો પાર રહ્યો નહિ. આઠે નેત્રોમાંથી લાંબા કાળના વિયોગની સ્મૃતિનાં અને હર્ષનાં આંસુનો પ્રવાહ ચાલ્યો. ચારે છાતીઓ પ્રેમથી ઉછળવા લાગી.
ઉગ્રસેનનો
અભિષેક
સર્વે યાદવોએ ધાર્યું હતું કે શ્રીકૃષ્ણ જ રાજ્યગાદી લેશે, પણ એમણે એમ ન કરતાં કંસના પિતા ઉગ્રસેનને બંધનમાંથી મુક્ત કરી સિંહાસન પર બેસાડ્યા અને કંસનું ઔર્ધ્વદેહિક[] યોગ્ય રીતે પાર પાડ્યું. મથુરાની વ્યવસ્થા થ‌ઇ ગયા પછી રામ ને કૃષ્ણના ઉપવિતસંસ્કાર થયા અને એમને ઉજ્જયનીમાં સાંદીપનિ નામે એક ઋષિને ત્યાં વિદ્યાભ્યાસ કરવાનું થયું. થોડા સમયમાં એમણે વેદવિદ્યા અને ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો અને

ગુરુગૃહે
પોતાની ગુરુભક્તિથી ઋષિને અતિશય પ્રસન્ન કર્યા. જોકે હવે તે પૂર્ણ વૈભવશાળી રજપૂત હતા, તોપણ રાનમાંથી લાકડાં, સમિધા, દર્ભ ઇત્યાદિ આણી આપવા, ગાયનું દૂધ દોહવું, ઢોર ચરાવવાં વગેરે સર્વે પ્રકારની સેવા તેઓ શ્રદ્ધાથી કરતા. ગુરુદક્ષિણા આપી બે ભાઇઓ પાછા મથુરા આવ્યા. મલ્લ તરીકેની એમની ખ્યાતિમાં ધનુર્ધર તરીકેની ખ્યાતિનો વધારો થયો.
  1. મરણ પછીની ક્રિયાઓ
જરાસંધની
ચડાઇ
કંસની બે સ્ત્રીઓ જરાસંધની પુત્રીઓ હતી એમ આગળ કહ્યું છે. પતિના મરણ પછી એ પોતાને પીયેર ગ‌ઇ અને જમાઇના મરણનું વેર વાળવા જરાસંધને ઉશ્કેરવા લાગી. જરાસંધ આ વખતે સર્વ હિન્દુસ્તાનના સર્વભૌમપદે પંહોચેલો હતો. દંતવક્ર, શિશુપાળ, ભીમક વગેરે અનેક રાજાઓ અને રાજકુમારો તેની સાથે મિત્રતા રાખતા હતા. તે સઘળાની મદદથી જરાસંધ એક મોટું સૈન્ય લ‌ઇ મથુરા ઉપર ચડી આવ્યો. બળરામ અને કૃષ્ણના સેનાપતિપણા નીચે યાદવોએ કિલ્લાનું રક્ષણ કરવા માંડ્યું. સત્તાવીશ દિવસ પર્યંત એકસરખું યુદ્ધ ચાલ્યું. અઠ્ઠાવીશમે દિવસે બળરામ કેટલાક વીરો સાથે કિલ્લા બહાર નીકળ્યા અને મગધના સૈન્ય પર તુટી પડ્યા. તે જ વખતે બીજે દરવાજેથી કૃષ્ણ પણ બાહર નીકળી પડ્યા. બન્ને જગએ ભયંકર કાપાકાપી ચાલી. બળરામે જરાસંધના ડિમ્ભક નામના બળવાન મલ્લને માર્યો. છેવટે જરાસંધને ઘેરો ઉઠાવી પાછા ચાલ્યા જવું પડ્યું. એ ગયો તે પાછો આવવાનો જ એમ બધાને ખાત્રી હતી. તેથી યાદવો ગાફલ ન રહેતાં મથુરાના રક્ષણ માટે ઝપાઝપ તૈયારી કરવા લાગ્યા.

જરાસંધની
બીજી ચડાઇ
ધાર્યા પ્રમાણે થોડા વખતમાં જ જરાસંધ પાછો ચડી આવ્યો. આ વખતે કેટલાક અનુભવી યાદવોને એમ લાગ્યું કે ગમે તેટલી વાર જરાસંધ હારે; તોપણ એનું બળ અખૂટ અને યાદવોનું પરિમિત રહ્યું. જરાસંધનો સર્વ ક્રોધ રામ અને કૃષ્ણ પર છે; માટે સારામાં સારો ઉપાય તો રામ અને કૃષ્ણે મથુરા છોડવું એ જ ગણાય.


રામ-કૃષ્ણનો
મથુરાત્યાગ
આવા વિચારથી એ યાદવોએ ભાઇઓને મથુરા છોડવા વિનંતિ કરી. પ્રજાનું હિત જોઇ બે ભાઇઓએ તરત જ એ વિનંતિ સ્વીકારી લીધી અને ક્ષણનો પણ વિલંબ ન કરતાં દક્ષિણમાં કરવીર શહેર આગળ જઈ પહોંચ્યા. ત્યાં એમને પરશુરામનો[] મેળાપ થયો. પરશુરામે એમને આજુબાજુના પ્રદેશની અને રાજકીય સ્થિતિની માહિતી આપી. એમની સલાહથી રામ અને કૃષ્ણ ગોમન્તક પર્વતના શિખર ઉપર રહ્યા.
  1. પરશુરામની હકીકત વિદ્યાર્થીએ શિક્ષક પાસે જાણી લેવી. પરશુરામનું અવતારચરિત્ર, દક્ષિણદેશશોધન, કર્ણને અસ્ત્રવિદ્યાનો ઉપદેશ અને શાપ એ વિષેની વાતો વિદ્યાર્થીએ પૂછી લેવી જોઇયે.
' ગોમન્ત
પર્વતનું યુદ્ધ
રામ-કૃષ્ણ મથુરા છોડી ગયા એ વાતની ખબર પડતાં જરાસંધે એમનો પીછો પકડ્યો. ગોમન્ત પર્વતમાં બે ભાઇઓ સંતાયા છે એવી એને ભાળ પણ લાગી. એમને જીવતા બાળી મુકવાના અથવા લડાઈના મેદાનમાં લડવા માટે આવવા ફરજ પાડવાના ઇરાદાથી શિશુપાળની સલાહથી એણે પર્વતને ચારે ગમથી સળગાવી મુક્યો. ચારે બાજુ ભયંકર અગ્નિ પ્રગટેલો જોઈ, રામ અને કૃષ્ણે પોતાનાં આયુધો લઈ પર્વત પરથી કુદકો મારી જરાસંધના સૈન્ય પર ધસી પડવાનું પસંદ કર્યું. એક શિખરનો આશ્રય લ‌ઇ બન્ને‌એ પોતાની ધનુર્વિદ્યાના પ્રભાવથી જરાસંધના સૈન્યનો સારીપેઠે ઘાણ વાળ્યો. પછી બળરામે હળ અને મુશળથી તથા શ્રીકૃષ્ણે ચક્રથી અનેક વીરોનું કંદન ચલાવ્યું. છેવટે જરાસંધ પરાભવ પામી પાછો ગયો. શ્રીકૃષ્ણ અને બળરામ ગોમન્તક પરથી નીકળી ક્રૌઞ્ચપુર આવ્યા. શિશુપાળનો પિતા દમઘોષ ક્રોઞ્ચપુરનો રાજા અને કૃષ્ણનો ફુઓ થતો હતો. તેણે બે ભાઇઓનો સારો સત્કાર કર્યો અને કેટલુંક સૈન્ય આપી તેમને મથુરા રવાના કર્યા.
મથુરાનિવાસ
રસ્તામાં શૃંગાલ નામે એક રાજાએ દ્વંદ્વયુદ્ધ માટે કૃષ્ણને આહ્‌વાન કર્યું અને તેમાં તે હાર્યો. મથુરા પહોંચતાં જ મથુરાવાસીઓએ શ્રીકૃષ્ણ અને રામનું ખૂબ ગાજતેવાજતે સ્વાગત કર્યું. આ પછીનાં બે ત્રણ વર્ષો આનંદમાં ગયાં. આ સમયમાં જ કૃષ્ણને પોતાની ફ‌ઇ કુન્તીના છોકરાઓ-પાંડવો-સાથે ઓળખાણ થઈ અને એમના પર કૃષ્ણની પ્રીતિ બેઠી. જોકે અર્જુન કૃષ્ણ કરતાં લગભગ અઢાર વર્ષે નાનો હોવાથી આ વખતે તે માત્ર પાંચ-છ વર્ષનો જ હતો, તોપણ એ કૃષ્ણનું ખાસ પ્રીતિનું પાત્ર થઈ પડ્યો. એ પ્રીતિસંબંધ દિવસે દિવસે વધતો જ ગયો અને આગળ જતાં કૃષ્ણ અને અર્જુન બન્ને ગાઢ સખા થઇ રહ્યા. આ સમયમાં બળરામ પણ એકવાર ગો'કુળ જ‌ઇ આવી વ્રજ-વાસીઓને મળી આવ્યા.
રુકિમણી
સ્વયંવર
આ પછી વિદર્ભના રાજા ભીષ્મકે પોતાની દીકરી રુકિમણીનો સ્વયંવર રચ્યો. એમાં એણે અનેક રાજાઓને નિમન્ત્રણ મોકલ્યું હતું, પણ યાદવોને હલકા કુળના ક્ષત્રિયો ગણી ટાળ્યા હતા. આથી તે સમયના રિવાજ પ્રમાણે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરવા યાદવ સૈન્ય સાથે કુણ્ડિનપુર દોડ્યા. આવ્યા એટલે પ્રીતિથી કે બ્હીકથી ભીષ્મકને કૃષ્ણનું સ્વાગત કર્યા વિના ચાલ્યું નહિ; પણ આથી જરાસંધ, શિશુપાળ વગેરે રાજાઓ રીસાઇ ગયા, અને કુણ્ડિનપુર છોડી પોતપોતાને દેશ ચાલ્યા ગયા. એથી સ્વયંવર જ્યાંનો ત્યાં રહ્યો અને કૃષ્ણ પણ મથુરા પાછા ફર્યા.
મથુરા પર
પુન:આક્રમણ
પણ કૃષ્ણને લીધે જ સ્વયંવરમાંથી જરાસંધ, શિશુપાળ વગેરે મુકુટધારી રાજાઓને પાછા જવું પડ્યું તેનું એમને બહુ અપમાન લાગ્યું. એનો બદલો વાળવા તેમણે મથુરા ઉપર ફરીથી ચડાઈ કરવા નિશ્ચય કર્યો. એમણે પશ્ચિમ તરફથી કાલયવનને પણ બોલાવ્યો અને બે બાજુથી યાદવોના રાજ્ય પર હલ્લો કરવાની તથા મથુરાને ઘેરવાની તૈયારી કરી. સામટા બે શત્રુઓ સામે લડવાની યાદવોની હિમ્મત ન હતી. તેઓ ગભરાઈ ગયા. આથી બધી સ્થિતિનો વિચાર કરી શ્રીકૃષ્ણે મથુરાને તેમજ યાદવોને આ ત્રાસમાંથી કાયમને માટે છોડાવવા એવો નિર્ણય કર્યો કે યાદવોએ મથુરા છોડી દ‌ઇ આનર્ત ( કાઠીયાવાડ ) દેશમાં એક નવું શહેર વસાવવું. આમ કરવામાં કૃષ્ણનો બીજો ઉદ્દેશ એ પણ હતો કે પશ્ચિમ બાજુથી સમુદ્રરસ્તે હિન્દુસ્તાનમાં કોઇ પેસી શકે નહિ એવો ચોકીપહેરો રાખનાર એક રાજ્ય સ્થાપવું. કૃષ્ણનો નિર્ણય સર્વે‌એ પસંદ કર્યો. વગરઢીલે યાદવો મથુરા છોડી ગયા. દ્વારિકા આગળ સર્વે‌એ ઉતારા નાંખ્યા. પછી ત્યાં આગળ એક કોટ બાંધવાની વ્યવસ્થા કરી, કૃષ્ણ કાલયવનની ખબર લેવા મથુરા તરફ પાછા ફર્યા. ધોળપુર પાસે કૃષ્ણ અને કાલયવનનો ભેટો થયો. શ્રીકૃષ્ણે કાલયવનના સૈન્યને ધોળપુરના ડુંગરામાં લ‌ઇ જ‌ઇ એક અડચણવાળી જગામાં ફસાવ્યું. આથી ક્રોધે ભરાઈ કાલયવન એકલો જ કૃષ્ણની પાછળ પડ્યો. કૃષ્ણ એક ગુફામાં સંતાઇ ગયા. ગુફામાં મુચકન્દ નામે કોઇ ઘરડો રાજર્ષિ ઉંઘતો હતો. એને એવું વરદાન હતું કે જે એની નિદ્રાનો ભંગ કરે તે ભસ્મ થ‌ઇ જાય. કાલયવન ગુફામાં પેઠો અને મુચકન્દને કૃષ્ણ ધારી લાત મારી. તેવોજ મુચકન્દ જાગી ઉઠ્યો અને કાલયવન ભસ્મ થયો. કાલયવનના મરણથી એની સેના અવ્યવસ્થિત થઈ ગ‌ઇ અને કૃષ્ણે તેનો સહેલાઈથી પરાભવ કર્યો. પોતાની રથાદિ સર્વ સંપત્તિ છોડીને તેમને નાસવું પડ્યું. કૃષ્ણ તે સંપત્તિ લઈ દ્વારિકા આવ્યા. યાદવોએ મથુરાનો ત્યાગ કીધાથી જરાસંઘને પણ ચડાઈ અટકાવવી પડી અને પોતાને દેશ પાછા જવું પડ્યું.