← અધ્યાય બીજો ગીતાધ્વનિ
અધ્યાય ત્રીજો: કર્મસિદ્ધાંત: અર્જુનનો ખેદ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય ચોથો →




અધ્યાય ૩ જો
કર્મ સિદ્ધાન્ત


અર્જુન બોલ્યા--
 જો તમે માનતા એમ, કર્મથી બુદ્ધિ તો વડી,
તો પછી ઘોર કર્મોમાં જોડો કેમ તમે મને? ૧

 મિશ્રશાં વાક્યથી, જાણે, મૂંઝવો મુજ બુદ્ધિને;
 તે જ એક કહો નિશ્ચે, જે વડે શ્રેય પામું હું. ૨

 શ્રી ભગવાન બોલ્યા—
બે જાતની કહી નિષ્ઠા આ લોકે પૂર્વથી જ મેં;
સાંખ્યની જ્ઞાનયોગે ને યોગીની કર્મયોગથી. ૩

કર્મ ન આદરે તેથી નિષ્કર્મી થાય ના જન;
ન તો કેવળ સંન્યાસે મેળવે પૂર્ણ સિદ્ધિને. ૪

 રહે ક્ષણેય ના કોઈ ક્યારે કર્મ કર્યા વિના;
 પ્રકૃતિના ગુણે સર્વે અવશે કર્મ આચરે. ૫

રોકી કર્મેન્દ્રિયો રાખે, ચિત્તમાં સ્મરતો રહે
વિષયોને મહામૂઢ – મિથ્યાચાર ગણાય તે. ૬


મનથી ઈંદ્રિયો નીમી આસક્તિવિણ આચરે,
કર્મેન્દ્રિયે કર્મયોગ, તે મનુષ્ય વિશેષ છે. ૭

નીમેલાં કર કર્મો તું, ચડે કર્મ અકર્મથી;
ન તારી દેહયાત્રાયે સિદ્ધ થાય અકર્મથી. ૮

વિના યજ્ઞાર્થ કર્મોથી આલોકે કર્મબંધન
માટે આસક્તિને છોડી યજ્ઞાર્થે કર્મ આચર. []

યજ્ઞ સાથ પ્રજા સર્જી બ્રહ્મા પૂર્વે વદ્યા હતા:--
“વધજો આ થકી, થાજો તમારી કામધેનુ આ ૧૦

દેવોને રીઝવો આથી, રીઝવો તમનેય તે;
અન્યોન્ય રીઝવી એમ, પરમ શ્રેય મેળવો. ૧૧

રીઝેલા યજ્ઞથી દેવો આપશે ઇષ્ટ ભોગને;
તેઓ દે, તેમને ના દે, તેવો ખાનાર ચોર છે. ” ૧૨

યજ્ઞશેષ જમી સંતો છૂટે છે સર્વ પાપથી
પોતા માટે જ જે રાંધે, તે પાપી પાપ ખાય છે. [] ૧૩

અન્નથી ઊપજે જીવો; વૃષ્ટિથી અન્ન નીપજે;
 યજ્ઞથી થાય છે વૃષ્ટિ; કર્મથી યજ્ઞ ઉદ્ ભવે; ૧૪

બ્રહ્મથી ઊપજ્યું કર્મ; બ્રહ્મ અક્ષરથી થયું;
સર્વવ્યાપક તે બ્રહ્મ આમ યજ્ઞે સદા રહ્યું. [] ૧૫

લોકે આવું પ્રવર્તેલું ચક્ર જ ચલવે નહીં,
ઇંદ્રિયારામ તે પાપી વ્યર્થ જીવન ગાળતો. ૧૬


આત્મામાં જ રમે જેઓ, આત્માથી તૃપ્ત જે રહે,
આત્મામાંહે જ સંતુષ્ટ, તેને કો’ કાર્ય ના રહ્યું. ૧૭

કરે કે ન કરે તેથી તેને કો’ હેતુ ના જગે;
કોઈયે ભૂતમાં તેને કશો સ્વાર્થ રહ્યો નહીં. ૧૮

તેથી થઈ અનાસક્ત આચર કાર્ય કર્મને, []
અસંગે આચરી કર્મ શ્રેયને પામતો નર. ૧૯

કર્મ વડે જ સંસિદ્ધિ મેળવી જનકાદિએ;
લોકસંગ્રહ પેખીયે તને તે કરવાં ઘટે. ૨૦

શ્રેષ્ઠ લોકો કરે જે જે , તે જ અન્ય જનો કરે;
તે જેને માન્યતા આપે, તે રીતે લોક વર્તતા. ૨૧

ત્રણે લોકે મ’ને કાંઈ બાકી રહ્યું નથી;
અપામ્યું પામવા જેવું , તોયે હું વર્તું કર્મમાં. ૨૨

કદાચે જો પ્રવર્તું ના કર્મે આળસને ત્યજી,
અનુસરે મનુષ્યોયે સર્વથા મુજ માર્ગને. ૨૩

પામે વિનાશ આ સૃષ્ટિ જો હું કર્મ ન આચરું;
થાઉં સંકરનો કર્તા, મેટનારો []પ્રજાતણો. ૨૪
 
જેમ આસક્તિથી કર્મ અજ્ઞાની પુરુષો કરે;
તેમ જ્ઞાની અનાસક્ત, લોકસંગ્રહ ઇચ્છતો. ૨૫

કર્મે આસક્ત અજ્ઞોનો, કરવો બુદ્ધિભેદ ના;
જ્ઞાનીએ આચરી યોગે શોધવાં સર્વ કર્મને. ૨૬


પ્રકૃતિના ગુણોથી જ સર્વે કર્મો સદા થતાં,
અહંકારે બની મૂઢ માને છે નર, ‘હું કરું.’ ૨૭

ગુણકર્મ વિભાગોના તત્ત્વને જાણનાર તો
‘ગુણો વર્તે ગુણોમાંહી’—જાણી આસક્ત થાય ના. ૨૮

પ્રકૃતિના ગુણે મૂઢ ચોંટે છે ગુણ કર્મમાં;
તેવા અલ્પજ્ઞ મંદોને જ્ઞાનીએ ન ચળાવવા. ૨૯

મારામાં સર્વ કર્મોને અર્પી અધ્યાત્મબુદ્ધિથી,
આશા ને મમતા છોડી, નિર્વિકાર થઈ લડ. ૩૦

મારા આ મતને માની વર્તે જે માનવો સદા,
શ્રદ્ધાળુ, મન નિષ્પાપ, છૂટે તેઓય કર્મથી. ૩૧

મનમાં પાપ રાખી જે મારા મતે ન વર્તતા,
સકલજ્ઞાનહીણા તે અબુદ્ધિ નાશ પામતા. ૩૨

જેવી પ્રકૃતિ પોતાની જ્ઞાનીયે તેમ વર્તતો;
સ્વભાવે જાય છે પ્રાણી, નિગ્રહે કેટલું વળે? ૩૩

ઇન્દ્રિયોને સ્વાર્થોમાં રાગ ને દ્વેષ જે રહે,
તેમને વશ થાવું ના, દેહીના વાટશત્રુ તે. ૩૪

રૂડો સ્વધર્મઊણોયે સુસેવ્યા પરધર્મથી;
સ્વધર્મે મૃત્યુયે શ્રેય, પરધર્મ ભયે ભર્યો. ૩૫


અર્જુન બોલ્યા--
તો પછી નર કોનાથી પ્રેરાઈ પાપ આચરે,--
ન ઇચ્છતાંય, જાણે કે હોય જોડાયેલો બળે? ૩૬

શ્રીભગવાન બોલ્યા--
એ તો કામ તથા ક્રોધ,[] જન્મ જેનો રજોગુણે,
મહાભક્ષી મહાપાપી, વેરી તે જાણજે જગે. ૩૭

ધુમાડે અગ્નિ ઢંકાય, રજે ઢંકાય દર્પણ,
ઓરથી ગર્ભ ઢંકાય,તેમ જ જ્ઞાન કામથી. ૩૮

કામરૂપી મહાઅગ્નિ, તૃપ્ત થાય નહીં કદી,
તેનાથી જ્ઞાન ઢંકાયું,જ્ઞાનીના નિત્યશત્રુ તે. ૩૯

ઇન્દ્રિયો, મન ને બુદ્ધિ, કામનાં સ્થાન સૌ કહ્યાં;
તે વડે જ્ઞાન ઢાંકી તે પમાડે મોહ જીવને. ૪૦

તે માટે નિયમે પ્હેલાં લાવીને ઇન્દ્રિયો બધી,
જ્ઞાનવિજ્ઞાનઘાતી તે પાપીને કર દૂર તું. ૪૧

ઇન્દ્રિયોને કહી સૂક્ષ્મ, સૂક્ષ્મ ઇન્દ્રિયથી મન,
મનથી સૂક્ષ્મ છે બુદ્ધિ, બુદ્ધિથી સૂક્ષ્મ તે[] રહ્યો. ૪૨

એમ બુદ્ધિપરો જાણી, આપથી આપ નિગ્રહી,
દુર્જય કામરૂપી આ વેરીનો કર નાશ તું. ૪૩


  1. [આચર: ગીતામાં આને બદલે ઘણું ખરું સમાચર શબ્દ છે તે ગુજરાતીમાં મૂકી શકાયો નથી. એટલે ‘આચર’નો અર્થ માત્ર ‘કરવું એમ ન સમજવો, પણ સારી રીતે કરવું(જુઓ ૩-૨૬ પણ)’]
  2. [યજ્ઞશેષ: યજ્ઞની પ્રસાદી. પાપ: આ શબ્દ અહીં લગભગ વિષ્ટાસૂચક છે.]
  3. [બ્રહ્મ= મહત્ તત્ત્વ, ચિત્ત; પ્રકૃતિનો પહેલો વિકાર. અક્ષર= આત્મા. પંક્તિ બીજીમાં બ્રહ્મ= આત્મા. ]
  4. [કાર્યકર્મ: કર્તવ્યરૂપ કર્મ]
  5. [મેટનારો—ઉપહન્ માટે ‘મેટવું’ શબ્દ વાપર્યો છે.]
  6. [શ્લોક૩૪માં અહીં રાગદ્વેષ શબ્દ છે, તે જ અર્થમાં કામક્રોધ સમજવા. મહાભક્ષી: મોટો ખાઉધરો. ]
  7. [તે: કેટલાક આનો અર્થ ‘આત્મા’ કરે છે; કેટલાક ‘કામ’ મને બીજો ઠીક લાગે છે.]