રાઈનો પર્વત/અંક છઠ્ઠો/ પ્રવેશ ૨ જો

←  અંક છઠ્ઠો: પ્રવેશ ૧ રાઈનો પર્વત
અંક છઠ્ઠો: પ્રવેશ ૨
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક છઠ્ઠો: પ્રવેશ ૩ →


પ્રવેશ ૨ જો

[જગદીપ અને દુર્ગેશ વાતો કરતા પ્રવેશ કરે છે. ]

દુર્ગેશ : તે પછી તમે એને દીઠી જ નથી?
જગદીપ : ફક્ત એકવાર દીઠી છે. હોડીનો એ અકસ્માત બન્યો તે દિવસે હું કોટ બહાર આવ્યો, પછી તરત નદી પરનો ઝૂલતો ઝાંપો તૂટ્યો હતો ત્યાંથી સાંધી લેવામાં આવ્યો. સાંજ સુધી હું ત્યાં રહ્યો, પણ કોઈ જણાયું નહિ. જે ચંબેલીના છોડ આગળથી હોડી પ્રથમ ડૂબતી મારી નજરે પડી હતી ત્યાં બીજે દિવસે સવારે મોટો મગરમચ્છ મરેલો પડ્યો હતો. તે જોવા એ યુવતી પરિચારિકાઓ સાથે બહાર આવી હતી. આઘેથી તેમને જોઈ તેમને
પાછા ફરવાના માર્ગ પર આવેલા શિવાલયના ઓટલા પર જઊને હું બેઠો. પાસે અવતાંપરિચારિકાઓએ મને જોઈ મારા ભણી રોષભરી દૃષ્ટિ કરી.
દુર્ગેશ : અને એ યુવતીએ ?
જગદીપ : એ તો

(ઈન્દ્રવિજય)

ચાલી ગઈ મુજ આગળથી મુખ રાખિ નિચું, હઇયું ઉભરાતું,
થોભિ અગાડિ જઈ લટને અમથી જ સમારિ કરી મુખ પાછું;
ને જરિ ચોરવિ દૃષ્ટિ કરી મુજ સામિ, પછી, મુખને મલકાવ્યું,
પાછિ ફરી પછિ ચાલિ ગઈ, દઈ સંશય-શું કંઈ સ્વપ્ન જ આવ્યું ? ૭૦

દુર્ગેશ : અને, હવે સ્વપ્નાવસ્થા ચાલે છે કે સંશયાવસ્થા ?
જગદીપ : મારી વિહ્વલતા હાસ્યપાત્ર ભાસતી હશે, પણ તેનો ઉપાય એ યુવતીના પુનર્દર્શન વિના બીજો એકે નથી.
દુર્ગેશ : એનું નામ કાંઈ જાણવામાં આવ્યું ?
જગદીપ : એના નામથી શબ્દથી મારા કર્ણ ધન્ય થયા નથી. એની એક પરિચારિકાનું નામ લેખા છે.
દુર્ગેશ : સ્વામીથી સેવક ઓળખાય કે સેવકથી સ્વામી ઓળખાય ?
જગદીપ : જગતના બધાં સિદ્ધાંતો મારી સ્મૃતિમાંથી ખસી ગયા છે. મને યાદ આવે છે કે લેખાએ એને 'કુંવરીબા' કહી હતી.
દુર્ગેશ : 'કુંવરીબા'? અહીં તો કોઈ કુંવરી નથી. પર્વતરાયને પ્રથમનાં રાણીથી એક કુંવરી હતી. તે તો કેટલાંક વર્ષ પર કાંઈ ભેદભરેલી રીતે ગુજરી ગઈ. અને 'કુંવરી' કહેવાય એવી કોઈ બાલા અહીં છે જ નહિ.
જગદીપ : ત્યારે આ મહેલમાં કોણ રહે છે ?
દુર્ગેશ : એ મહેલમાં કોઈ કાયમ રહેતું નથી. એ મહેલ
રાણીસાહેબના ખાસ તાબામાં છે, અને તેઓ કોઈ વખત અહીં આવે છે. એમની રજા સિવાય કોઈ એ મહેલમાં જઈ શકતું નથી. એ મહેલની વ્યવસ્થા અને ખર્ચ પણ લીલાવતીને હસ્તક છે. મંત્રીશ્વરને પણ એ સંબંધે કાંઈ વ્યવહાર કરવાનો નથી; બધું લીલાવતી જ કરે છે. એ યુવતી તે લીલાવતી તો નહિ જ?
જગદીપ : બેશક નહિ. એનું વય લીલાવતીથી કાંઇક ઓછું છે, પણ એનું સૌન્દર્ય લીલાવતીથી સહસ્ત્રગણું વધારે છે. લીલાવતીને મેં જોઈ ત્યારે તેનું સૌન્દર્ય મને અનુપમ લાગેલું, પરંતુ હવે મને સમજાયું કે ઉપમાનોના વિશાળ સંગ્રહનો ચિત્તમાં સંચય કર્યા વિના 'અનુપમ', 'અતુલ્ય', 'અપૂર્વ', સર્વોત્કૃષ્ટ', 'અલૌકિક' એવાં વિશેષણો વાપરવા એ માત્ર મૂર્ખતાનો આડંબર છે; પણ એ અજ્ઞાત સુન્દરીનું વર્ણન કરવા માટે વિશેષણ કે ઉપમાનોની જરૂર જ નથી.

શું ધરતી કે શું પાણિ કે શું પવન કે શું માનવી,
જે જે ઘડીએ ધન્ય થાતું એહના સંસર્ગથી
તે તે ઘડીએ દાખવે સૌન્દર્ય પોતાનું ઉંડુ,
ને તૂટતો સંસર્ગ જ્યાં કદ્રપ ત્યાં તે થઇ જતું. ૭૧

એ નિશાની એને ઓળખવાને બસ છે.

દુર્ગેશ : એવી કોઇ સ્ત્રી આ દેશમાં વસતી હોવાનું કમલા જાણે છે કે કેમ તે હું પૂછી જોઈશ. પુરુષોને ખબર ન હોય, પણ સુન્દર સ્ત્રીની સ્ત્રીઓને ખબર ન હોય એમ બનતું નથી. પણ અત્યારે આપણે બન્ને તપાસ કરીએ. કોઈ નોકર ચાકરો મહેલના કોટમાં જતા આવતા નજરે પડ્યા છે?

જગદીપ : બીજી વાર એ સુન્દરી જોઈ ત્યાર પછી હું મહેલને ચારે તરફ ફરી વળ્યો છે. પાંચ દિવસથી એ પ્રદક્ષિણા કરું છું. તરાપો બનાવી તે પર નદી ઓળંગી બન્ને પારના કોટના એકેએક દ્વાર આગળ વાટ જોઈ બેઠો છું, પણ કોઈ દ્વાર ઊઘડતું નથી ને કોઈ માણસ નીકળતું નથી કે પેસતું નથી. માત્ર અત્યારે કોટાનું આ મુખ્ય દ્વાર ઊઘડે છે, તેમાંથી અંદર રહ્યું રહ્યું કોઈ એક રાતી ગાયને બહર કાઢે છે ને એક રબારી બહારથી દરવાજા આગળ આવે એ ગાયને ચરાવવા લઈ જાય છે. સાંજે તે ગાયને પાછી દરવાજા આગળ લઈ આવે છે ત્યારે દરવાજો ઉઘડે છે. દરવાજા આગળ અંદરથી કોણ આવે છે તે જણાતું નથી, અને રબારી દરવાજાથી આઘો ઊભો રહે છે.
દુર્ગેશ : રબારી સવારે ક્યારે આવે છે ?
જગદીપ : હવે વખત થયો છે, અને તે જ માટે હું આ તરફ આવ્યો છું. સવારસાંજ દરવાજો ઊઘડતો જોવાનો સંતોષ મેળવું છું.
દુર્ગેશ : એથી કાંઈ વધારે સંતોષ મેળવવાનો માર્ગ કદાચ એ પ્રસંગે જડી શકશે.
જગદીપ : શી રીતે ?
દુર્ગેશ : એ યુવતીના દૃષ્ટિપાત અને સ્મિતનો જે વિભ્રમ તમે વર્ણવ્યો તે પરથી જણાય છે કે એનું હ્રદય તમારામાં આસક્ત થયું હોવું જોઈએ, અને એ પણ તમારા દર્શન માટે ઉત્કંઠિત થઈ હોવી જોઈએ.
જગદીપ : એવાં અનુમાન બાંધ્યાથી શું હાથમાં આવ્યું.
દુર્ગેશ : પ્રેમમાં પણ ધીરજ વિના ચાલે તેમ નથી. અનુમાન બાંધ્યાથી તો સ્વર્ગનો માર્ગ પણ હાથ લાગે છે. તમે
ઉત્કંઠિત થઈ બહાર ફરતા હશો એમ પણ એ યુવતી ધારતી હોવી જોઈએ. અને, માત્રા આજ દ્વાર ઉઘડે છે અને તેમાંથી આ ગાય બહાર આવે છે એ સ્થિતિ તો એ જાણતી જ હોવી જોઈએ. તો એ ગાય બહાર આવવાના પ્રસંગે એ કાંઇ સંદેશ મોકલવાનો પ્રયત્ન કરે એમ કેમ ન બને?
જગદીપ : જુઓ પેલો રબારી આવે છે ને દરવાજા તરફ જાય છે.
[રબારી આધેથી પ્રવેશ કરે છે.]
 

પેલો દરવાજો ઊઘડ્યો, અને ગાય બહાર આવી, દરવાજો પાછો વસાઈ પણ ગયો.

દુર્ગેશ : ગાય રળિયામણી દેખાય છે. એને ગળે કોડીઓની માળા બાંધેલી છે. ચાલો,આપણે એ ગાય ને રબારી પાસે જઈએ.
[બન્ને તે તરફ જાય છે]
 
દુર્ગેશ : રામ રામ ! ભાઈ રાયકા !
જગદીપ : રામ રામ.
દુર્ગેશ : અમે આ ગાયને જરાક પરસાદ ખવડાવીએ ? અમે ક્યારના લાલ ગાય ખોળીએ છીએ.
રબારી : ખવરાવોને. રાંધ્યું ખાધાનો તો ઇ ને ધખારો સે. (ડાંગ પર મોઢું ટેકવીને ઊભો રહે છે.)
દુર્ગેશ : (ભાથામાંથી થાળી છોડી ગાયના મોં આગળ ધરીને ગાયને ખવડાવતાં) આ કોની ગાય છે?
જગદીપ : પરભુ જાણે ચેની સે.
દુર્ગેશ : તમને ચરામણ કોઈ આલતું હશે ને?
રબારી : ઈ તો દરબારમાંથી મળે સે. આ ગા ખાઈ રહી. (ગાયને) હેંડ હવે ટેંબા ભણી
[ડચકરા બોલાવતો ગાયને હાંકી જાય છે.]
 
જગદીપ : સ્વર્ગેય ના જડ્યું ને સ્વર્ગનો માર્ગેય ના જડ્યો. પૃથ્વી પર હતા તેમ જ છીએ.

દુર્ગેશ : જુઓ ! આ વિમાન જેવું તો કાંઈ દેખાય છે.
[પોતાના હાથમાંનો કગાળનો ડૂચો બતાવે છે.]
 
જગદીપ : એ ક્યાંથી જડ્યો ?
દુર્ગેશ : ગાયની પાસે ઊભા રહી એને ખવડાવતાં બારીક નજરે જોતાં એને ગળે બાંધેલી કોડીઓમંથી વચલી મોટી કોડીમાં કાંઈ જણાયું. તે મેં હળવે રહી ખેંચી લીધું. હું રબારીને મારું ઓઠું કરીને જ ઊભો હતો, એટલે એને દેખાયું નહિ. હવે જુઓ, એ કાગળમાં કાંઈ સત્ત્વ છે?
જગદીપ : (કગળ ઉઘાડે છે.) કાંઈ કવિતા લખેલી છે. (વાંચે છે.)

એકાન્તવાસી ઋજુ બાલિકાને,
લઈ ઉપાડી જલસ્રોતમાંથી,
શા આ બિજા સ્રોત અગમ્યમાંહે,
મૂકી તણાતી અસહાય છેક? ૭૨

દુર્ગેશ : મેં કલ્પી હતી તે જ સ્થિતિ છે. મારી પાસે આ લેખન-સામગ્રી છે તે વડે એનો ઉત્તર લખો.
જગદીપ : એનો ઉત્તર એ જ કાગળની બીજી બાજુએ લખું છું કે,

એ સ્રોત છે હ્રદયના રસપુણ્ય કેરો,
એમાં કદાપિ નથિ જોડ વિના તરાતું;
ઉત્કંઠ જેહ તલસે બનવા સહાય,
રોકી રહ્યું વિરસ વેષ્ટન ક્રૂર તેને. ૭૩

[કાગળ પર લખે છે.]
 
દુર્ગેશ : એ કાગળ હવે સાંજ સુધીમાં પાછો એ ગાયને ગળે એ જ કોડીમાં નાખી દેજો. હવે તો, ગાય પર હાથ ફેરવવાને બહાને પણ ગાય પાસે જઈ શકશો. કાલે પ્રત્યુત્તર મળ્યા વિના નહિ રહે.

જગદીપ : તમારા આ મિત્રકાર્ય વિના મારો પ્રેમ અપંગ રહેત. હું વસતીથી દૂર ઉછર્યો છું, અને પ્રેમીઓની યુક્તિઓથી અજાણ્યો છું.
દુર્ગેશ :

જેવો હિરો હોય જડ્યા વિનાનો,
ગૂંથ્યા વિનાનું ફુલ હોય જેવું;
તેવો દિસે આ તમ પ્રેમ સાદો,
ન યુક્તિઓમાં ભળિ કાન્તિ જેની. ૭૪

જગદીપ : મને ન સૂઝી તે યુક્તિ એકાન્તમાં વસનારી એ ઋજુ બાલિકાને આવડી છે!
દુર્ગેશ : પ્રેમ અદ્ભુત થયા પછી સ્ત્રીને પ્રેમયુક્તિઓ શીખવા જવું નથી પડતું.
જગદીપ : અરે ! કનકપુરની ખબરો તમને પૂછવાનું તો હું ભૂલી જ ગયો છું.
દુર્ગેશ : મને તમારા કરતાં કનકપુરની કંઈ વધારે ખબર નથી; કેમકે, તમે રાજસભામાંથી નીકળ્યા પછી તરત જ હું તમારી શોધમાં નીકળ્યો છું. પરંતુ, તમે બારોબાર નીકળી આવ્યા ને હું મારા પ્રયાણની ખબર કમલાને કહેવા ગયો, એથી આપણા વચ્ચે અન્તર પડી ગયું.
જગદીપ : કુંવારા અને પરણેલા વચ્ચે એટલું અન્તર તો હોય જ ! પણ તમે મને શી રીતે ખોળી કાઢ્યો ?
દુર્ગેશ : તમે રાજસભામાં વૃતાન્ત કહેતાં કિસલવાડીનું ઠેકાણું કહેલું, તેથી પહેલાં ત્યાં હું તમારી ખબર કાઢવા ગયેલો. ત્યાંથી કાંઈ પત્તો મળ્યો નહિ, તેથી નગરની ચારે દિશામાં ફરીને શોધ કરવા માંડી. અને અન્તે, નદી પ્રત્યેની તમે ઘણી વાર દર્શાવેલી આસક્તિ પરથી તમે કોઈ ઠેકાણે
નદીતટે હશો એમ કલ્પના કરી નદીને માર્ગે ભ્રમણ કરતો હું અહીં આવી પહોંચ્યો. તમે એ શિવાલયની પડાળીમાં વાસ કરવાને બદલે નગરમાં આવો તો કેમ ? ત્યાંથી વખતોવખત અહીં આવી શકાશે.
જગદીપ : પંદર દિવસ તો હું નગરથી દૂર જ રહેવા ઇચ્છું છું. તે વિના મારી પ્રતિજ્ઞા પ્રમાણે તટસ્થતા પળાય નહિ.
દુર્ગેશ : હું નગરમાં જઈ કમલાને તમારા સમાચાર કહીને તથા નગરની ખબરો મેળવી અહીં પાછો આવીશ અને તમારા એકાન્તવાસની સગવડનાં કાંઈ સાધન લેતો આવીશ, અને આવીને તમારો અભિલાષ વિશેષ સિદ્ધિ પામેલો જોઈશ.
જગદીપ : એ સિદ્ધિનો આધાર પેલી ગાયને ગળે છે. એ ચરતી હશે ત્યાં જ હું જાઉં છું. કમલાદેવીને કહેજો કે એમને સહિયર આણી આપવા સારુ મેં ગાયની પૂજાનું વ્રત આરંભેલું છે.
[બંને જાય છે.]