કલાપીનો કેકારવ/મહાત્મા મૂલદાસ
← ના ચાહે એ | કલાપીનો કેકારવ મહાત્મા મૂલદાસ કલાપી |
સીમા → |
કીર્તિ વિશે (એક ઐતિહાસિક કથા) |
મહાત્મા મૂલદાસ
કીર્તિ વિશે (એક ઐતિહાસિક કથા)
શાર્દૂલવિક્રીડિત
તારાનાં ઝુમખાં વતી રજનીનો અન્ધાર દેખાય છે,
શાન્તિ છે સહુ સ્થાનમાં પણ અહીં કૂવા કને કોણ છે?
ઓહો! કોણ હશે અહીં વન મહીં નિઃશ્વાસ આ મૂકતું,
જેના શબ્દથી વૃક્ષથી ઘૂવડ આ ઘૂઘૂ કરી ઊડતું?
અનુષ્ટુપ
સ્ત્રી છે તે દુઃખિયારી કો, જીવવું ગમતું નથી!
આવી છે આ કુવા માંહી પડીને દેહ પાડવા!
વસંતતિલકા
બોલી ન કાંઈ પણ ઊભી નવાણ પાસે,
કૂવા મહીં નઝર એ સુખથી કરે છે;
સૌંદર્ય કૈં મરણના મુખમાં હશે શું?
હા! કામી એ તરફડશે મરતાં નહીં શું?
અનુષ્ટુપ
દૃઢ સંકલ્પથી ના હૈયું હામ ધરી શકે?
અન્ધારામાં બ્હીનારૂં તે કૂવામાં સુખથી પડે?
વસંતતિલકા
'હાં હાં' થયો પણ ધ્વનિ કંઈ પાસ તેની,
ને હસ્ત કો પુરુષના કરથી ઝલાયો;
એ બાઈ બોલી, નવ કૈં તુજને નડું હું,
માલેક છું મુજ શરીરની! ભાઈ જા તું!'
અનુષ્ટુપ
કૂવાથી દૂર ખેંચીને બાઈને પુરુષે કહ્યું,
'સાંભળી લે જરા! બાઈ! ફાવે તે કર તું પછી!
શાર્દૂલવિક્રીડિત
'માલેક તુજ ઝિન્દગી તણી અરે! તું એકની હોય ના,
'ભાગી કૈંક હશે, અને નહિ હશે ત્હોયે થયું શું ભલા?
'જેનું કોઈ નહીં અરે! જગત આ આખુંય તેનું નકી,
'ન જેનું જગત તે જરૂર જગનું, પોતાનું કોઈ નહીં.'
અનુષ્ટુપ
નમી તે બાઈ પિછાની બાવા એ મૂળદાસને,
આંખમાં અશ્રુ આવ્યાં,ને બોલી ધીમે ઉભી થઈ.
ઇન્દ્રવજ્રા
'જીવિત આ થયું છે મને કટુ!
'મરણની ન કાં ઔષધિ લઉં?
'ન મુજ વિશ્વ ને વિશ્વની ન હું,
'દિલ ન મૃત્યુથી આ નિવારવું!'
અનુષ્ટુપ
કહે બાવો, 'અરે! કાંઈ વાત તો દુઃખની હશે!
'જડે ના માર્ગ કાંઈ તો કોઈને પૂછવું ઘટે.'
મંદાક્રાંતા
'શું બોલું હું? નથી કાંઈ રહ્યો સાર એ વાત માંહીં,
'હું જીવું તો મુજ પ્રિય મરે એ જ છે વાત મ્હારી !
'શાને રોકો? વખત વહતો ! ઠેરશે ના જનારૂં !
'શું બોલું રે? કહીશ કદિ ના પાપ વ્હાલા તણું હું.'
અનુષ્ટુપ
'પાપીને પાપ કીધાથી પાપમાં વધુ નાખ તું,
'કહે સાચું, અરે બાઈ! મરવા તો નહીં દઉં.'
શાર્દૂલવિક્રીડિત
'હું તો છું વિધવા અને કુલ વળી છે નીચ મ્હારૂં પિતા!
'રે રે! એક વણિક જોઈ મુજને કૈં મોહ માંહી પડ્યો!
'સાથે કૈંક દિનો ગયા, જગત કૈં તે જાણતું ના હતું,
'કિન્તુ પાપ તણો ભરાઈ ફુટતો, બાપુ! ઘડો આખરે.
અનુષ્ટુપ
'ગર્ભવતી થતાં હું તે પડોશી સમજી ગયાં,
'ન્યાયને બારણે તેથી મ્હારે તો ચડવું પડ્યું.
વસંતતિલકા
'કાલે થશે જરૂર રે! ઇનસાફ તેનો,
'ને નામ એ વણિકનું ક્યમ દેઉ હું તો?
'એ બોલતાં જરૂર એ નવ જીવ રાખે,
'એનું થતું મરણ એ ક્યમ જોઉં આંખે?
અનુષ્ટુપ
'ગર્ભનું બાલ આ ને હું તેથી, બાપુ ! મરી જશું;
'જીવવાને કહેશો ના! શું છે ના મરવું ભલું?'
શાર્દૂલવિક્રીડિત
વિચારી મૂળદાસ આમ વદતો ધીમે દયાથી ગળી,
'ના, ના, બાઈ! મરીશ ના, જીવિતનો છે માર્ગ ખુલ્લો અહીં;
'જે દીવો ન ઓલવાય કદિ તે ફૂંકે ન બુઝાવવો,
'લેજે તું મુજ નામ ને થઈશ હું સુખે પિતા બાલનો."
અનુષ્ટુપ
'અરેરે! કેમ એ થાશે? ત્હમારૂં નામ શે લઉં?
'કેમ હું કૂડનો ડાઘો ત્હમારી કીર્તિને દઉં?'
શાર્દૂલવિક્રીડિત
'કીર્તિને સુખ માનનાર સુખથી કીર્તિ ભલે મેળવો,
'કીર્તિમાં મુજને ન કાંઈ સુખ છે, ના લોભ કીર્તિ તણો;
'પોલું છે જગ ને નકી જગતની પોલી જ કીર્તિ દિસે,
'પોલું આ જગ શું થતાં જગતની કીર્તિ સહેજે મળે.
શાર્દૂલવિક્રીડિત
'એ પોલાણ ત્યજી જનાર કદિ એ લોકો ન જોઈ શકે;
'દેખે નેત્ર ભલે પરન્તુ ગ્રહણે ના સૂર્ય ઝાંખો પડે.
અનુષ્ટુપ
'તુચ્છ એ કીર્તિને માટે ના ના ખૂન થવા દઉં,
'સહેશે સુખથી ડાઘો નામ આ મૂળદાસનું.'
વસંતતિલકા
તે બાઈના હૃદયનાં પડ ઉઘડ્યાં સૌ,
આભારની છલકમાં દિલ ભાન ભૂલ્યું;
જોઈ શકી ઝળક સૂર્યની ડાઘ માંહીં,
કૈં પામતાં મહત એ દિલની પ્રસાદી.
અનુષ્ટુપ
થયાં એ બેય જૂદાં ને ઇનસાફે થઈ ગયો,
મહાત્મા જૂઠ બોલ્યો, ને સ્ત્રી સાથે વનમાં રહ્યો.
શાર્દૂલવિક્રીડિત
હાહાકાર થઈ રહ્યો દિવસ તે આખો બધે ગામમાં,
ઘેરેઘેર થતી હતી મશ્કરી ને વાત બાવા તણી;
તેને જે પૂજતાં હતાં જન સહુ ધિક્કાર તે આપતાં,
ભિક્ષા એ નવ માગતાં મળતી ને ભૂખે દિનો કૈં જતા.
અનુષ્ટુપ
ભાઈ ને બ્હેન જેવાં એ બાવો ને બાઈ એક દી,
મઠમાં એ જ બીનાની વાત કૈં કરતાં હતાં,
'કોઈ તે સૂણતું'તું, ને હર્ષાશ્ચર્ય વિષે પડ્યું;
ને એ બોલી ગયું ધીમે, 'સત્યનો બેલી છે પ્રભુ.'
માલિની
ચણભણ પછી ચાલી વાત કૈં ગામ માંહીં,
જનહૃદય પડ્યાં સૌ કાંઈ શંકા મહીં, ને
જનપદ ફરી લાગ્યા આવવા તે જગાએ,
ભજન પણ ગવાતાં રાત્રિએ ત્યાં ફરીને.
અનુષ્ટુપ
અન્ધારે સત્ય ડૂબ્યું તે આવતું તરી આખરે,
પરન્તુ કાંઈ એ તેની ચિન્તા ના મૂળદાસને.
૨૭-૫-૧૮૯૬